રસોઈ

કાજુ કતરી – બધાની મનપસંદ આ મીઠાઈ બની જશે ફક્ત 5 મીનીટમાં, નોંધી લો સરળ અને ટેસ્ટી રેસીપી…

કાજુકતરી આમ તો નામ વાંચીને જ મારા મોઢામાં પાણી આવી ગયું છે અને કદાચ તમને પણ મન થયું હશે કાજુકતરી ખાવા માટેનું. આપણે ગુજરાતીઓ એટલે ખાતે પીતે સુખી પ્રજા. આપણે કોઈપણ પ્રકારનું ભોજન કરવા માટે કોઈ પ્રસંગ કે તહેવારની રાહ જોતા નથી. અમારા ઘરમાં તો જયારે ઈચ્છા થાય ત્યારે શીરો કે પછી કાજુકતરી ખાઈએ છીએ. હવે દિવાળી તો ચાલી ગઈ તો શું હવે કાજુ કતરી ખાવા માટે આવતી દિવાળી સુધી રાહ થોડી જોઈશું. એટલા માટે જ આજે અમે તમને કાજુકતરી બનાવવાની સરળ રીત જણાવવાના છે જે તમે જયારે ઈચ્છા થાય ત્યારે કાજુકતરી બનાવી શકો અને જો તમારા ઘરમાં બધાને પસંદ છે કાજુકતરી તો પછી આ સરળ રેસીપીથી આજે જ બનાવો અને ખુશ કરી દો ઘરમાં બધાને.

સૌથી પહેલા કેટલી સામગ્રી જોઇશે એ જાણી લઈએ.

  • કાજુ : ૨૫૦ ગ્રામ,
  • દુધનો પાવડર : અડધો કપ,
  • ખાંડ : અડધો કપ,
  • કેવડાનું પાણી : ૧ ચમચી,
  • દૂધ : ૪ ચમચી,
  • ઘી : અડધી ચમચી,
  • પ્લાસ્ટિક શીટ : ૨ નંગ,
  • કતરી સજાવવા માટે ચાંદીનું વરખ.

કાજુકતરી બનાવવાની સરળ રીત :

ફ્રેશ કાજુ કે પછી સેકેલા કાજુને પાવડર જેવું દળી લો, તેને ઉપયોગમાં લેતા પહેલા ચારણીથી ચાળી લેવું. હવે ચારણીમાં જે પણ મોટા ટુકડા વધ્ય હોય તેને ફરીથી ક્રશ કરી લો. હવે બધો પાવડર એક વાસણમાં ભેગો કરો ત્યારબાદ તેમાં ખાંડને પણ પીસીને ઉમેરો. પછી તે મિશ્રણમાં દૂધનો પાવડર, ઘી અને કેવડાનું પાણી પણ ઉમેરો. આ બધી વસ્તુને બરાબર મિક્સ કરો.

તૈયાર થયેલ મિશ્રણમાં એક ચમચી દૂધ ઉમેરો અને બરાબર મિક્સ કરો અને જો એ છતાં પણ મિશ્રણ બરોબર ના થયું હોય તો થોડું દૂધ ફરીથી ઉમેરી શકો છો. કાજુકતરીનું મિશ્રણ એ બહુ નરમ ના હોવું જોઈએ. હવે જયારે આ મિશ્રણ તૈયાર છે ત્યારે તેમાંથી બે ભાગ કરો અને જે પ્લાસ્ટિકને ઉપયોગમાં લેવાના છો તેના પર ઘી લગાવો અને મિશ્રણના લુવા પર પ્લાસ્ટિક શીટ પાથરો અને તેને વેલણની મદદથી વણી લો. તમે ઈચ્છો એટલે જાડાઈ રાખી શકો છો.

હવે ઉપરથી પ્લાસ્ટિક સીટ હટાવી લો અને તેના પર ચાંદીનું વરખ લગાવો. સામાન્ય કાજુકતરી એ સક્કરપારા શેપની હોય છે પણ તમે ઈચ્છો તો અલગ અલગ શેપમાં આ તૈયાર થયેલ કાજુકતરીને કાપી શકો છો. જો તમારા બાળકને પસંદ હોય તો તમે કોઈ ટેડીબિયરના શેપમાં પણ કટ કરી શકો છો. તો તૈયાર છે સુપર ટેસ્ટવાળી કાજુકતરી, તમે આજે જ બનાવો. અને જણાવજો જરૂર કે ટેસ્ટમાં કેવી લાગી.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ