આણંદના વિદ્યાનગરમાં અભ્યાસ કરતા 21 વર્ષના કાશ્મીરી યુવકે હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર એવું બને છે કે, કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ આર્થિક તંગીને કારણે તો કોઇ અભ્યાસને કારણે તો ઘણા માનસિક-હેરાનગતિને કારણે આપઘાત કરી લેતા હોય છે, ત્યારે હાલમાં આણંદના વિદ્યાનગરમાંથી આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 21 વર્ષીય કાશ્મીરી યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામી છે.

આ મામલે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. મૂળ કાશ્મીરી યુવક સફીમહંમદ ઠાકોર વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરોત હતો અને તે યુનિવર્સિટીની નેહરુ હોસ્ટેલમાં મકાન નં.25માં રહેતો હતો. તેણે 26 ઓગસ્ટ શુક્રવારના રોજ મોડી રાત્રે કોઈ અગમ્ય કારણસર રૂમ બંધ કરી દીધો અને પંખા સાથે કાશ્મીરી સાલ વડે ગળેફાંસો ખાઇ લીધો. જો કે આ વાતની જાણ થતા જ તેને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ વિદ્યાનગર પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને સફીમહંમદે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યુ છે કે, સફીમહંમદ મૂળ અનંતનાગ ફૂલગાંવનો હતો. તે છેલ્લા એક મહિનાથી એમએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે વિદ્યાનગર આવ્યો હતો. હાલ તો પોલિસ એ તપાસ કરી રહી છે કે તેણે કયા કારણસર આપઘાત કર્યો છે.આ ઉપરાંત રાજકોટના જેતપુરના ચારણીયા ગામમાંથી એક યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ હતુ.

તેણે પણ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીના માતા પિતા બહાર ગામ ગયા હતા અને પાછળથી યુવતીએ મોતને વહાલું કરી લીધું હતુ. આ યુવતિનું નામ જાનકી રાઠોડ હોવાનું સામે આવ્યુ હતુ અને 18 વર્ષની ઉંમરે તેણે ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલિસ તપાસ કરી રહી છે. પોલિસે મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Shah Jina