IPL માં પતિની સટ્ટાબાજી, 1.5 કરોડનું દેવું, લેણદારોની પ્રતાડના…પત્નીએ કંટાળી કર્યો આપઘાત

IPL સટ્ટાબાજીમાં પતિ હારી ગયો 1.5 કરોડ, બિચારી પત્નીએ કર્યો આપઘાત, નીચે વાંચો ખુબ જ ચોંકાવનારો મામલો

કર્ણાટકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચિત્રદુર્ગામાં એક મહિલાએ IPLમાં પતિના સટ્ટાબાજીથી પરેશાન થઈ આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે એન્જિનિયર દર્શન બાબુની 23 વર્ષીય પત્ની રંજીતાનો મૃતદેહ 18 માર્ચે લટકતો મળી આવ્યો હતો. રીપોર્ટ્સ અનુસાર, રંજીતાના પતિ દર્શને સટ્ટાબાજી માટે 13 લોકો પાસેથી 1.5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા.

ઉધાર આપવાવાળા તેના ઘરે આવતા હતા અને પૈસાની માંગણી કરવા ધમકી આપતા હતા. આનાથી કંટાળીને રંજીતાએ આત્મહત્યા કરી લીધી. રંજિતાએ એક સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેણે લોન આપવાવાળાની ધમકીઓ વિશે વિગતવાર જણાવ્યું છે. પોલીસે આ નોટ અંગેની માહિતી સાર્વજનિક કરી નથી. રંજીતાના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રીના લગ્ન 2020માં દર્શન બાબુ સાથે થયા હતા.

દર્શન હોસાદુર્ગામાં લઘુ સિંચાઈ વિભાગમાં એન્જિનિયર છે. રંજિતાને પતિના IPLમાં સટ્ટાબાજીની લતની 2021માં ખબર પડી હતી. દર્શને 2021થી2023 દરમિયાન IPL પર સટ્ટો લગાવ્યો હતો. તેના પર 1.5 કરોડનું દેવું છે. સટ્ટાબાજીમાં 1.5 કરોડ રૂપિયા હારી ગયા બાદ પરિવારની આર્થિક સ્થિતિ કથળી હતી. જો કે દર્શને કોઈક રીતે 1 કરોડ રૂપિયા ચૂકવ્યા પરંતુ તેમ છતાં તેને 84 લાખ રૂપિયા ચૂકવવાના હતા.

રંજીતાના પિતાએ જણાવ્યું કે રંજીતા અને દર્શનને 84 લાખ રૂપિયા ચૂકવવા માટે ધમકીભર્યા ફોન આવતા હતા. ઘણી વખત પૈસા માંગનારા લોકો તેના ઘરે આવતા. આનાથી પરેશાન થઈને રંજિતાએ આત્મહત્યાનું પગલું ભર્યું. રંજિતાના પિતાએ એમ પણ કહ્યું કે સટ્ટાબાજીમાં દર્શનની સંડોવણી પાછળ એ જ લોકો હતા, જેમણે તેને કરોડો રૂપિયા ઉછીના આપ્યા હતા. તેઓએ દર્શનને કહ્યું કે અમીર બનવાનો આ એક સરળ રસ્તો છે. તેણે સુરક્ષા માટે દર્શન પાસેથી કોરા ચેક પણ લીધા હતા.

Shah Jina