બોલીવુડના સૌથી ખ્યાતનામ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલને મળી જાનથી મારી નાખવાની ધમકી, કેસ કરાવ્યો દાખલ, પોલીસ લાગી તપાસમાં

બોલીવુડના ઘણા સેલેબ્સને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ અભિનેતા સલમાન ખાનના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારે હવે બોલીવુડના સૌથી ખ્યાતનામ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે જેના બાદ કપલે ફરિયાદ નોંધાવી છે.

વિક્કી કૌશલ અને કેટરીના કૈફને આ ધમકી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી છે. મુંબઈ પોલીસે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. વિક્કી કૌશલ અને કેટરીનાએ 2021માં લગ્ન કર્યા હતા. તેમને મળેલી આ ધમકી બાદ ચાહકો પણ આઘાતમાં છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આદિત્ય રાજપૂત નામનો વ્યક્તિ લાંબા સમયથી કેટરીનાને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો અને વિક્કી કૌશલે તે વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આવું કરતો રહ્યો અને અંતે વિક્કી કૌશલને આ પગલું ભરવાની ફરજ પડી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે  આ વ્યક્તિનું નામ સોશિયલ મીડિયા પર છે, પરંતુ તે તેનું અસલી નામ છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આથી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આ કેસ નોંધ્યો છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્નને એક વર્ષ પણ થયું નથી. તાજેતરમાં જ કેટરીનાએ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો.

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદથી સેલિબ્રિટીઓને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તમારા હાલ પણ મુસેવાલા જેવા કરવામાં આવશે. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર ગોલ્ડી બરારે મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી.

Niraj Patel