ગુજરાતીઓનું દિલ કેટલું વિશાળ હોય એ સાબિત કરી આપ્યું આ ગુજરાતીએ, કોરોના વોરિયર્સ માટે સેવામાં લગાવી દીધી પોતાની આલીશાન વેનિટી વાન

કોરોના મહામારીની અંદર સ્વાસ્થ્યકર્મીઓ, ડોક્ટર્સ અને પોલીસ કર્મચારીઓ આજે ખડાપગે ઉભા રહી અને દેશને બચાવવમાં લાગી ગયા છે. દિવસ રાત મહેતન કરી અને કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ જલ્દી સાજા થઇ જાય અને તેમનો જીવ બચી જાય તે માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

ત્યારે આ સ્વાસ્થ્યકર્મિઓ, ડોક્ટર્સ અને પોલીસકર્મીઓને પણ થાક લાગતો હશે, તેમને પણ આરામની જરૂર પડતી હશે. ખાસ રસ્તા ઉપર ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ અને તેમાં પણ મહિલા પોલીસકર્મીઓ માટે ઘણી હાલાકીઓ પણ વેઠવી પડે છે. તે પોતાના ઘરે પણ સમયસર નથી જઈ શકતા અને પોતાની ફરજ નિભાવે છે.

ત્યારે આવા ડોક્ટર્સ, સ્વાસ્થ્યકર્મીઓ અને પોલીસકર્મીઓની મદદ માટે એક ગુજરાતી આગળ આવ્યા છે જેમને પોતાની આલીશાન વેનિટી વાન જે મોટા મોટા ફિલ્મી સ્ટાર પોતાના શૂટિંગ સેટમાં વાપરતા હોય છે તેને આવા મહામારીના સમયમાં કોરોના વોરિયર્સની સેવામાં લગાવી દીધી છે.

આ ગુજરાતીનું નામ છે કેતન રાવલ. જે મૂળ જૂનાગઢ જિલ્લાના ઉના ગામના વતની છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે મુંબઈની અંદર સ્થાયી થઇ ચુક્યા છે. કેતન રાવલ પાસે 51 વેનિટી વાન છે અને હજુ નવી 7 વાન ગેરેજમાં છે જે આવતા મહિને તેમની પાસે આવી જશે. જેના બાદ તેમની પાસે કુલ 58 વાન થઇ જશે. કેતન રાવલ ભારતમાં સૌથી વધુ વેનિટી વાન ધરાવનાર એક માત્ર વ્યક્તિ છે.

ગુજ્જુરોક્સ સાથેની વાતચીતમાં કેતન રાવલે મુંબઈમાં કોરોના વોરિયર્સની સેવામાં લાગેલી વેનિટી વાન વિશે વાત કરી હતી. જેમાં તેમને જણાવ્યું કે 3 વાન તેમને મુંબઈ પોલીસની સેવામાં આપી છે જયારે 3 વાન વેસ્ટમાં શરૂ થયેલી કોવિડ હોસ્પિટલના ડોક્ટર્સની સેવામાં આપી છે.

કેતન રાવલની જે વેનિટી વાન સેવામાં લાગેલી છે તે વાન રણવીર સિંહની ફિલ્મ “સર્કસ”, આલિયા ભટ્ટની ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી” અને અક્ષય કુમારની ફિલ્મ “રક્ષાબંધન”માં જે વાન ઉપયોગમાં લેવામાં આવી છે તે પણ સામેલ છે.

આ પહેલા પણ ગયા વર્ષે લાગેલા લોકડાઉન અને કોરોના મહામારી દરમિયાન જે મહિલાઓ કોવિડ-19ની ડ્યુટી કરી રહી હતી તેમના આરામ, વોશરૂમના ઉપયોગ માટે તેમને વાન સેવામાં લગાવી હતી. આ ઉપરાંત મહિલાકર્મીઓ ઘરે જતા પહેલા આ વાનમાં જ ચેન્જ કરીને જતી હતી.

કેતન રાવલ દ્વારા કરવામાં આવેલા આ ઉમદા કાર્યની નોંધ બોલીવુડના સેલેબ્રિટીઓ સાથે ઘણા બધા મીડિયાએ પણ લીધી છે.

Niraj Patel