સ્ત્રીને આઝાદી ભર્યું જીવનની વાતો તો ઘણી સાંભળવા મળે, પરંતુ જયારે હકીકત તપાસવા જઈએ ત્યારે એ બધી જ વાતો જાણે પોકળ સાબિત થતી હોય તેવી લાગી આવે. દુનિયાના ઘણા એવા દેશો છે જ્યાં સ્ત્રીઓ પોતાની મરજી પ્રમાણેનું જીવન વ્યથિત કરે છે તે છતાં પણ સમાજમાં દરેક ખૂણે સ્ત્રીને એક અબળા તરીકે જ સ્વીકારવામાં આવે છે.

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એવી મહિલાઓની જે ખરેખર પોતાનું જીવન પોતાની મરજી પ્રમાણે જીવે છે અને ઘરનો બધો કારભાર પોતાના હાથમાં રાખે છે, પોતાની ઈચ્છા મુજબ શણગાર કરી શકે છે અને ખાસ વાત તો એ છે કે જો તે પોતાના લગ્ન જીવનથી ખુશ ના હોય અને તેને કોઈ બીજો પુરુષ ગમી જાય તો કોઈપણ જાતના હોબાળા વગર તે પરપુરુષ સાથે જઈ પણ શકે છે.

અમે વાત કરીએ છીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પાસે રહેલી બોર્ડર ઉપર વસતી કલાશા પ્રજાતિની સ્ત્રીઓની. આ પ્રજાતિ પાકિસ્તાની સૌથી ઓછી વસ્તી વાળી પ્રજાતિ છે. કોઈ નાના ગામ જેટલી વસ્તી ધરાવતી આ પ્રજાતિની સંખ્યા લગભગ પોણા ચાર હજારની આસપાસ છે. કલાશા પ્રજાતિ પોતાની આધુનિક અને વિચિત્ર જીવનશૈલીના કારણે ચર્ચામાં રહે છે.

કલાશા સમુદાય ખૈબર-પખ્તુનખ્વા વિસ્તારમાં આવેલ ચિત્રાલ ઘાટીના બામ્બુરાતે, બીરીર અને રામબુર ક્ષેત્રમાં રહે છે. જેટલું અટપટું તેમના વિસ્તારનું નામ લાગી રહ્યું છે તેટલું જ અટપટું તેમનું જીવન પણ છે. આ પ્રજાતિ હિન્દૂ કુશ પર્વતોથી ઘેરાયેલી છે અને તેમની એવી માન્યતા છે કે આ પર્વતમાળાથી ઘેરાયેલા હોવાના કારણે જ એમની સભ્યતા અને સંસ્કૃતિ સચવાઈ રહ્યા છે. આ પર્વતોના ઘણા ઐતિહાસિક સંદર્ભો પણ છે જેમ કે આ વિસ્તારને સિકંદરની જીત પછી કૌકાશોષ ઇંદિકોષ કહેવામાં આવ્યું. યુનાની ભાષામાં આનો અર્થ હિન્દુસ્તાની પર્વત એવો થાય છે. આ પ્રજાતિને સિકંદર મહાનના વંશજો તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પ્રજાતિની એક ખાસ વિશેષતા એ પણ છે કે કોઈપણ તહેવાર અને પ્રસંગોમાં મહિલા અને પુરુષો સાથે મળી અને દારૂ પીવે છે. સંગીત તેમના દરેક પ્રંસગોમાં મહત્વનું સાધન રહ્યું છે. કોઈપણ પ્રંસગમાં આ પ્રજાતિના લોકો વાંસળી અને ઢોલ વગાડી નાચગાન કરે છે.

વર્ષ 2018ની વસ્તીગણતરી દરમિયાન આ પ્રજાતિની એક અલગ પ્રજાતિ તરીકે પાકિસ્તાનની વસ્તીમાં ગણના કરવામાં આવી. ગણતરી સમયે આ પ્રજાતિની સંખ્યા 3800 હતી. આ લોકો માટી, લાકડા અને કાદવથી બનેલા નાના ઘરોમાં રહે છે. પોતાની પ્રજાતિનું રક્ષણ અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર વસવાટ કરવાના કારણે તે પોતાની સાથે પારંપરિક અસ્ત્ર-શસ્ત્ર અને આધુનિક બંદૂકો પણ રાખે છે.

આ મહિલાઓ ઘેટાં-બકરા ચરાવવા માટે જાય છે તેમજ ઘરે બેઠા પર્સ અને રંગીન માળાઓ બનાવવાનું કામ કરે છે. ઘરે બનાવેલા આ સામાનને પુરુષો બજારમાં વેચવા માટે જાય છે. આ મહિલાઓ શણગારની પણ ખુબ જ શોખીન હોય છે. તેમને તૈયાર થવું ખુબ જ ગમે છે. માથા ઉપર એક ખાસ પ્રકારની ટોપી અને ગળામાં રંગીન પથ્થરોની માળા પહેરે છે. પોતાના મોજ-શોખ ભર્યા જીવન સાથે કમાવવાનું કામ પણ મોટાભાગે સ્ત્રીઓ જ કરતી હોય છે.

એક વર્ષમાં આ લોકો મુખ્યત્વે ત્રણ તહેવાર ઉજવે છે જેમાં કામોસ (Camos), જોષી (Joshi) અને ઊંચાવ(Uchaw) રહેલા છે. જેમાં કામોસ સૌથી મોટો માનવામાં આવે છે. જે ડિસેમ્બરમાં ઉજવવામાં આવે છે. આ તહેવારમાં મહિલા અને પુરુષો તેમજ છોકરા-છોકરીઓ એકબીજા સાથેનો મેળાવળો યોજે છે. આ દરમિયાન ઘણા લોકો સંબંધોમાં બંધાઈ પણ જતા હોય છે. પરંતુ આ પ્રજાતિમાં સંબંધોને લઈને એટલી આઝાદી છે કે જો કોઈ સ્ત્રીને લગ્ન બાદ પણ કોઈ બીજો પુરુષ ગમી જાય અથવા તો જો તેનું લગ્નજીવન સુખી ના હોય તો તે પોતાના પતિથી અલગ થઇ શકે છે. બીજો પુરુષ ગમતા તેની સાથે પણ જઈ શકે છે.

આ પ્રજાતિમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય તો તે શોક નથી મનાવતી કે ના આંસુઓ વહાવે છે, આ દિવસે તે ખુશી અને તહેવાર જેવો ઉત્સવ મનાવે છે. ક્રિયાકર્મ દરમિયાન નાચ-ગાન કરી અને દારૂ પણ પીવે છે આ લોકોનું માનવું છે કે ઈશ્વરની ઈચ્છાથી જ આ જીવ અહીંયા આવ્યો હતો અને આજે ઈશ્વરની ઈચ્છાથી જ તે પાછો ચાલ્યો ગયો છે.

સમય સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદો ઉપર તણાવ વધવાના કારણે આ પ્રજાતિ ઉપર ખુબ જ મોટી અસર થઇ છે. તે લોકો માને છે કે પહેલા હાથવણાટના કામથી તેમને સારી આવક મળી રહેતી હતી પરંતુ અત્યારે આ જગ્યા ઉપર પ્રવાસીઓ ખુબ જ ઓછા પ્રમાણમાં કે નહિ બરાબર જ આવે છે જેના કારણે તેમને રોજી-રોટી રળવામાં મુશ્કેલીઓ આવી રહી છે તેમની નવી પેઢી તો કોઈ બીજા દેશમાં જવા માટે પણ તૈયાર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.