ધાર્મિક-દુનિયા

કેવી રીતે આવ્યા ભગવાન શિવ પાસે ત્રિશુળ, ડમરુ, નાગ અને ચંદ્ર – વાંચો એની પાછળની સ્ટોરી

જ્યારે પણ આપણે ભગવાન શિવનું ધ્યાન ધરીએ છીએ ત્યારે આપણી આંખની સામે એક પરમ વૈરાગ્ય સ્વરૂપ શિવની મુર્તિ દ્રશ્યમાન થાય છે. તેમના એક હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં ડમરુ, ગળામાં સર્પોની માળા પહેરેલી હોય અને મસ્તક પર અર્ધ ચંદ્ર વિરાજમાન છે. ભગવાન શિવ સાથે આ ચાર વસ્તુ કેમ જોડાયેલી છે? શું તમને આવો ક્યારેય પ્રશ્ન થયો છે. શિવના કોઈ પણ મંદિરમાં જઈએ આપણને આ ચાર વસ્તુ તેમની સાથે જોવા મળે છે. હવે પ્રશ્ન થાય કે આ ચાર વસ્તુ શિવ સાથે પહેલેથી જ હતી કે પછી અલગ અલગ સમયે તેમની સાથે જોડાઈ, આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવનો આ ચાર વસ્તુ સાથે સંબંધ કઈ રીતે બન્યો.

Image Source

ભગવાન શિવનું ત્રિશુળ –

ભગવાન શિવ સર્વશ્રેષ્ઠ અને બધા પ્રકારની અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાના જ્ઞાતા છે. પરંતુ પૌરાણિક સમયમાં તેમના બે પ્રમુખ અસ્ત્રોનો ઉલ્લેખ મળે છે એક ધનુષ અને બીજું ત્રિશુળ. ભગવાન શિવના ધનુષ વિશે તો એ કથા છે કે તેનું નિર્માણ સ્વયં શિવજીએ કર્યું હતું. પણ ત્રિશુળ વિશે એવી કોઈ માહિતી મળતી નથી કે તેમની પાસે ત્રિશુળ કેવી રીતે આવ્યું. પણ એવું માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્મનાદથી શિવનું પ્રાગટ્ય થયું ત્યારે તેમની સાથે રજ, તમ, સત, આ ત્રણ ગુણ પણ પ્રગટ થયા. આ ત્રણ ગુણ શિવજીના ત્રણ શૂલ એટલે કે ત્રિશુળ બન્યા. આ ત્રણ ગુણો વચ્ચે સાંમજસ્ય બનાવવું ખુબ કઠિન હતું, આથી ત્રિશુળના રૂપમાં શિવજીએ તેને પોતાના હાથમાં ધારણ કર્યું.

Image Source

ભગવાન શિવનું ડમરુ –

શિવજીના હાથમાં ડમરુ આવવાની કથા ખૂબ જ રોચક છે. સૃષ્ટિના પ્રારંભમાં જ્યારે દેવી સરસ્વતી પ્રગટ થઈ ત્યારે તેમણે પોતાની વીણાના સ્વરમાંથી ધ્વનિને જન્મ આપ્યો. પણ આ ધ્વનિ સુર અને સંગીત વિહીન હતી. તે સમયે શિવજીએ નૃત્ય કરીને ચૌદ વખત ડમરુ વગાડ્યું. અને આ ધ્વનિથી સંગીતના ધંદ, તાલનો જન્મ થયો. કહેવામાં આવે છે કે ડમરુ બ્રહ્મ સ્વરૂપ છે, જે દૂરથી વિસ્તૃત દેખાય છે પણ નજીક જતાં તે સંકુચિત થતું જાય છે. અને બીજા છેડાને મળી જાય છે. અને ફરી વિશાળ થાય છે. સૃષ્ટિમાં સંતુલન બનાવી રાખવા માટે શિવજી ડમરુને પોતાની સાથે લઈને પ્રગટ થયા છે.

Image Source

ભગવાન શિવનો નાગ/સર્પ –

શિવજીનું ધ્યાન ધરીએ ત્યારે સૌપ્રથમ તેમના ગળામાં આપણને નાગ કે સર્પના દર્શન થાય છે. એટલે કે શિવની સાથે હંમેશા નાગ હોય છે. આ નાગનું નામ વાસુકી છે. આ સર્પ વિશે પુરાણોમાં માહિતી આપવામાં આવી કે તે નાગોનો રાજા છે અને નાગલોકમાં તેમનું શાસન છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આ સર્પએ દોરીનું કામ કર્યું હતું અને જેનાથી સાગરનુ મંથન થયું હતું. કહેવામાં આવે છે કે વાસુકી નાગ પરમ શિવ ભક્ત હતો. તેની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજીએ તેમણે નાગલોકનો રાજા બનાવ્યો હતો અને પોતાના ગળામાં આભૂષણના રૂપમાં ગ્રહણ કર્યો.

Image Source

ભગવાન શિવના મસ્તક પર શોભતો અર્ધ ચંદ્ર –

શિવ પુરાણમાં કથા આવે છે કે ચંદ્રના વિવાહ દક્ષ પ્રજાપતિની 27 કન્યાઓ સાથે થયા હતા. અને આ 27 કન્યાઓ જ 27 નક્ષત્ર કહેવાય છે. આ કન્યાઓમાં ચંદ્ર રોહિણી નામની કન્યાને વિશેષ પ્રેમ કરતાં હતા. આથી આ ફરિયાદ તે કન્યાઓએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિને કરી. અને દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ચંદ્રએ ભગવાન શિવની તપસ્યા કરી. ચંદ્રની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવજીએ તેના પ્રાણ બચાવ્યા અને તેને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું. જે જગ્યા પર ચંદ્રએ તપસ્યા કરી તે સ્થાન સોમનાથ કહેવાયું. એવી માન્યતા છે કે દક્ષના શ્રાપના કારણે જ ચંદ્ર વધે અને ઘટે છે.

Image Source

આમ ભગવાન શિવની મહિમા અનોખી છે. અને તેમની કથાઓ પણ ખૂબ જ રોચક છે. શિવનું પરમ વૈરાગ્ય સ્વરૂપ જ મનને પરમ શાંતિ આપી જાય છે. આવી રહ્યો છે શ્રાવણ માસ એટલે કે શિવજીની પુજા, અર્ચના અને તપસ્યાનો માસ. આ માસમાં બને એટલી શિવની મહિમા ગાઓ અને સાંભળો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks