બોલીવુડના કલાકારોને ધમકી મળવાનો સિલસિલો ચાલુ જ છે. ગત રોજ બોલીવુડના સૌથી ખ્યાતનામ કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફને સોશિયલ મીડિયામાં ધમકી મળી હતી. જેના બાદ તેમને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો અને આખરે ધમકી આપનારા આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફના પાગલ પ્રેમીએ પોતાની વિચિત્ર અને ડરામણી હરકતોથી હેડલાઈન્સ બનાવી છે. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ કેટરીના અને તેના પતિ વિક્કી કૌશલને મારી નાખવાની ધમકી આપી હતી. આ પાગલ પ્રેમીએ કેટરિના કૈફને પોતાની પત્ની તરીકે દિલથી સ્વીકારી લીધી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કપલની પાછળ પડ્યા બાદ મુંબઈ પોલીસે તેને પકડી લીધો છે.

ઇન્સ્ટાગ્રામ પર કિંગ આદિત્ય રાજપૂત નામનું હેન્ડલ ચલાવનાર આ વ્યક્તિનું અસલી નામ મનવિંદર સિંહ જણાવવામાં આવ્યું છે. મનવિન્દર કેટરિના કૈફનો મોટો ફેન છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો આ વ્યક્તિ આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, દિશા પટની અને શ્રદ્ધા કપૂરને પણ પસંદ કરે છે. આ વ્યક્તિએ આ તમામ અભિનેત્રીઓ સાથેની પોતાની ફોટોશોપ કરેલી તસવીરો શેર કરી છે.

મળતી માહિતી મુજબ મનવિંદર સિંહની ઉંમર 25 વર્ષ છે. 12મું પાસ મનવિન્દર એક્ટર બનવા લખનઉથી મુંબઈ આવ્યો હતો. આ વ્યક્તિ મુંબઈના સાંતાક્રુઝમાં અલગ-અલગ જગ્યાએ રહે છે. આ વ્યક્તિ પાસે કોઈ નોકરી નથી અને તે લખનઉમાં રહેતા પરિવારના પૈસા પર ગુજરાન ચલાવે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ છેલ્લા ઘણા મહિનાઓથી કેટરિના કૈફને પણ ફોલો કરી રહ્યો હતો.

આ વ્યક્તિ જેના પ્રેમમાં પાગલ છે તે કેટરીના કૈફ છે, કેટરિનાને તેની પત્ની ગણાવનાર આ વ્યક્તિએ કેટરિના સાથેના તેના લગ્નનો વીડિયો પણ શેર કર્યો છે. એટલું જ નહીં, અલગ-અલગ ઈવેન્ટ્સમાં કેટરિના સાથે પોઝ આપતી વખતે પણ આ વ્યક્તિની પ્રોફાઈલમાં ફોટા જોવા મળી રહ્યા છે. પ્રોફાઇલ વિશે વાત કરીએ તો, તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં તેણે પોતાને બોલિવૂડનો માલિક ગણાવ્યો છે. વ્યક્તિએ લખ્યું છે “બોલિવૂડના સીઈઓ (બોલિવૂડના માલિક), મારી ગર્લફ્રેન્ડ/પત્ની કેટરીના કૈફ છે. સ્લાઈસની મારી અને કેટરીનાની જાહૅરાત ટૂંક સમયમાં આવવાની છે. એટલું જ નહીં, આ વ્યક્તિ અન્ય ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચલાવી રહ્યો છે.

આ એકાઉન્ટમાં તેણે 13 ડિસેમ્બર 2021ના રોજ કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા હોવાનો પુરાવો આપતો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં વ્યક્તિએ લખ્યું છે કે 9 ડિસેમ્બરે કેટરિનાની નાની બહેન ઈસાબેલ કૈફના લગ્ન વિકી કૌશલ સાથે થયા હતા. આ વ્યક્તિએ બંદૂક પકડીને પોતાનો ફોટો પણ શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામના પ્રોફાઈલ ફોટો પર પણ કેટરીના સાથેનો રોમેન્ટિક ફોટો છે.
View this post on Instagram
આ વ્યક્તિની હરકતો પરથી એવું માનવામાં આવે છે કે તેનું મગજ સંતુલન બરાબર નથી. પરંતુ જો પોસ્ટ્સને ધ્યાનમાં લેવામાં આવે તો તેણે તેના વીડિયો અને ફોટા પર ઘણા મીડિયા હાઉસને ટેગ કર્યા છે. આવી સ્થિતિમાં, એવું પણ બની શકે છે કે આ વ્યક્તિ જાણી જોઈને હેડલાઇન્સ બનાવવા માટે આ કૃત્યો કરી રહ્યો છે.