પદ્મશ્રી અવોર્ડથી સમ્માનિત હવે બાપુ પર પ્રહારો…મહાત્મા ગાંધી, નેતાજી અને ભગત સિંહ વિશે એવું કહ્યું કે જાણીને ધ્રાસ્કો પડશે

પોતાના બેબાક નિવેદનોથી અવારનવાર ચર્ચામાં રહેનારી અભિનેત્રી કંગના રનૌત હાલ ફરી એકવાર તેના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવી ગઇ છે. તેણે હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ્સ શેર કરી છે. તેના હેડલાઈનમાં લખવામાં આવ્યું છે કે કાં તો તમે ગાંધીના પ્રશંસક બની શકો કે નેતાજીના સમર્થક… તમે બંનેના સમર્થક ન બની શકો. તે જાતે નક્કી કરો. તેણે આગળ લખ્યું, “બીજો ગાલ આપવાથી ભીખ મળે છે, આઝાદી નહીં.”

એક પોસ્ટમાં કંગનાએ લખ્યું હતું કે, જેઓ આઝાદી માટે લડ્યા હતા તેઓને સત્તાના ભૂખ્યા અને ચાલાક લોકોએ તેમના માલિકોને સોંપી દીધા હતા.આ એ જ લોકો હતા જેમનામાં શોષણ કરનારાઓ સામે લડવાની હિંમત નહોતી. આ એ જ લોકો છે જેમણે આપણને શીખવ્યું કે જો તમને કોઈ થપ્પડ મારે તો બીજો ગાલ આપો એટલે તમને આઝાદી મળશે. કંગનાએ લખ્યું, આ રીતે માત્ર ભીખ માંગવી જ મળે છે. તેથી તમારા હીરોને સમજદારીપૂર્વક પસંદ કરો.

કંગનાએ બીજી પોસ્ટમાં લખ્યું છે કે, ગાંધીજીએ ક્યારેય ભગત સિંહ અને નેતાજીનું સમર્થન કર્યું નથી. એવા ઘણા પુરાવા છે જે દર્શાવે છે કે ગાંધીજી ભગતસિંહને ફાંસી અપાવા માંગતા હતા. તેથી તમારે પસંદ કરવું પડશે કે તમે કોને ટેકો આપો છો. કારણ કે એ બધાને તમારી સ્મૃતિના એક જ ડબ્બામાં રાખવા અને તેમની જન્મજયંતિ પર યાદ કરવા પૂરતું નથી, સાચું કહું તો એ મૂર્ખતા નથી પણ બેજવાબદારીભરી અને ઉપરછલ્લી વાત છે. લોકોને તેમનો ઈતિહાસ અને તેમના હીરોની ખબર હોવી જોઈએ.

તાજેતરમાં જ અભિનેત્રી કંગના રનૌતે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે ભારતને 2014માં ‘આઝાદી’ મળી હતી, જ્યારે નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી હતી, જ્યારે દેશને 1947માં મળેલી આઝાદી ભીખમાં મળી હતી. તેના આ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે. ટીકા બાદ કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મેં સ્પષ્ટપણે કહ્યું છે કે 1857ની ક્રાંતિ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતી, જેને દબાવી દેવામાં આવી અને પરિણામે અંગ્રેજોના અત્યાચાર અને ક્રૂરતા વધી અને લગભગ એક સદી પછી આપણને ગાંધીજી મળ્યા. ભીખના વાડકામાં આઝાદી આપવામાં આવી હતી. કંગનાના આ વિવાદિત નિવેદનનો દેશભરમાં ઘણો વિરોધ થયો હતો. દેશભરમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હતી. અનેક લોકોએ કંગનાને આપેલો પદ્મશ્રી અવોર્ડ પરત લેવાની માગણી કરી હતી.

Shah Jina