અચાનક રોડ ઉપર દેખાયું કાંગારું, લોકો પણ જોઈને વિચારમાં મુકાઈ ગયા કે ઓસ્ટ્રેલિયાથી હજારો કિલોમીટર દૂર કેમ કરી ભારત આવ્યું ? જુઓ વીડિયો

ગુજરાતના ગીર વિસ્તારની અંદર ઘણીવાર આપણે વાહન લઈને પસાર થતા હોય છે ત્યારે સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ જોવા મળી જતા હોય છે, ભારતમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં વન્ય પ્રાણીઓ ખુલ્લેઆમ ફરે છે અને તે ત્યાંથી પસાર થતા કોઈ વ્યક્તિના કેમેરામાં પણ  કેદ થઇ જતા હોય છે. જેના વીડિયો વાયરલ થતા જ લોકોમાં પણ કુતુહલ જન્મે છે.

આપણે ઘણા પ્રાણીઓને રસ્તા ઉપર વિહરતા જોયા હશે, પરંતુ હાલ દેશમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે સૌને હેરાનીમાં મૂકી દીધા છે. કારણ કે વીડિયોમાં જે પ્રાણી જોવા મળ્યું હતું તે ભારતનું પ્રાણી નહિ પરંતુ હજારો કિલોમીટર દૂર આવેલા ઓસ્ટ્રેલિયાનું પ્રાણી છે. રસ્તા ઉપર લોકોએ કાંગારુંને જોયું અને લોકોના હોશ ઉડી ગયા.

કેટલાક લોકોએ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાની શેરીઓમાં કાંગારુને ફરતા જોયા. ટ્વિટર પર આનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. કાંગારૂઓ ઓસ્ટ્રેલિયા, તાસ્માનિયા અને ન્યુ ગિની સિવાય વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી, તેથી ઘણા લોકો તેમને ભારતના રસ્તાઓ પર જોઈને દંગ રહી ગયા હતા. ઘણા લોકો ચિંતિત હતા કે કેવી રીતે આ પ્રાણીઓ તેમના કુદરતી નિવાસસ્થાનથી હજારો માઇલ દૂર સ્થળાંતર કરે છે.

ન્યૂઝ એજન્સી ANIએ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની શેરીઓમાં ફરતા કાંગારૂઓની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરો અને વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા કે તેઓ ભારતમાં ક્યાંથી આવ્યા છે. ઘણા લોકોએ અનુમાન કર્યું કે આ પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગી ગયા હોઈ શકે છે, જ્યારે અન્ય લોકોએ દાવો કર્યો હતો કે તેમની દાણચોરી કરવામાં આવી હશે.

આ દરમિયાન IFS અધિકારી પ્રવીણ કાસવાને ટ્વિટર પર દાવો કર્યો હતો કે પ્રાણીઓની દાણચોરી થઈ રહી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, “તેઓ (કાંગારૂ) આ વિસ્તારના કોઈપણ પ્રાણી સંગ્રહાલયમાં હાજર નથી. તેઓ દાણચોરીનો ભાગ છે. જોકે બાદમાં તેઓને જપ્ત કરવામાં આવ્યા હતા. પ્રાણીઓની સુરક્ષા માટે તેમને પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. ગયા મહિને પણ કાંગારૂ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગના અધિકારીઓએ જલપાઈગુડી અને સિલીગુડીમાંથી ત્રણ કાંગારૂઓને બચાવ્યા હતા. અધિકારીઓને સિલીગુડી નજીક એક કાંગારૂ બાળકનો મૃતદેહ પણ મળ્યો હતો. બૈકુંથપુર ફોરેસ્ટ ડિવિઝન હેઠળના બેલાકોબા ફોરેસ્ટ રેન્જના રેન્જર સંજય દત્તાએ જણાવ્યું હતું કે, “કાંગારૂઓને તેમના શરીર પર કેટલીક ગંભીર ઈજાઓ હતી અને તેમને વધુ સારવાર માટે બંગાળ સફારી પાર્કમાં મોકલવામાં આવ્યા છે. આ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે.

Niraj Patel