કલ્પના ચાવલા! કોણ નથી જાણતું આજે આ નામ! અગણિત ભારતીય યુવતીઓ માટે એક આદર્શ કલ્પના ચાવલા! 1 ફેબ્રુઆરી 2003ના રોજ ટેક્સાસમાં સ્પેસ શટલ કોલંબિયા એસટીએસ 107 પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરતાની સાથે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું અને એમાં સાત અંતરિક્ષ યાત્રીઓ મૃત્યુ પામ્યા જેમાંથી એક હતી કલ્પના ચાવલા.

કલ્પના ચાવલા હરિયાણાના કરનાલના એક સામાન્ય પરિવારની દીકરી હતી. કલ્પનાના મોટા મોટા સપનાઓ અને તેમના અતુલનીય સાહસે તેમને અંતરિક્ષ સુધી પહોંચાડયા હતા. ખરેખરમાં કલ્પનાના માતાપિતા પશ્ચિમ પંજાબના મુલતાન જિલ્લાના (હાલનું પાકિસ્તાન)થી હતા, પણ ભાગલા સમયે તેઓ ભારતમાં આવીને હરિયાણાના કરનાલમાં વાસી ગયા. તેમના પિતા બનારસીલાલ ચાવલાએ પોતાનું ઘર ચલાવવા માટે નાની-મોટી નોકરીઓ કરી અને પછી તેમને ટાયર બનાવવાનું કામ શરુ કર્યું અને તેમની પત્ની સંયોગિતા ઘર સંભાળતી હતી.

ચારેય ભાઈ-બહેનોમાં સૌથી નાની અને બધાને જ વ્હાલી કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ થયો હતો અને તે આવા જ માહોલમાં મોટા થયા, જ્યાં મહેનતને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતી. તેની માતાએ પણ તેને બાળપણથી જ દરેક વસ્તુઓ માટે પ્રોત્સાહન આપ્યું હતું. એ સમયે જયારે છોકરીના ભણતરને વધુ મહત્વ આપવામાં આવતું ન હતું, કલ્પનાની માતા પોતાની દીકરીઓને સમયસર નિયમિત શાળાએ મોકલતા.

બાળપણથી જ આત્મવિશ્વાસી રહેલી કલ્પનાએ પોતાનું નામ જાતે પસંદ કર્યું હતું. એમના જન્મના સમયે તેમનું નામકરણ થયું ન હતું અને બાળપણથી જ તેમને ઘરમાં મોંટો કહીને બોલાવતા. જયારે તેમનું સ્કૂલમાં એડમિશન કરાવતા સમયે સ્કૂલના પ્રિન્સિપલે તેમનું નામ પૂછ્યું અને તેમની આન્ટીએ કહ્યું કે તેમની પાસે ત્રણ વિકલ્પ છે – જ્યોત્સ્ના, કલ્પના અને સુનૈના. ત્યારે નાની કલ્પનાએ ફટાક દઈને કલ્પના નામ પસંદ કર્યું હતું કારણ કે આટલી નાની ઉંમરમાં પણ તેમને કલ્પનાનો અર્થ ખબર હતી. ઉનાળામાં જયારે તેમનો આખો પરિવાર ધાબા પર ઊંઘતો ત્યારે એ મોડી રાત સુધી જાગીને તારાઓ જોતી રહેતી.
કલ્પનાને બાળપણથી જ તારાઓ અને હવાઈજહાજો ખૂબ જ પસંદ હતા. એ સમયે કરનાલમાં ફલાઇંગ ક્લ્બ હતું, જે તેના ઘરથી થોડે જ દૂર હતું. એ ઘણીવાર ધાબે જઈને પ્લેનને ઉડતા જોતી. કોલંબિયા મિશન પહેલા એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું હતું કે એ ઘણીવાર પોતાના ભાઈ સાથે સાયકલ પર એ જોવા જતી કે પ્લેન આખરે ક્યાં જઈ રહયા છે.

કલ્પનાના એક સ્કૂલ ટીચરને હજુ પણ યાદ છે કે કઈ રીતે એકવાર કલ્પનાના એક સવાલ એમને અચંબિત કરી દીધા હતા. કલ્પનાએ ખૂબ જ નાની ઉંમરમાં એ વખતે ટીચરને સવાલ કર્યો હતો કે લોકોના તબક્કાઓ, સંપ્રદાયો અને ધર્મોમાં કેવી રીતે ભાગ પાડી શકાય જયારે આકાશથી તો તેઓ એક જેવા જ દેખાય છે.
કલ્પના ખૂબ જ મહેનતુ હતી અને તેમને અંગ્રેજી, ભૂગોળ, હિન્દી વિષયો પસંદ હતા પણ વિજ્ઞાન સૌથી વધુ ગમતું. નૃત્ય કરવા સિવાય તેમને સાયકલિંગ, દોડવું અને બેડમિન્ટન રમવું પસંદ હતું.

દસમા ધોરણ પછી આગળના અભ્યાસ માટે તેમને ડીએવી કોલેજમાં એડમિશન લીધું. અહીં એક વાર ગણિતના શિક્ષક ક્લાસમાં ખાલી સેટ વિશે ભણાવતા હતા અને તેમને કહ્યું કે ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રીઓનો સમૂહ આનું એક સારું ઉદાહરણ હશે કારણ કે આજસુધી કોઈ પણ ભારતીય મહિલા અંતરિક્ષમાં નથી ગઈ.

જેને સાંભળીને કલ્પનાએ દ્રઢતા સાથે કહ્યું હતું કે કોને ખબર મેડમ, એક દિવસ આ સેટ ખાલી ન રહે! આ સાંભળીને બધા જ ચોંકી ગયા હતા, પણ એ સમયે કોઈ જાણતું ન હતું કે એક દિવસ આ વાતને કહેનારી છોકરી આ ખાલી સેટને ભરવા માટે અંતરિક્ષ જશે.

12મુ ધોરણ સારા માર્ક્સ સાથે પાસ કર્યા પછી કલ્પનાએ એન્જીનીયરીંગ કરવાનો નિર્ણય કર્યો. જો કે શરૂમાં કલ્પનાના પિતા ઇચ્છતા ન હતા કે એ એન્જીનીયરીંગ કરે પણ કલ્પના અડગ રહી અને તેમના નિર્ણયમાં તેમની માએ તેમનો સાથ આપ્યો. આખરે તેના પિતા પણ માની ગયા.
કલ્પનાએ ચંડીગઢમાં પંજાબ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લીધું. તેમને એરોનોટિકલ એન્જીનીયરીંગ પસંદ કર્યું, એ સમયે એરોનોટિકલ એન્જીનીયરીંગ કરવાવાળી એ એકલી છોકરી હતી.

કોલેજમાં તેમને પોતાની જાતને અભ્યાસ માટે સમર્પિત કરી દીધી. એ સમયે તેમના કોલેજમાં છોકરીઓનું હોસ્ટેલ ન હતું, એટલે એ એક ગેરેજની ઉપર નાના રૂમમાં રહેતી અને સાયકલથી કોલેજ જતી. એ ખાલી સમયમાં કરાટે શીખતી અને પુસ્તકો વાંચતી. સંગીતમાં તેમને ક્લાસિક રોક સિવાય સૂફી સંગીત પણ ખૂબ જ પસંદ હતું. તે ઘણીવાર એવિએશન પર લખાયેલી પુસ્તકો અને મેગેઝીન ભેગી કરતી અને વાંચતી. પોતાની કોલેજ મેગેઝીનની એ સ્ટુડન્ટ એડિટર હતી અને એ સિવાય એરો ક્લ્બ અને એસ્ટ્રો સોસાયટીની જોઈન્ટ સેક્રેટરી હતી.

કોલેજના પહેલા જ વર્ષમાં વાર્ષિક કોન્ફરન્સ દરમ્યાન ટાઈમ લેપ્સ ઈન સોસાયટી જેવું પેપર પ્રેઝેન્ટ કરીને શિક્ષકોને ચકિત કરી દીધા હતા. કલ્પનાએ પોતાના બેચમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો અને પોતાના કોલેજથી એરોનોટિકલ એન્જીનીયરીંગ પાસ કરનારી પહેલી છોકરી બની.

આ તો માત્ર એક શરૂઆત હતી. કોલેજની તેમની કામગીરી અને પરિણામે કારણે યુનિવર્સીટી ઓફ ટેક્સાસ (અમેરિકા)માં માસ્ટર્સ ડિગ્રી માટે પસંદગી કરવામાં આવી પણ તેમના પરિવારને આ માટે મનાવવામાં ઘણો સમય લાગ્યો, પણ આખરે કેટલાક મહિનાઓ પછી તેમને ટેક્સાસ જઈને અભ્યાસ શરુ કર્યો.

અભ્યાસ દરમ્યાન જ તેમની મુલાકાત જીન પિએર્રે હૈરિસન સાથે થઇ અને 1983માં લગ્ન કરી લીધા. હૈરિસન ફલાઇંગ ઇન્સ્ટ્રકટર અને એવિએશન લેખક હતા, જેમની પાસેથી કલ્પનાએ પ્લેન ઉડાવતા શીખ્યું. કલ્પનાએ 1988માં કોલોરાડો યુનિવર્સીટી બોલ્ડરથી એરોસ્પેસ એન્જીનીયરીંગમાં પીએચડી કર્યું.

એ જ વર્ષે તેમને નાસા સાથે કામ કરવાનું શરુ કર્યું. વ્યસ્ત હોવા છતાં તેમને ભારતમાં પોતાના સ્કૂલ અને કોલેજ સાથે જોડાયેલી રહી અને તેમના જ પ્રયત્નોના પરિણામે ટાગોર બાળ નિકેતનથી દર વર્ષે બે વિદ્યાર્થીઓને નાસા જવાની તક મળતી હતી.
ડિસેમ્બર 1994માં કલ્પના ચાવલાએ જોન્સન સ્પેસ સેન્ટરની અંતરિક્ષ યાત્રીના 15મા સમૂહમાં એક અંતરિક્ષ યાત્રી ઉમેદવાર તરીકે રિપોર્ટ કર્યું. એ પછી 1996માં સ્પેસ શટલ એસટીએસ – 87 પર મિશન વિશેષજ્ઞ અને પ્રાઈમ રોબોટિક આર્મ ઓપરેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

પોતાના પહેલા મિશનમાં કલ્પનાએ પૃથ્વીને 252 કક્ષાઓમાં 6.5 અબજ મિલની યાત્રા કરી અને અંતરિક્ષમાં 376 કલાક અને 34 મિનિટ પુરી કરી. આ પછી એ અંતરિક્ષમાં જનાર ભારતીય મૂળની પહેલી મહિલા બની ગઈ. પાંચ વર્ષોથી ઓછા સમયમાં નાસાએ તેમને બીજી વાર કોલંબિયા પર ઉડાણ ભરવા માટે મોકલ્યા.

પંજાબ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીને મોકલેલા પોતાના છેલ્લા ઈ-મેલમાં કલ્પનાએ લખ્યું હતું, ‘સપનાથી લઈને સફળતા સુધીનો રસ્તો સામે જ છે, બસ તમારી પાસે એને જોવાનો દ્રષ્ટિકોણ હોય, એની પર ચાલવાની ધગશ હોય અને એની પર ચાલવાની દ્રઢતા હોય.’
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.