ખબર

સુરત : માતાએ પોતાના એક વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ કર્યો આપઘાત, કારણ છે ચોંકાવનારુ

સુરતના કાપોદ્રામાં માતાએ પોતાના 1 વર્ષના દીકરા સાથે પીધુ ઝેર, કારણ છે ચોંકાવનારુ

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના અને હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધમાં જીવન ટૂંકાવી લેતુ હોય છે, તો ઘણીવાર કોઇ માનસિક ત્રાસ કે શારીરિક હેરાનગતિને કારણે આત્મઘાતી પગલુ ભરતુ હોય છે, ત્યારે હાલ સુરતમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કાપોદ્રામાં એક માતાએ પોતાના એક વર્ષના દીકરાને ઝેર પીવડાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. સુરતના કાપોદ્રામાં રહેતી એક પરિણીતાએ તેના બાળકને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે.

બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન પહેલા મહિલા અને પછી બાળકનું મોત થયું હતું. આ ઘટના બાદ તો પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પરિવારના લોકોનું એવું કહેવું છે કે ગરમીના દિવસોમાં મગજ બરાબર કામ ન કરતા મહિલાએ આવું પગલું ભર્યું હોઈ શકે છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર નાના વરાછા શિવધારા ખાતે રહેતા જીગ્નેશભાઈ હીરાના કારખાનામાં કામ કરે છે.

તેઓ બુધવારના રોજ કારખાને ગયા હતા ત્યારે તેમની પત્ની ચેતનાબેન એક વર્ષના દીકરા અંશને લઈને ઘરેથી નીકળ્યા હતા. ઘરથી નીકળતી વખતે ચેતનાબેને એવું કહ્યુ હતુ કે, અંશ ઘરમાં રહેતો નથી અને તેને લઈ કચરો નાંખવા તે જાય છે. પાડોશી મહિલાને આવું કહ્યા બાદ ચેતનાબેન ઘરે પરત ન ફર્યા અને આ દરમિયાન બપોરે ચેતનાબેન અને અંશ ઝેર પીધેલી હાલતમાં ઝડફીયા સર્કલ પાસેથી મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ સ્થાનિકો એકઠા થયા અને તે બંનેને 108 મારફતે હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પહેલા મહિલાનું મોત નિપજ્યુ અને બાદમાં વહેલી સવારે બાળક અંશનું પણ મોત નિપજ્યુ હતુ. ઘટના બાદ મહિલાની ઓળખ માટે પોલિસે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી અને પોલિસ સ્ટેશનોમાં વાયરલેસ પર મેસેજ પાસ કર્યો હતો. ત્યારે સરથાણા પોલિસ સ્ટેશનમાં મહિલા અને બાળકના ગુમ થવાની જાણ કરવા પરિવારના સભ્યો પહોંચ્યા ત્યારે પોલિસે તેમને સ્મીમેર હોસ્પિટલ જવાનું કહ્યુ હતુ.

ચેતનાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા અને તે મૂળ અમરેલીના સાવરકુંડલાના હતા. ચેતનાબેનના પતિ અને મામા અનુસાર, મૃતક થોડા તામસી સ્વભાવના હતા. 3 વર્ષ પહેલા પણ તેમણે માનસિક સંતુલન ગુમાવ્યુ હતુ. ત્યારબાદ તેમને કોઇ પારિવારિક સમસ્યા ન હતી.