લેખકની કલમે

“કન્યાદાન…” – ગરીબીના કારણે માં બાપે ઝેર ઘોળ્યું, ને અનાથ બનેલ આ દીકરીને અજાણ્યા સાધુએ આપ્યું કન્યાદાન.., સાચી માનવતા તો આ જ કહેવાય !!

“કન્યાદાન…”

“માનવતા કહેવાય એ, બને નિરાધારનો આધાર.
અંગત બની જે સાચવી લે, દુનિયામાં વ્યવહાર…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

એ ક્યા ગામના હતા એ પણ ગામ લોકો જાણતા ન હતા. બસ લોકો ખાલી વાતો કરતા હતા કે આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં આ બાપુ આપણાં ગામમાં આવેલા. આવ્યા ત્યારથી બસ આપણા ગામનાજ બની ને રહી ગયા.
ગામના ઘરડા બુઢા લોકો કહેતા કે…
“આ બાપુ જ્યારે પહેલી વાર ગામમાં આવ્યા ત્યારે ખૂબ ચિંતિત દેખાતા હતા. એમની ઉંમર પણ ત્યારે પાંત્રીસેક વર્ષની હશે. આવ્યા ત્યારથી લગભગ ત્રણ ચાર મહિના સુધી તો એમને કોઈ લપન છપ્પન નહોતી. ના કોઈ જોડે બોલવું કે ના કોઈ જોડે કોઈ પણ જાતનો વ્યવહાર. બસ ગામની છેવાડે નદી કાંઠે આવેલ નિર્જન ભૂમિ પર એક છાપરું વાળીને એમને રહેવાની શરૂઆત કરેલી. એમને પહેરેલા ભગવા વસ્ત્રોને કારણે ગામના ધાર્મિક વૃતિવાળા લોકો એમને ભિક્ષા આપી આવતા. એ ભિક્ષા આરોગી આ બાપુ બસ નદી સામે ટગર ટગર જોયા કરતા. રોજ સવારે વહેલા જાગી જાય નદીમાં સ્નાન કરે અને લોટી માં નદીનું જળ લઈ ગામના શિવમંદિરે અંધારામાં આવી એ જળ ચડાવી જાય. પછી આખો દિવસ ગામમાં ક્યાંય દેખા ન દે. જે લોકો એમને ભિક્ષા આપવા જતા કે ગામના વટેમાર્ગુ એમની ઝૂંપડીએ પોરો ખાવા કે પાણી પીવા રોકાય એ ઘણી વખત બાપુની પૃચ્છા કરતા. એમના વિશે પૂછતાં પણ બાપુ જવાબમાં મોં પર એક આછેરું સ્મિત લાવી આકાશ સામે જોઈ માત્ર એટલું જ કહેતા કે …’હરિ ઈચ્છા…’ બાપુના આવા જવાબથી લોકો એમને આગળ કાઈ પૂછતાં નહિ.
આમતો ગામમાં કોઈ અજાણ્યો માણસ રહેવા આવી જાય તો લોકો એની તરફ શક ની નજરે જ જોવે અને લોકો એનાથી ડરે પણ ખરા પણ આ બાપુનું જીવન જ એવું સાદાઈ ભર્યું અને નિર્લેપ લાગેલું કે જાણે આખા ગામે એમને ગામ લોક તરીકે જ સ્વીકારી લીધા…”

સમય જતાં એ બાપુનું એ ગામમાં જીવન સામાન્ય થતું ગયું. પહેલા કરતા હવે વધારે લોકો એમના સ્થાનકે જવા લાગ્યા. હવે તો ગામના ધાર્મિક વૃત્તિના માણસો સત્સંગ કરવા પણ એમના સ્થાનકે જતા. ઘણી વાર રાત્રે પણ એમના આશ્રમે ભજન અને સત્સંગ ની જમાવટ થતી. જાણે બાપુ હવે પુરી રીતે ગામના રીત રિવાજ તેમજ સારા નરસા પ્રસંગે સરીખ થવા લાગ્યા હતા. વર્ષોથી ગામમાં વસવાટ ના કારણે અને લોકોમાં હળીમળી જવાથી હવે એ બાપુ ગામનાજ એક સભ્ય બની ગયા હતા. ગામના નાના મોટા અને દરેક સમાજના લોકો એમને માનતા. એમની કહેલી વાતો માનતા. અને એ બાપુ પણ લોકોને સાચી અને સારી સલાહ આપતા સૌને માર્ગદર્શન આપતા.
સમય જતાં બાપુ એ પણ હવે ગામમાં જઈ ભિક્ષા માંગવાનું શરૂ કરી દીધું. ભિક્ષાના રૂપમાં કોઈ કાચું સીધું આપતા તો વળી કોઈ તૈયાર રસોઈ આપતા. કોઈ પૈસાદાર હોય એ વળી બાપુની ઝોળીમાં પૈસા પણ નાખતા. બાપુ કોઈ વસ્તુથી પરહેજ ન કરતા. લોકો જે કાંઈ આપે એ બધાનો હસતા મુખે સ્વીકાર કરતા. સમય બદલાતો જતો હતો. ગામમાં હવે આધુનિક વિચાર સરણી ધરાવતા નવજુવાનીયા પણ વધ્યા હતા. હવે એ ગામમાં પહેલા જેવી સ્થિતિ રહી ન હતી. જે બાપુ પર આખું ગામ વિશ્વાસ કરતું એની જગ્યાએ હવે કેટલાક લોકો એ બાપુ પર ટીકા ટિપ્પણી પણ કરવા લાગ્યા હતા.
કેટલાક જુવાનિયા કહેતા કે…
“ગામના આ ડોસાઓએજ આ બાપુ ને માથે ચડાવ્યા છે. બાપુનેતો જલસા જ જલસા છે. ન કોઈ કામ ધંધાની ચિંતા. બસ સવાર પડે એટલે ગામમાં નીકળી પડવાનું એટલે ખાવાનો બંદોબસ્ત થઈ જાય. અને પાછા લોકો પૈસા આપે એતો નફો જ નફો…”
તો વળી એમની વાતોમાં ટાપસી પૂરતા બીજા કેટલાક કહેતા કે…
“મને તો લાગે છે કે અત્યાર સુધી ભિક્ષાના રૂપમાં આવેલા રૂપિયા લઈ આ બાપુ એક દાડો ગામમાંથી રફુ ચક્કર થઈ જવાના. અને બધા હાથ ઘસતા રહી જવાના…”

આમ હવે એ બાપુ વિસે બે પ્રકારની વિચાર સરણી એ ગામમાં વહેતી થઈ ચૂકી હતી. છતાં લોકોની ટીકા તરફ ધ્યાન આપ્યા વિના એ બાપુ પોતાના રોજના ક્રમ મુજબ રોજનું કામ કર્યે જતા.
એક દિવસ સંધ્યા સમયે ગામના મહાદેવના મંદિરેથી સાંજની આરતી લઈ બાપુ પોતાના આશ્રમ તરફ જઈ રહ્યા હતા. ત્યાં એક ગરીબ ખેડૂતના ઘરમાં થતો ગણગણાટ સાંભળી બાપુના પગ થંભી ગયા. ખેડૂત એની પત્નીને કહી રહ્યો હતો કે…

“ગયા વરહ ની જેમ આ વરહે પણ ખેતરના મોલ પાણી માં કાંઈ સારપ નથી. પરાર ની આવક માંથી ગયું વરહ તો તાણી તોસી ને ખેંચી કાઢ્યું. પણ હવે આ વરહ કાઢવું ખૂબ કાઠું છે. મહેનત મજૂરી અને બીજાની દાડીઓ કરી પેટ પૂરતું ખાવાનું તો કરી લાઈસુ પણ છ મહિના પછી આપણી આ જવાન દીકરીના લગન કઈ રીતે પાર પાડવા એ ચિંતા મને સુવા પણ નથી દેતી. હવે આ જવાન સોડી ને ઘરમાં પણ ક્યાં સુધી બેહાડી રાખવી…”
આટલું કહેતા કહેતા એ મજબુર બાપનું ગળું ભરાઈ આવ્યું અને એના રુદનના ડુસકા બાપુએ સ્પષ્ટ સાંભળ્યા.

જવાબમાં એ ખેડૂતની ઘરવાળી માત્ર એટલું જ બોલી કે…
“તમે આમ ભાગી ન પડો. તમે તો અમારા સૌનો આશરો છો. જો તમે જ આમ ભાગી જશો તો પછી અમારે કોના આધારે જીવવું. અને ભગવાન પર ભરોસો રાખો એ દીનો નાથ સૌ સારા વાના કરશે…”
એ બાઈ પતિને ભલે સાંત્વના આપતી હોય પણ અંદર ખાને એને પણ ખબર જ હતી કે એના પતિની વાત ખોટી તો નથી જ…

એ ગરીબના ઘરનો આટલો વાર્તાલાપ સાંભળી બાપુ ત્યાંથી પોતાના આશ્રમ તરફ ચાલતા થયા. આજે જાણે એ બાપુનું સમગ્ર માનસ પણ ચિંતા ગ્રસ્ત હતું. ભિક્ષામાં મળેલું ખાવાનું બાપુની ઝોળીમાં હતું પણ એમને આજે ભૂખ ન હતી. આજે એ ખેડૂતના ઘરે જોયેલું અને સાંભળેલું એ દ્રષ્યનું જાણે પુનરાવર્તન થયું હોય એમ બાપુને પોતાના બાળપણ નું એ દ્રશ્ય આંખો સમક્ષ ખડું થઈ ગયું. પથારીમાં સુતા સુતા જાગતી આંખે જાણે બાપુની આંખો સામે એમનું એ બાળપણ જાગૃત થઈ ઉઠ્યું.
બાપુને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો કે જ્યારે ગામના એ ખેડૂતના ઘરની સ્થિતિ જેવીજ દશા એમના પોતાના ઘરની હતી. આવીજ દારુણ ગરીબીના ખપ્પરમાં હોમાયેલો એમનો પરિવાર મજબૂરી અને ગરીબીના ભેટ ચડી ગયું હતું. આમજ આર્થિક ભીંસ ના કારણે એમના પિતા અને માતા એ ભરયુવાનીમાં પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું હતું. પોતાના ભૂતકાળમાં સરી પડેલા બાપુની તંદ્રા ત્યારે તૂટી જ્યારે બાપુએ ગામમાં લોકોનો કોલાહલ સાંભળ્યો.

ગામમાં જતા જાણવા મળ્યું કે ગામના એ ખેડૂત અને એની પત્નીએ આર્થિક ભીંસ અને સામે સમાજનો વ્યવહાર સાચવી ન શકવાની બીક ના કારણે ઝેર ઘોળ્યું અને ઝેર પી જુવાન જોધ દીકરીને અનાથ કરી જીવન ટૂંકાવી લીધું. ભીડમાં એ જુવાન દીકરીની હૃદય કંપાવનારી રુદનની ચિશો જાણે આભમાં વીજળીની માફક લબકાર લઈ રહી હતી. ત્યાં ઊભેલું એક પણ ગામ વાસી એવું ન હતું કે એ દીકરીની દશા જોઈ આંખોમાં આંસુ ન હોય !!! જાણે સર્વત્ર હાહાકાર વ્યાપી ગયો હતો. બસ બધાના મનમાં એકજ સવાલ હતો કે હવે આ દીકરી નું શુ થશે. એ કોના સહારે પોતાનું જીવન વિતાવશે. એને સાચવનારા એના માવતર તો સ્વર્ગે સિધાવી ગયા. અરરરર… બચારી આ સોડી નું હવે કોણ ???
બરાબર એજ સમયે ભીડમાં ઉભેલા એ બાપુ આગળ આવ્યા અને અનાથ બનેલી એ દીકરીના માથે હાથ મૂકી એને પોતાની કાખ માં લઇ બોલ્યા…
“બેટા, હું સમજી શકું છું કે અત્યારે તારી પર શુ વિતતિ હશે. અત્યારે તારી એ દશા છે કે અમારા સૌના આશ્વાસન ના હજારો શબ્દો પણ તને સાંત્વના ન આપી શકે. પણ બેટા ભગવાને જે ધારી હોય એ તો થઈનેજ રહે છે. એને આપણા ભાગ્યમાં જે લખ્યું હોય એતો દીકરી આપણે ભોગવ્યેજ છૂટકો…”

અને એ દુખિયારી દિકરીના એક જ સવાલે આખા ટોળામાં સન્નાટો પ્રસરાવી દીધો. એ દીકરીએ બાપુને સવાલ કર્યો કે…

“બાપુ, પણ આ દુઃખ જોવા ભગવાને મને જ શા માટે જીવતી રાખી. મારા માવતરે મૂળ તો મારી ચિંતા માજ મોતને વ્હાલું કર્યું. બાપુ મેં તો કોઈ દિવસ કોઈનું કાંઈ ખોટું કર્યું નથી…”

અને ફરી એ દીકરી ચોધાર આંસુએ પોક મૂકી રડી પડી…

બાપુએ ફરી દીકરીના માથે હાથ મૂકી આશ્વાસન આપતા આખા ગામની સાક્ષીએ એને કહ્યું…
“બેટા, આજથી તું મારી દીકરી અને હું તારો બાપ. એક બાપ બની હું તારું કન્યાદાન કરીશ… તું ચિંતા ન કર અને પોતાને અનાથ પણ ન સમજ…”
બાપુનું આ વચન સાંભળી સૌ ગામલોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. લોકોને મનમાં થતું હતું કે ધન્ય છે આ અજાણ્યા વ્યક્તિને જે આ ગામનો નથી છતાં ગામની દીકરીને પોતાની ગણી એનું કન્યાદાન કરવાનો હુંકાર ભરે છે… ધન્ય છે આ સંત ને…
અને પોતાના વચન પ્રમાણે એ દુઃખદ ઘટનાના છ મહિના બાદ એ ગામમાં અજાણ્યા બની અને પછી ગામનાજ બની ગયેલ એ સાધુએ ભિક્ષામાં આવેલ તમામ રૂપિયાથી અને થોડા ઘણા ગામલોકોની મદદથી એ અનાથ બનેલ દીકરીનું કન્યાદાન એક બાપ બની કર્યું. આકાશમાંથી અમીછાંટણા થયા જાણે દૂર મંદિરમાં બેઠેલો ભગવાન પણ હર્ષિત હતો અને વરુણદેવના રૂપે એ સાધુના આ ઉચ્ચ કર્મયોગમાં પોતાની હાજરી પુરાવવા આવ્યો હતો…

● POINT :-
ગરીબીના ખપ્પરમાં ન જાણે કેટલીય દીકરીઓના માવતર આમ મોત વ્હાલું કરતા હશે એ અપાર દુઃખની વાત છે.
સાચી સાઘુતા અને સાચી માનવતા તો એજ કહેવાય કે જે નિરાધારનો આધાર બની એને અભયદાન બક્ષે…

લેખક – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks