“કેળવણી અને કેરી” – શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ એટલો જ છે જેટલો જાતે પાકેલી કેરી અને કાર્બાઇડ પકવેલી કેરી વચ્ચે હોય છે! વાંચો મુકેશ સોજીત્રાની કલમે

0

“નાનજી કરમશી ગામમાં આવે છે અષાઢી બીજે.. સુરા પુરાને ચોખા ધરાવશે. ગામ આખાને જમાડવાના છે.. ગામ ધુમાડો બંધ છે.. સુરા પુરાની જગ્યાએ પાકી દેરી અને એક મોટું ધર્મશાળા જેવું મકાન પણ બનાવવાના છે એના આયોજન માટે એ આવે છે એક મહિનો અગાઉ” રતુએ બજરંગદાસ બાપુના ઓટલે વાત માંડી. હરભોવન, ખીમો, જાદવ જેઠા અને જટાદાદા માસ્તર આ બધું સાંભળતા હતા. થોડી વાર પછી જટા દાદા બોલ્યાં.

“મારેય ટપાલ આવી છે ત્રણ દિવસ પહેલા.. ગઈ દિવાળીએ એ અહી આવ્યા હતા ત્યારે મેં એને વાત કરીતી કે નાનજીભાઈ તમારે વાપી અને સેલવાસમાં બે ફેકટરીઓ છે. ઘણા બધા માણસો કામ કરે છે તો આપણા ગામમાંથી અને આજુબાજુના ગામમાં ઘણા દસ ધોરણ અને બાર ધોરણ પાસ છોકરા છે. કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોય આગળ ભણી શકે એમ નથી તો એવા છોકરામાંથી તમે તમારી બેય ફેકટરીમાં થોડાં છોકરાને નો સાચવી શકો.. આમાં બે કામ થાય. આ છોકરાઓ બહાર નીકળે તો એને નવી દુનિયા જોવા મળે પોતાના પગભર થાય અને તમને વતન પ્રત્યેનું ઋણ ચુકવ્યું હોય એવું લાગે. દિવાળી વખતે મારી વાત એના મગજમાં જેમ પેટમાં શીરો ઉંતરે એમ ઉતરી ગઈ. આપણા ગામના અને આજુબાજુ ગામના થઈને લગભગ ત્રીસેક છોકરાઓએ અરજી પણ કરી દીધી હતી પણ નાનજી કરમશીએ મને ટપાલમાં જણાવ્યું કે ઈન્ટરવ્યું માં બોલાવેલ બધાય છોકરાઓના ટકા ઓછા પડે છે એમ ફેકટરીના મેનેજર અને મારા બને દીકરા કહેતા હતા તેમ છતાં આ વખતે રૂબરૂ આવું ત્યારે આપણે વિશેષ વાત કરીશું” આ સાંભળીને હરભોવન બોલ્યો.

“ આપડી પ્રજા એવા મોટા ફેકટરામાં થોડી હાલે. ત્યાં તો ઘણું બધું ભણેલા જોઈએ. શહેરના છોકરા આગળ આપડી ગામની વેજાનું શું આવે?? તમેય જટાદા શું નાંખી દીધાની વાત કરો છો. કોઈ દી આપણી નિશાળના છોકરાના ફોટા છાપામાં કે ટીવીમાં આવ્યા??? અહી બધા માંડ માંડ પાસ થાય એમાં નોકરો કોણ ભોજિયો ભાઈ આપે?? તમે પણ સોનાની જાળ પાણીમાં નાંખો છો”

Image Source

“ અરે એવું નથી ત્યાં કલાર્કમાં અને એના જેવી નાની પોસ્ટ પર બાર પાસ કે દસ પાસ છોકરાઓ જ એ લોકો ભરે છે.. મોટી મોટી જગ્યા પર મોટું મોટું અને અઘરું અઘરું ભણતર માંગે બાકી નાની નોકરી માટે ઊંચા ભણતરની કોઈ જ જરૂર નથી. વળી નાનજી કરમશીના બાપા કરમશી ઉકા તો આ ગામમાં જ ભણેલાને?? તો ય બે બે ફેકટરીઓ એ જમાનામાં નાંખેલ!! હા એ વાત સાચી કે નાનજી અને એના બધા છોકરા શહેરમાં ભણેલા અત્યારે બને ફેકટરીઓ ધમધોકાર હાલે છે.. પણ મૂળમાં તો સ્થાપેલી ગામડાના શિક્ષણે જ ને” જટા દાદા એ પોતાની વાત પૂરી કરી અને તમાકુની ગોળી મોઢામાંથી કાઢી અને ઘર તરફ પ્રયાણ કર્યું.

જટા દાદાની વાત સાચી હતી. નાનજીના બાપા કરમશી ઉકા આજ ગામની શાળામાં માંડ ચાર ચોપડી ભણેલા. પણ મગજ પહેલેથી બહુ જ તેજ.. એમાં એને ચિત્રકામ સરસ આવડતું. દિવાળી પર કોઈના ટોડલે કે બાર શાખ પર શુભ લાભ કે કોઈ દેવી દેવતા નું નામ લખવું હોય તો કરમશીને બધા બોલાવતા. કરમશીના ગળી વાળા પેઈન્ટીંગ પર આજુબાજુની પબ્લિક બહુ જ ખુશ હતી. રંગો સાથે એને નાનપણથી જ નાતો હતો. પછી તો આજુબાજુના મંદિરોના કલર કામ પણ કરમશી કરવા લાગ્યો. તાલુકા સુધી એનું નામ થઇ ગયેલું અને એમાં એક દિવસ કિસ્મતનું પાંદડું ફરક્યું. એક નવી કલરની કંપનીવાળાએ કરમશીનો કોન્ટેક કર્યો. કરમશી એ એના રંગો જોયા અને કીધું કે આ બધા રંગો અહીના વાતાવરણમાં વધારે સ્ટ્રોંગ છે. અમુક સમયે આમાંથી પોપડી થઇ જાય. કલર કંપનીવાળા કરમશીનું હીર પારખી ગયા અને કરમશી ઉકાને સારા પગારે પોતાની કલર ફેકટરીમાં લઇ ગયા અને કિસ્મતનું ચક્ર ફર્યું. પછીના દસ જ વરસમાં કરમશી વાપીમાં એક કલર ફેકટરીનો માલિક બની ગયો અને બીજા દસ વરસમાં બીજી એક કલર ફેકટરી એણે સેલવાસમાં નાંખી. બસ પછી તો એના સંતાનો નાનજી અને જીવરાજે કામ સંભાળી લીધું. જીવરાજ તો પછી કોઇમ્બતુર જતો રહ્યો ત્યાં એણે પોતાની એક અલગ જ ફેકટરી નાંખી પણ નાનજી આ બે ફેકટરીનો વહીવટ સંભળાતો ગયો. વરસેને વરસે ધંધો જામતો ગયો. ફેકટરીનો વિકાસ વધતો ગયો અને અત્યારે નાનજીના બે ય દીકરાએ દાદાનો વારસો પૂરી રીતે જાળવ્યો હતો.

Image Source

જટાશંકર બે વરસ પહેલા જ નિવૃત થયા હતા. પોતે હાઈસ્કુલમાં આચાર્ય હતા. આજુબાજુના આઠ ગામડા વચ્ચે એક સમ ખાવા પુરતી હાઈસ્કુલ હતી જે લગભગ શરૂઆતમાં રગડ ધગડ હાલતી હતી પણ જટા દાદા આવ્યા પછી ગામલોકો કહેતા કે શિક્ષણ સુધર્યું તો છે જ!! આઠમું પ્રાથમિકમાં ગયું એટલે હવે આ હાઈસ્કુલમાં અગિયાર અને બાર ધોરણ સુધીના શિક્ષણની વ્યવસ્થા થઇ હતી. પરિણામ એંશી ટકાની આજુબાજુ આવતું પણ અત્યાર સુધીમાં આ શાળાનો કોઈ દસમાં ધોરણનો કે બારમાં ધોરણનો વિદ્યાર્થી છાપે નહોતો ચડ્યો!! મતલબ કે એંશી ટકાને વટ્યો નહોતો!! ગામડું ગામ અને ટાંચા સાધનો વચ્ચે પણ ભલે ટકા ઓછા આવે પણ શિક્ષણ કરતાં કેળવણી સારી હતી. જટા દાદાના સાંનિધ્યમાં બાળકો જીવનના પાઠ સારી રીતે ભણતાં. ખાલી ગોખણીયુ જ્ઞાન જ નહિ પણ જીવનોપયોગી કેળવણી બાળકો મેળવી રહ્યા હતા. ખરા અર્થમાં ઘડતર થતું હતું.

નિયત સમયે નાનજી કરમશીનો પરિવાર ગામમાં આવી પહોંચ્યો. આષાઢી બીજને હજુ વાર હતી એકાદ અઠવાડિયાની. ગામમાં વડીલોપાર્જીત જુના મકાનમાં પરિવારે ધામા નાંખ્યા. સાફ સફાઈ કરીને પરિવાર ગ્રામ્ય જીવનનો આનંદ માણી રહ્યા હતા. ત્રીજા દિવસે બપોર પછીના સમયે જટા દાદા હાથમાં એક દેશી કેરીઓની થેલી ભરીને નાનજી કરમશીને મળવા ઉપડ્યા. ગામમાં જુના આંબાઓ હતા. ત્યાંથી જટા દાદાઓ શાખે પાકેલ કેરીઓ વીણી વીણી ને થેલીમાં ભરીને સાથે લઇ ગયા હતા.

“આવો આવો માસ્તર” નાનજી કરમશી એ ઉભા થઈને આવકાર આપ્યો. નાનજીના બને છોકરાઓ ફળિયામાં ખાટલા ઢાળીને લેપટોપ પર કૈંક મથામણ કરતાં હતા. એમના સંતાનો બર્મ્યુડા પહેરી પહેરીને મોબાઈલ ગેમમાં વ્યસ્ત હતાં. જટાશંકર એક ખાટલામાં ગોઠવાયા. થેલી તેણે ખાટલાની પાંગથે ભરાવી હતી. થોડી આડાઅવળી વાતો થઇ પછી જટા દાદા મૂળ વાત પર આવ્યાં.

Image Source

“નાનજીભાઈ ગામના છોકરાની નોકરીનું કેટલેક આવ્યું??? શું વિચાર્યું છે એ બાબતમાં??” નાનજીભાઈનો મોટો દીકરો દીપેન તરત જ બોલ્યો.

“ ફેકટરીઓનું તમામ કામ હું અને ધીરેન સંભાળીએ છીએ. પાપા તો હવે ખાલી દેખરેખ રાખે છે. ફેકટરીના હિતમાં તમામ કર્મચારીઓની ભરતી અમે લોકો મેરીટ મુજબ જ કરીએ છીએ. કોઈ સગાવાદ કે ઓળખીતાવાદ અમે ચલાવી લેતા નથી. પાપાની લાગણી અને તમારી આ ગામ અને આજુબાજુના પંથકની લાગણી હોય એ સ્વાભાવિક છે પણ માફ કરજો સાહેબ અહીના બાળકો ટકાવારીમાં ખુબ જ નીચા રહે છે. અમારી ફેકટરીમાં અમે ૯૨ ટકા કરતા વધારે હોય એને જ નોકરી આપીએ છીએ અને એવા બાળકો અમને મળી પણ રહે છે, એકદમ શાર્પ અને ઉચ્ચ ગુણવતા ધરાવતા બાળકો જ અમારે ત્યાં સિલેક્ટ થાય છે.”

“સાચી વાત છે ટકાવારીમાં તો ગામડાના છોકરાઓ પાછળ રહી જાય એ સ્વીકારું છું. મોટાભાગના ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે વળી અમારે હાઈસ્કુલમાં શિક્ષકોની પણ ઘટ છે. સમાજવિધા વાળાને વિજ્ઞાન ભણાવવું પડે એવી પરિસ્થિતિ છે. વળી શહેરની સરખામણીએ ગામડામાં પર્સનલ ટ્યુશન કે ચોક્કસ પ્રકારનું સાહિત્ય પણ ના મળે એટલે લેખિતમાં તો અમાર બાળકો કાચા રહે છે” જટાદાદા એ કહ્યું અને થેલી પાંગથે ભરાવી હતી એ કાઢી અને એમાંથી દેશી કેરીઓ કાઢી. અને ચપ્પુ અને થાળીઓ મંગાવી. કેરીની સુગંધથી ઘર મહેંકી ઉઠયું. કુટુંબના દરેક સભ્યોને કેરીની ચીર આગ્રહ પૂર્વક આપી બધાએ શરૂઆતમાં પરાણે પરાણે ચાખી કારણકે કેરીનો આકાર બેડોળ હતો અને રંગ પણ ખાસ આકર્ષક નહોતો. પણ જેવી એક ચીર ખાધી કે તરત જ બધાને સ્વાદ દાઢે વળગ્યો. દીપેન બોલ્યો.
“ધીરેન આ તો રત્નાગરી હાફૂસને વધે એવી કેરી છે. અંદર તો જાણે કેસરયુક્ત મધ ભર્યું હોય એવો મીઠો સ્વાદ આવે છે.”

“સાચી વાત છે દીપેન.. સુગંધમાં તો સુંદરી કેરીને આંટી મારે એવી છે.” ધીરેન બોલ્યો. નાનજીભાઈએ પણ બે કેરી ખાધી અને વખાણ કર્યા. દીપેનની પત્ની અંજના બોલી.
“ આ જાત પેલી વાર જોઈ.. બહુ જ મીઠી છે.. કઈ જાત છે આ જટા દાદા?? ક્યાંથી તમે આ લાવ્યા???”
અને જવાબમાં જટા શંકર બોલ્યા. જાણે તે આ જ પળની રાહ જોઈ રહ્યા હતા.
“ આ દેશી જાતના આંબા છે.. આ આંબા સચવાયેલા ન હોય.. ધરતીને ધાવીને મોટા થયેલા આંબા આવી કેરીઓ આપે.. વગર માવજતે તૈયાર થયેલ આ શાખની કેરીઓ છે એટલે કે એની મેળે જ પાકેલી છે.. આને પકવવા માટે કાર્બાઈડની જરૂર ન પડે.. તમે અત્યાર સુધી સારા રંગની કેરીઓ ખાધી છે.. સારા દેખાવની કેરીઓ ખાધી છે.. કેમિકલથી પકવેલી કેરીઓ ખાધી છે. મોટાભાગે એનો રસ તમને મસ્ત એવો કેસરી દેખાય પણ સ્વાદ સાવ ફીકો હોય.. તવાઈ ગયેલા ચીભડા સાથે વેજીટેબલ ઘી ખાતા હોય એવું લાગે.. ટૂંકમાં તમને માજા જેવું લાગે પણ આ ઓરીજનલ છે.. આ દેશી કેરી છે.. આંખને ન ગમે તેવો એનો વાન.. પણ સ્વાદ તો જાણે અમીરસ પીતા હોય એવું લાગે” જટાશંકર થોડી વાર રોકાયા પછી પાછા બોલ્યાં.

Image Source

“ આવું જ અમારા ગામડાના છોકરાનું.. ટકા ઓછા હોય.. દેખાવ કે ટાપટીપ ન હોય.. ફેશનેબલ કે ચીપી ચીપીને ઓહ.. આઈ સી..કે એક્સ્યુઝમી બોલતા એને ન આવડે પણ એ એકદમ હોય ઓર્ગેનિક!! જેમ આ કેરી શરીરને ક્યારેય નડે નહીં એમ અમારા ગામડામાં ભણેલા બાળકો ક્યારેય કોઈને નડે નહિ!! એક વાત તમને કહું નાનજીભાઈ કે ભલે અમારા બાળકોમાં “ટકા” ઓછા છે પણ એનામાં કળીયુગનો “કાટ” ક્યારેય નો લાગે એની હું ખાતરી આપું છું. હું તો એવું ઈચ્છું કે રોજ તમે કાર્બાઈડથી પકવેલ કેરીઓ ખાવ છો તો એકવાર ગામડાની કુદરતી શાખે પાકેલી દેશી કેરી પણ ખાઈ જુઓ!! એ તમને વેડશે નહિ એની સો ટકા ખાતરી છે. તમે એને શીખવાડો એટલે એને બધું આવડી જાય!! તમારી ફેકટરીમાં અમારા ગામડાના ઓછા ટકા વાળાને છ મહિના માટે રાખી જુઓ. પછી નો ફાવે તો તમે છુટા કરી દેજો પણ એકવાર દેશીનો ટેસ્ટ કરી જુઓ!! ભલે ટકા ઓછા પણ એનામાં ભારોભાર નિષ્ઠા અને વફાદારી ભરેલી છે. મારા સગા હાથે મેં બાળકોમાં આવા સંસ્કારો રેડેલા છે. મને ગળા સુધી ખાતરી છે કે જેમ માતાને એને જણેલા પર વિશ્વાસ હોય એમ મને મારી પાસે ભણેલા પર વિશ્વાસ છે!! વધુ તો નહીં કહું પણ કરમશીભાઈનું ખાનદાન સમજણું છે એમ હું સમજુ છું.” સહુ સાંભળવામાં તલ્લીન થઇ ગયા. કેરીની ચીર કાળજામાં પહોંચે અને ટાઢક થાય એમ જટાશંકરની વાત બધાના દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ!!!

અષાઢી બીજ આવી. નાનજીભાઈએ પોતાના સુરાપુરાને ચોખા ધરાવ્યા અને આખા ગામને પણ જમાડ્યું અને નાનજીભાઈ પરિવાર વાપી જવા રવાના થયો ત્યાં સુધીમાં ધીરેન અને દીપેને ગામના દસ છોકરાને સિલેકટ કરી લીધા હતા. ગામ ખુશ હતું. જટા દાદા ખુશ હતા!! સહુ ખુશ હતા. દસેય છોકરાને લાઈનમાં ઉભા રાખીને જટાદાદા એ કીધું.
“ નિષ્ઠાથી કામ કરવું. જેણે રોટલો આપ્યો છે એનું કદી બૂરું ના ઇચ્છવું..!! વફાદાર રહેવું.!! રોજ સવાર-સાંજ આ ગામને અને માતા પિતાને યાદ કરજો. તમે ભણ્યા ઈ નિશાળને યાદ કરજો. પરમ કૃપાળું પરમાત્મા તમારા મગજમાં ક્યારેય બુરો વિચાર લાવશે પણ નહીં!! જાવ કરો કંકુના!! અને એવું કામ કરજો કે તમારી પાછળ પાછળ આ ગામના બીજા છોકરાને પણ નોકરીઓ મળે!! ગામના આશીર્વાદ તમારી સાથે છે “વતન”ના “રતન” બનો અને નાનજીભાઈના છોકરાઓ અત્યારે તમારા પર જે ભરોસો મુકી રહ્યા છે એનું છેલ્લા શ્વાસ સુધી “જતન” કરો”

કાર્બાઈડથી પકવેલ કેરી અને દેશી આંબા પર પોતાની રીતે પાકેલ કેરી વચ્ચેનો તફાવત જો તમને સમજાઈ જાય તો પછી શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ પણ તમને તરત સમજાઈ જશે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here