ખબર

કોરોનાના ફફડાટથી ગુજરાતમાં અહીંયા લાગ્યું સ્વયંભૂ લોકડાઉન

કોરોના પ્રકોપ હવે ઘટવાને બદલે વધી રહ્યો છે.  ગુજરાતમાંથી પણ છેલ્લા થોડા દિવસથી કોરોનાના  કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા રાજ્યના ચાર પ્રમુખ શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનું કરફ્યુ પણ લગાવી દેવામાં આવ્યું છે તો ઘણા વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા જ લોકડાઉન લગાવવાના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લામાં આવેલા ખાનપુર ગામમાં પણ કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે અને એક જ અઠવાડીયામાં નાના એવા ખાનપુર ગામમાં 47 કેસો નોંધાયા છે. જેના કારણે ગ્રામ પંચાયત દ્વારા સ્વયંભૂ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

ખાનપુરના પટેલ ફળિયામાંથી જ 35 કોરોનાના કેસ નોંધાયા હતા. તેમજ ગઈકાલે કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું. જેના કારણે સમગ્ર ગામની અંદર ભયનો માહોલ હતો.

આ દરમિયાન જ ગ્રામજનો અને ગ્રામ પંચાયત દ્વારા 31 માર્ચ સુધી સ્વયંભૂ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે અને ફળિયામાં અવર જ્વર બંધ કરવા માટે બેરેક પણ લગાવી દેવામાં આવ્યા છે.