બિહારની સીમા જેવી છે કાશ્મીરના આ યુવકની હાલત, રોજ 2 કિલોમીટર એક પગે ચાલીને સ્કૂલે જાય છે, વીડિયો તમારી આંખોના પોપચાં ભીના કરી દેશે

થોડા દિવસ પહેલા જ બિહારની એક સીમા નામની છોકરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેનો એક પગ ના હોવાના કારણે તે એક પગ ઉપર ચાલીને સ્કૂલે જવા માટે 1 કિલોમીટરનું અંતર કાપતી હતી, જેના બાદ હવે કાશ્મીરના એક યુવકની કહાની પણ લોકોને ભાવુક કરી રહી છે. આ યુવક પણ રોજ એક પગ ઉપર ચાલી અને સ્કૂલ સુધીનું 2 કિલોમીટરનું અંતર કાપે છે.

બિહારની સીમા જેવો જ એક એક કિસ્સો કુપવાડાના એક દૂરના ગામમાં સામે આવ્યો છે. અહીં એક યુવક પોતાની શારીરિક અસમર્થતા અને સત્તાધીશોની ઉદાસીનતા સામે લડીને પોતાના માટે ભવિષ્ય બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દૂરના કુપવાડા જિલ્લાના નૌગામ મવાર ગામનો રહેવાસી 14 વર્ષીય પરવેઝ અહેમદ હજામ શાળાએ જવા માટે એક પગે ચાલીને તમામ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

પરવેઝ ધોરણ 9નો વિદ્યાર્થી છે. પોતાનું સપનું પૂરું કરવા માટે, તેણે સ્કૂલ સુધી પહોંચવા માટે બોય વિથ વન લેગ જમ્પ કરીને દરરોજ બે કિલોમીટરથી વધુનું અંતર કાપવું પડે છે. પરવેઝના પિતા ગુલામ અહેમદ હજમના જણાવ્યા અનુસાર, તે વર્ષ 2009માં એક ભયાનક અકસ્માતમાં ખરાબ રીતે દાઝી ગયો હતો. તે સમયે પરવેઝની ઉંમર એક વર્ષથી થોડી વધુ હતી.કાશ્મીરની શિયાળાની રાણી – કાંગરી – જેનો દરેક કાશ્મીરી પરિવાર પોતાને ગરમ કરવા માટે ઉપયોગ કરતો હતો, તે તેની ઈજાનું કારણ હતું. ખરાબ રીતે દાઝી ગયા પછી, ડૉક્ટરોએ પરવેઝનો જીવ બચાવ્યો, પરંતુ તેનો પગ કાપવો પડ્યો.

પોતાની શારીરિક વિકલાંગતા હોવા છતાં, પરવેઝ પોતાનું સપનું પૂરું કરવામાં પાછળ રહેવા માંગતો નથી. પરવેઝે શરૂઆતમાં સ્થાનિક સરકારી શાળામાં શિક્ષણની શરૂઆત કરી હતી, પરંતુ ધોરણ 5 પછી તેને તેના ઘરથી 2 કિલોમીટરથી વધુ દૂર આવેલી હાઈસ્કૂલમાં ટ્રાન્સફર થવું પડ્યું હતું. જ્યારે શિક્ષણ વિભાગે સ્થાનિક સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જરૂરી સહાય પૂરી પાડવામાં મદદ કરી હતી અને વિના મૂલ્યે વ્હીલ ચેર આપવામાં આવી હતી. પરંતુ, છેલ્લા 4 વર્ષથી આ વ્હીલ ચેર તેમને બહુ ઓછી મદદ કરી રહી છે.

પરવેઝ એક પહાડી ગામમાં રહે છે અને તેની રોડ કનેક્ટિવિટી નબળી છે. રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે. પરવેઝ કહે છે કે આટલા ખરાબ રસ્તાઓ પર હું વ્હીલ ચેર પર સ્કૂલે કેવી રીતે જઈ શકું ? અને પહાડના ઢોળાવ ઉપર અને નીચે વ્હીલ ચેરનો સહારો કોણ આપશે. પરવેઝના પિતા ગુલામ અહેમદના જણાવ્યા અનુસાર, તે વ્યવસાયે મજૂર છે અને તેનો 9 લોકોનો મોટો પરિવાર છે. અહેમદ કહે છે કે હું મારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગુ છું અને આ માટે મારે સખત મહેનત કરવી પડશે.

પરવેઝ માત્ર અભ્યાસમાં જ હોશિયાર વિદ્યાર્થી નથી પરંતુ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારો છે. સરકારી હાઈસ્કૂલના શિક્ષક એજાઝ અહેમદ કહે છે કે તેઓ વર્ગમાં માત્ર ટોચના રેન્ક ધારક જ નથી, પરંતુ ચર્ચાઓ અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવામાં હંમેશા આગળ રહે છે. શારીરિક રીતે નબળા હોવા છતાં, તે અમારી શાળાનો શ્રેષ્ઠ ક્રિકેટ ખેલાડી છે.

પરવેઝ અહમદ હજામ કહે છે કે એક પગે ચાલતી વખતે તેને અન્ય બાળકોના ટોણા અને તીક્ષ્ણ વાતોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ પરવેઝના કહેવા પ્રમાણે, તેણે હંમેશા ટોણાને અવગણીને પોતાનું જીવન શિક્ષણ મેળવવા પર કેન્દ્રિત કર્યું. તમામ મુશ્કેલીઓ સામે લડીને પરવેઝે અત્યાર સુધી પોતાની જાતને આગળ ધપાવી છે, પરંતુ પરવેઝને સરકાર પાસે એક જ વિનંતી છે કે તેને આર્ટિફિશિયલ લેગ અથવા એવી કોઈ બીજી વસ્તુ આપો જેનાથી તેને સ્કૂલે જવા દરમિયાન થઇ રહેલી મુશ્કેલીઓને ઓછી કરી શકે.

Niraj Patel