Diwali Festival & Celebration જ્યોતિષ શાસ્ત્ર

કાળી ચૌદશ : આજે આ છોડનાં પાંદડાં ગમે ત્યાંથી ગોતી લાવો! વાંચી લો કે પછી આ ક્રિયાથી શું મળે છે

પાંચ દિવસના મહાપર્વ દિવાળીનો મહત્ત્વનો દિવસ એટલે કાળી ચૌદશ. દિવાળીના આગળના દિવસે આવતી કાળી ચૌદશને ‘નાની દિવાળી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે, કે કાળી ચૌદશને રૂપ ચૌદશ અને નરક ચતુર્દશી જેવાં નામોથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે તો કાળી ચૌદશ અને શનિવારનો અત્યંત શુભસંયોગ પણ થઈ રહ્યો છે.

એ વખતે આવો જાણીએ એ બધી જ સરળ અને અત્યંત ફળદાયી ક્રિયાઓ વિશે, વિધિઓ વિશે, જે આજના દિવસે કરવાથી ઈશ્વરની તમારા પરની કૃપા કાયમ માટે બની રહેશે, અનેક પ્રકારના અસાધ્ય સંકટોનો બોજો પર તમારી આવવાની નોબત નહી રહે. એ સાથે જ ઇતિહાસ અને તેને લગતી અત્યંત રસપ્રદ માહિતીઓ પણ જાણી લઈએ.

‘નરક ચતુર્દશી’ શા માટે કહેવાય છે? —

કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, આજના ઇરાક દેશમાં જૂના સમયમાં નરકાસુર નામનો આતતાયી રાજા રાજ કરતો. તેમને ૧૬,૦૦૦ રાણીઓ હતી. પ્રજા તો રાજાની જોહુકમીથી ત્રાહિમામ્ હતી જ પણ રાજાની રાણીઓની હાલત પણ સારી નહોતી. તેઓ પણ રાજાના ત્રાસદાયક વલણને લીધે ત્રાસી ઉઠી હતી. ભગવાન કૃષ્ણને તેમણે સાથે મળીને વિનંતી કરી. વાસુદેવે આજના દિવસે નરકાસુર નામના મહાબળવાન અસુરનો વધ કરીને રાણીઓને સમાજમાં પ્રતિષ્ઠા અપાવી હતી.

મંત્રતંત્ર અને મેલીવિદ્યા —

કાળી ચૌદશના દિવસે ઉતારા કાઢવા સહિતનાં કામો પણ થતાં હોય છે એ વાતો કોઈનાં ધ્યાન બહાર નહી હોય. રાત્રે સ્મશાનમાં મેલીવિદ્યા જાણતા લોકો એકઠા થઈને સાધના કરતા હોય છે એ વાત પણ જાણીતી છે. આમ, આ દિવસ આવી વિદ્યાઓના જાણકાર લોકો માટે સાધના વડે સિધ્ધી મેળવવા માટેનો અવસર છે.

હનુમાનજીને ભોગ ચડાવવો —

કાળી ચૌદશને દિવસે સાંજને ટાણે હનુમાન મંદિરે અડદનાં વડાં અને ચુરમાના લાડુનું નૈવેદ્ય ધરવામાં આવે છે. આ વખતે શનિવાર પણ સાથે છે એટલે ઘણો શુભ સંયોગ છે. અડદનાં વડાં અને ચુરમાના લાડુનો પ્રસાદ હનુમાન મંદિરે અવશ્ય ધરવો જોઈએ. આમ, આજે હનુમાનજીની કૃપા માટે પ્રાર્થના કરવાનો સોનેરી અવસર છે. એ સાથે જ આ કાળી ચૌદશનો શનિવાર શનિદેવની પ્રાર્થના માટે પણ યોગ્ય અવસર છે.

જેટલું તેલ બળે એટલી બળતરા ઘટે! —

કાળી ચૌદશના દિવસે તેલમાં તળેલી વસ્તુઓ ખાવાની પ્રથા છે. એવી માન્યતા લોકોમાં રહેલી છે, કે આજના દિવસે જેટલું તેલ બાળવામાં આવેલી એટલી વ્યાધિઓ-દુ:ખો પણ માણસનાં જીવનમાંથી ઓછાં થાય! આથી આજે અનેક ઘરોમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. એ સાથે એ પણ ખાસ ધ્યાનમાં રાખવી, કે આજે ડુંગળી અને લસણ જેવી ચીજોનો ઉપયોગ ટાળવો જોઈએ.

ઘરની મુખ્ય વ્યક્તિએ દક્ષિણ દિશામાં દીપ પ્રગટાવવો —

ધનતેરસની જેમ કાળી ચૌદશના દિવસે પણ ‘યમદીપ’ પ્રગટાવવાની પ્રથા છે, જેથી યમરાજાની કૃપા આખા વર્ષ દરમિયાન બની રહે. સાંજે ઘરની મોભી વ્યક્તિએ દીવો પ્રગટાવીને ઘરથી થોડે દૂર દક્ષિણ દિશામાં મૂકી આવવો. આ સમયે ઘરના અન્ય સભ્યોએ ઘરની અંદર જ રહેવું. આ વિધિથી એવું માનવામાં આવે છે, કે અકાલ મૃત્યુ જેવો કોઈ ભય ઘરના સભ્યો પર આવતો નથી. આમ, યમરાજાનું આજે સ્મરણ કરવું જોઈએ.

આજે ત્રણ દેવતાઓની પૂજા —

કાળી ચૌદશના દિવસે ત્રણ મુખ્ય દેવતાઓની પૂજા કરવામાં આવે છે : કૃષ્ણપૂજા, હનુમાનપૂજા અને કાલીપૂજા. આ ઉપરાંત, દિવાળીના મુખ્ય ત્રણ દિવસો (ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી)માં લક્ષ્મીજીની તો પૂજા સામાન્ય જ છે. કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાની પૂજા પણ ફળદાયી છે.

આજે આટલું અવશ્ય કરો —

હનુમાનજીએ ભોગ ચડાવીને હનુમાન ચાલીસાનો પાઠ એકવાર તો અવશ્ય કરો. એ ઉપરાંત, આ વખતે “ॐ हं हनुमते रुद्रात्मकाय हूँ फट” નામનો મંત્રજાપ કરો. ભગવાન શ્રીકૃષ્ણ માટે પણ આજે મંત્રજાપ કરવો રહ્યો. કેમ કે, મહાકાળી અને સત્યભામા સાથે મળીને તેમણે જ આજે નરકાસુરનો વધ કરીને આસુરી આતતાયી શક્તિ પર વિજય મેળવ્યો હતો. આથી, “ॐ क्लीं कृष्णाय नमः” નામનો મંત્રજાપ કરી ભગવાનને પંચામૃત ચડાવવું. યમદીપ પ્રગટાવી યમરાજાની પણ કૃપા મેળવવી જરૂરી છે. તદ્દોપરાંત, મહાકાળી માતા અને લક્ષ્મીજીની કૃપા માટે પણ પ્રાર્થના કરવી.

આજે કરેલું સ્નાન કેમ હોય છે ખાસ? —

કાળી ચૌદશના દિવસે સુરજ ઉગે તે પહેલા (સંધ્યા વખતે પણ) અંઘોળાનાં પાન પાણીમાં નાખી અને સ્નાન કરવાની પ્રથા છે. અંઘોળો આમ તો ઘણે ઠેકાણે જોવા મળતી નિંદામણ પ્રકારની વનસ્પતિ છે. તુલસીનાં પાન જેવાં એનાં પાન હોય છે. અંઘોળો અનેક પ્રકારે ઉપયોગી અને ઔષધિય ગુણો ધરાવે છે. આ સ્નાનથી હરસ-મસાં, ખંજવાળ અને ચામડીના અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે. આમ, આ સ્નાન શરીરને નિર્દોષીય બનાવનારું હોય છે. માટે અંઘોળાનાં પર્ણ મળે ત્યાંથી શોધી લાવી આજે આ સ્નાન તો અવશ્ય કરવું. પાદરમાં કે ખેતરને શેઢે લગભગ મળી રહેશે. અથવા તો કોઈ બુઝૂર્ગને પણ પૂછી જોવું. અહીં અંઘોળાની તસ્વીર આપેલી છે. ખરેખર આપણા પૂર્વજો કેવી ગોઠવણપૂર્વક આવી પરંપરાઓને આકાર આપતા હતા!

આ થઈ કાળી ચૌદશની વાત. ઉપર જણાવેલી બાબતો એકદમ સરળ, કોઈ પ્રકારની મુંઝવણ ઊભી ના કરે તેવી છે. તમને યોગ્ય લાગે તો પાલન કરવું. મહાકાળી-મહાલક્ષ્મી-ભગવાન કૃષ્ણ-યમરાજા, શનિદેવ અને મહાબલી હનુમાનજીની કૃપા સદૈવ બની રહે એ જ પ્રાર્થના!

[ મિત્રો, આર્ટિકલ માહિતીપ્રદ અને બીજાને પણ જણાવવાલાયક લાગ્યો તો વધારે કશું ના કરતા લીંક માત્ર શેર કરી દેજો, ધન્યવાદ! ]

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.