તૃષા હત્યા કેસમાં ઝડપાયેલો કલ્પેશ બધાની સામે નજર મિલાવીને જોતો રહ્યો, કોર્ટે લીધો મોટો નિર્ણય

ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી યુવતિઓની હત્યાના ઘણા ચકચારી કિસ્સાઓ બની રહ્યા છે. જેમાં ફેબ્રુઆરી માસમાં થયેલ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના પડઘા હજુ તો શમ્યા નથી ત્યાં વધુ એક બનાવ વડોદરામાંથી સામે આવ્યો હતો. 22 માર્ચના રોજ રાત્રે કલ્પેશ ઠાકોર નામના યુવકે તૃષા સોલંકીની ક્રૂરતા પૂર્વક હત્યા કરી હતી. તેણે લાશનો એક હાથ પણ કાપી નાખ્યો હતો. તેણે તૃષાને પાળિયાના 10 જેટલા ઘા ઝીંક્યા હતા અને તે લોહીવાળુ પાળિયુ તેની ઓઢણીથી જ સાફ કર્યુ હતુ. હત્યા કર્યા બાદ તેણે તૃષાનો ફોન બંધ કરી દીધો હતો અને તેનું એક્ટિવા પણ એક કિલોમીટર દૂર છોડી દીધુ હતુ. ત્યારે આરોપીને ગઇકાલના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર કોર્ટમાં કલ્પેશના ચહેરા પર સહેજ પણ પસ્તાવો જોવા મળ્યો ન હતો અને તેને કોઇ વાતનું દુખ પણ હોય તેવું લાગતુ ન હતુ. જજ દ્વારા આરોપી કલ્પેશ ઠાકોરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જો કે, રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીના ચહેરાના હાવભાવ બદલાઇ ગયા હતા અને તે બંને હાથ ભેગા કરી મુઠ્ઠીવાળી બેસી રહ્યો હતો. આરોપીને ગુરુવારના રોજ વડોદરા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તેને સાંજે 4.20 વાગ્યે કોર્ટમાં જજ સમક્ષ હાજર કરવામાં આવ્યો તે બાદ તેને જજ દ્વારા પુછવામાં આવ્યું કે શું તને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે ?

તો આના જવાબમાં તેણે ના કહ્યું હતું. કોર્ટ કાર્યવાહી લગભગ ત્રીસેક મિનિટ સુધી ચાલી હતી અને વીસ મિનિટ સુધી તો કલ્પેશ કોઇપણ ડર વિના બેસી રહ્યો હતો અને જે કોઇ તેની સામે જુએ તેની સામે આંખમાં આંખ મિલાવીને સામે જોઇ રહ્યો હતો. આમ તો કલ્પેશ સુનાવણી સમયે એકદમ મક્કમ જોવા મળ્યો પરંતુ જેવા જ જજ દ્વારા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા કે તરત જ તેના હાવભાવ બદલાઇ ગયા. લગભગ દસેક મિનિટ સુધી તો તે કોર્ટમાં બંને હાથ ભીંસીને બેસી રહ્યો અને ચહેરાના હાવભાવ પણ છેલ્લે છેલ્લે બદલાઇ ગયા તેમજ કોર્ટમાં હાજર પોલીસકર્મીઓ તરફ વારંવાર નજર કરી તેમને જોઇ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પોલીસ કોર્ટ પાસે આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજ રોજ પોલીસ આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરશે. આજે પોલીસ આરોપીને સાથે રાખી બનાવનું રીકન્સ્ટ્રકશન કરશે. આ હત્યા કેસમાં મહત્વની વાત તો એ છે કે આરોપી કલ્પેશ ઉપરાંત અન્ય યુવકની પણ સંડોવણી હોવાની આશંકા છે. જેના પગલે પોલીસે આરોપીના મિત્ર દક્ષેશ, એક યુવતી સહિત 5 શખ્સોને બોલાવી પૂછપરછ પણ શરૂ કરી છે ત્યારે આગામી સમયમાં હત્યા કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા પોલીસ તપાસમાં સામે આવી શકે છે.

Shah Jina