કર્ણાટકના કારવાર શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં એક બિઝનેસમેનની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. 22 સપ્ટેમ્બર, 2024ના રોજ સવારે લગભગ 6 વાગ્યે પોલીસને આ ઘટનાની જાણ થઈ. વિનાયક નાઈક નામના આ બિઝનેસમેન પર તલવાર અને ચાકૂ જેવા ધારદાર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. તેમની પત્ની વૈશાલીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
વિનાયક, જે મહારાષ્ટ્રના પુણેમાં વીજળીના ઉપકરણોનો વ્યવસાય કરતા હતા, પરિવારના કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કર્ણાટકમાં પોતાના વતનમાં આવ્યા હતા. તેઓ 3 સપ્ટેમ્બરે કારવાર આવ્યા હતા અને 22 સપ્ટેમ્બરના રોજ પુણે પરત ફરવાના હતા. પ્રથમ દૃષ્ટિએ, પોલીસને લાગ્યું કે આ હત્યા પાછળ કોઈ વ્યાવસાયિક દુશ્મની અથવા અંડરવર્લ્ડનો હાથ હોઈ શકે છે.
પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી, તેમ તેમ એક અલગ જ વાર્તા સામે આવી. આ કેસ લગ્નેતર સંબંધો અને તેનાથી ઉદ્ભવેલી દુશ્મનીનો હતો. વિનાયકની હત્યા માટે સંપૂર્ણ આયોજન સાથે એક જૂની કાર ખરીદવામાં આવી હતી, સોપારી આપીને કોન્ટ્રાક્ટ કિલર બોલાવવામાં આવ્યા હતા અને હત્યા માટે એક ચોક્કસ તારીખ પસંદ કરવામાં આવી હતી.
આ હત્યાની પાછળ ગુરુપ્રસાદ રાણેનો હાથ હતો, જે ગોવામાં દારૂનો વ્યવસાય કરતો હતો અને વિનાયક નાઈકનો દૂરનો સગો હતો. બંને એક જ મોહલ્લામાં સાથે મોટા થયા હતા અને એક સમયે તેમની વચ્ચે સારા સંબંધો હતા. પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, રાણેના નાઈકની પત્ની સાથે અને નાઈકના રાણેની પત્ની સાથે અનૈતિક સંબંધો બંધાયા.
જ્યારે બંને પરિવારોને આ લગ્નેતર સંબંધોની જાણ થઈ, ત્યારે તેમની વચ્ચે દુશ્મની શરૂ થઈ. લગભગ છ મહિના પહેલા, બંને પરિવારો વચ્ચે થયેલા એક મોટા ઝઘડા પછી, રાણેએ નાઈકની હત્યા કરાવવાનો નિર્ણય લીધો. તેણે આ કામ માટે એક જૂની સ્વિફ્ટ કાર ખરીદી અને કેટલાક કોન્ટ્રાક્ટ કિલરને કામે લગાડ્યા.
19 સપ્ટેમ્બરના રોજ રાણેની પત્ની ગામ પહોંચી અને નાઈકના પરિવાર સાથે ઝઘડો કર્યો. નાઈકે તરત જ રાણેને ફોન કરીને ગાળો આપી અને તેની પત્નીને પાછી બોલાવવાનું કહ્યું. આ ઘટનાએ રાણેને ગુસ્સે કર્યો અને તેણે પોતાના કોન્ટ્રાક્ટ કિલરોને નાઈકનું કામ તમામ કરી નાખવાનો આદેશ આપ્યો.
ત્રણ દિવસ પછી, 22 સપ્ટેમ્બરના રોજ સવારે, કોન્ટ્રાક્ટ કિલર્સ નાઈકના ઘરે પહોંચ્યા અને પતિ-પત્ની પર હુમલો કર્યો. હુમલામાં નાઈકનું મૃત્યુ થયું અને તેમની પત્ની વૈશાલી ગંભીર રીતે ઘાયલ થઈ.પોલીસે આ કેસની તપાસ દરમિયાન હત્યારાઓએ વાપરેલી કારને ટ્રેક કરવાનું શરૂ કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે આ કાર પ્રવીણ સુધીર નામની વ્યક્તિએ ખરીદી હતી, જેણે તે અશોક રાણેને વેચી, અને તેણે આ કાર ગુરુપ્રસાદ રાણેને વેચી. આ માહિતીના આધારે, પોલીસે ત્રણ હત્યારાઓની ધરપકડ કરી. આ સમાચાર ફેલાતાં જ, ગુરુપ્રસાદ રાણેએ ગોવામાં આત્મહત્યા કરી લીધી.