કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

કાચું ખાવાનું અને ક્યારેક નહાવાનું! વાંચો કેવી હોય છે દરિયાને તળિયે સબમરીનમાં રહેતા સૈનિકોની લાઇફ, આજે વાંચો જોરદાર સ્ટોરી

‘સબમરિન’ નામ સાંભળતા જ આપણને રોમાંચનો અનુભવ થાય છે. ‘ઓક્ટોપસ’ અને ‘ધ કોર’ જેવી હોલિવૂડની ફિલ્મોમાં જોયેલી સબમરીનો યાદ આવે છે, જૂલે વર્નની ‘સાગરસમ્રાટ’ ચોપડી સાંભળી આવે છે અને નજર સામે તરવરી ઊઠે છે કેપ્ટન નેમોનું જૂજવા રૂપ ધરાવતું નોટિલસ જહાજ કે જે ઘડીક વહાણ તો ઘડીક સબમરીનનું રૂપ લઈ શકે છે!

આ તો કલ્પનાઓની વાતો થઈ પણ હકીકત પણ આનાથી કંઈ બહુ જૂદી નથી! સબમરીન આજે વિવિધ દેશોની દરિયાઈ સેનાઓ માટે એક અત્યંત ઉપયોગી હથિયાર છે. પાણીની અંદર પ્રકાશના પહોંચે ત્યાં પણ સબમરીન જઈ શકે છે અને અનેક કિલોમીટર સુધી બહાર આવ્યા વગર પ્રવાસ ખેડી શકે છે. માટે તે સેના માટે બહુ ઉપયોગી છે.

Image Source

ભારતે પણ 1967થી ઇન્ડીયન નેવીમાં સબમરીન દાખલ કરી છે અને આજ દિવસ સુધીમાં ઘણી સબમરીનો હિંદ મહાસાગરના પેટાળમાં દિવસરાત ફરીને ભારતની સીમાઓનું રક્ષણ કરી રહી છે. ત્યારે ચાલો જાણી લઈએ કે સબમરીનની અંદર રહેતા સૈનિકોની, એમના ચાલકોની જીંદગી કેવાં પ્રકારની હોય છે? વાત ઘણી રોચક છે.

Image Source

પાણીનું પ્રબળ દબાણ —

સમુદ્રને તળીયા તરફ સબમરીન જેમ વધારે ઊંડે જાય એમ એના પર પાણીનું દબાણ અનેકગણી ઝડપે વધતું જાય છે. અમુક હદ સુધીની લક્ષ્મણ રેખા જો વટાવી દેવાય તો એ હદનું દબાણ આવે કે સબમરીનનું પોલાદી પાંસળું પણ તેને ઝીલી ના શકે અને ત્યાં જ ખુરદો બોલી જાય! આ બાબતે અંદર રહેતા સૈનિકોને, એન્જીનિયરોને અને અન્ય કર્મચારીઓને પણ ખાસ સાવચેત રહેવું જ પડે છે. અને એ માટે પોતાની જીવનશૈલીમાં પણ જરૂરી ફેરફાર કરવા પડે છે.

Image Source

પાણીનો જરા પણ બગાડ ખતરારૂપ —

સબમરીનમાં રહેતા સૈનિકોને પાણીનો વપરાશ ચોક્કસ મર્યાદામાં રહીને જ કરવાનો હોય છે. દિવસમાં ચારેક મગ જેટલું પાણી આપવામાં આવે છે. સ્નાનની સુવિધા તો ચારેક દિ’એ એકવાર થાય તો થાય અને ના પણ થાય!

હાલની સબમરીનોએ એ આધુનિક પધ્ધતિ વિકસાવી છે, કે જેથી કરીને સમુદ્રના પાણીનું વિઘટન કરીને તેમાંથી ઓક્સિજન મેળવી શકાય. પહેલાં ઓક્સિજનના સિલિન્ડરોનો ઉપયોગ થતો, હજુ પણ થાય જ છે. સબમરીનમાં ઓક્સિજનની ટાંકી રાખેલી હોય છે. હાલની આધુનિક સબમરીનોમાં એવી સુવિધા છે કે જેથી કરીને સૈનિકોએ ઉચ્છ્વાસમાં બહાર કાઢેલા કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો સબમરીનમાં જમા ના થાય.

Image Source

વઘારેલું ખાવાનો શોખ ભૂલી જવાનો! —

મોટેભાગે સબમરીનોમાં અગાઉથી પેક કરેલું તૈયાર જમવાનું જ સૈનિકોને આપવામાં આવે છે. અંદરના જે ખાવાનું બનાવવામાં આવે છે એ પણ વઘારની કોઈ ક્રિયાથી બચીને જ બનાવવામાં આવે છે. એનું એક કારણ છે, કે સબમરીનમાં ધૂમાડો કરવો પાલવે નહી.

Image Source

યુધ્ધ જેવી સ્થિતી હોય તો શું થાય? —

પહેલા વિશ્વયુધ્ધ વખતથી પ્રચુરમાત્રામાં દુશ્મનને માત દેવા માટે સબમરીનનો ઉપયોગ થવા લાગ્યો હતો. એ આજ સુધી અટક્યો નથી. પ્રથમ અને બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકા, બ્રિટન અને જર્મની સહિત જગતના અનેક દેશોની સબમરીનોએ જગતભરના સમુદ્રોમાં જે પરાક્રમો કર્યાં હતાં તેની વાતો આજે પણ રોમાંચિત કરી મૂકે તેવી છે. અનેક સબમરીનો શત્રુઓના ટોરપિડોનો, બિછાવેલી સમુદ્રી સુરંગોનો, અંદરની ટેક્નિકલ ખામીઓનો કે સમુદ્રી કરાડોનો ભોગ બનીને સમુદ્રના તળીયે પોઢી પણ ગઈ છે. અને એમાં રહેતા સૈનિકો? આપ ખ્યાલ કરી શકો કે એ મોત કેવું દારૂણ હશે!

Image Source

ભયાનક પરિસ્થિતીઓમાં જીવન અથવા મરણ —

ઘણીવાર એવું પણ બનતું કે દુશ્મનના વહાણો ઉપર રાઉન્ડ ધ ક્લોક ચીલ નજર રાખીને ફરતાં હોય અને નીચે છૂપાતી ફરતી સબમરીનનો ઓક્સિજન ખૂટવા આવ્યો હોય. ઓક્સિજન લેવા માટે તો સમુદ્રની સપાટી પર આવવાની જરૂર પડે. પણ બહાર જરીક પણ ડોકાવવું એટલે મોતને તેડું આપવું! શત્રુના વહાણની તોપ ગરજી ઉઠે અને જોતજોતામાં સબમરીનને ફૂંકી નાખે. ને નીચે રહો તો? પંદર મિનિટ ચાલે એટલો ઓક્સિજન, પછી ગૂંગળાઈ મરવાનું!

બહાર સપાટી પર શી હિલચાલ થઈ રહી છે એ જોવા માટે ‘પેરિસ્કોપ’ નામનું સાધન વાપરવામાં આવે છે, જે પ્રકાશના પરાવર્તનના નિયમ પર કામ કરીને બહારની પરિસ્થિતીનો તાગ અંદર મેળવી આપે છે. ઘણીવાર એવું પણ બનતું, કે સબમરીનોને ફસાવવા માટે સુરંગો લગાડી દેવામાં આવતી. ફૂગ્ગા સાથે દોરી સાથે બંધાયેલો તો જોયો જ છે ને? બસ એવી સુરંગો સમુદ્રમાં ઠેર-ઠેર તરતી રહેતી. જેવી સબમરીન પસાર થાય અને હિલચાલ વર્તાય એટલે સુરંગનો દારૂગોળો ધડામ દઈને ફાટે અને સબમરીનનું કામ તમામ!

Image Source

સબમરીનનું મારકણું હથિયાર: ટોરપિડો —

જેમ યુધ્ધજહાજમાંથી મિસાઇલો છૂટે, રણગાડીઓ તોપગોળા વરસાવે એમ સબમરીન દુશ્મન વહાણને કે દુશ્મન સબમરીનને નષ્ટ કરવા ટોરપિડો દાગે છે. સમુદ્રમાં સડેડાટ ગોળીની જેમ વછૂટતો ટોરપિડો સપાટી પર રહેલા જહાજને તળિયે વાગે અને જોતજોતામાં હડીમદસ્તા જેવું જહાજ ‘જળદોસ્ત’ થઈ જાય!

તો ઘણીવાર પોતાની હાજરી પરખાઈ ગઈ હોય તો આજુબાજુમાં રહેલી દુશ્મન સબમરીનનો ટોરપિડો પણ સડેડાટ કરતો આવે. કુશળ કપ્તાન હોય તો સબમરીનને આ વારથી બચાવી શકે, બાકી રામશરણ!

2013માં ભારતીય નૌસેનાની ‘સિંધુરક્ષક’ સબમરીનમાં ટેક્નિકલ કારણોસર ખામી સર્જાઈ હતી અને વિસ્ફોટ થયેલો, જેમાં 18 ભારતીય નરવીરો શહિદ થયેલા. એ હાદસો ભારત માટે અત્યંત દુ:ખદાયક હતો. આજે ભારત પાસે અનેક હાઇટેક સબમરિનો છે. પેટ્રોલિયમથી ચાલતી પણ છે અને અણુશક્તિ પર આધારિત પણ છે. ‘INS અરિહંત’ ભારતની પહેલી પરમાણુઊર્જાથી ચાલનારી સબમરીન છે. સત્તરમી સદીમાં સબમરીન (પનડુબ્બી)ની શોધ તો થઈ હતી. લાકડાની ઈંડા આકારની સબમરીન એક ડચ વ્યક્તિએ બનાવેલી. એ પછી તો આજ સુધીમાં સબમરીનોમાં અનેક હાઇટેક સુવિધાઓ આવી ગઈ છે. આજે તે વધારે મારકણી બની છે, વધારે સુરક્ષિત બની છે.

Image Source

પણ એ સુરક્ષાનો ભરોસો કેટલો? અલબત્ત, સમુદ્ર રાખે એટલો! બાકી કોઈ કારણસર સબમરીનનું પોલાદી માળખું અલગ થાય તો માણસ સમુદ્રની સપાટી નીચે એ હદે ભીઁસાય જેમ ઘાણીમાં મગફળીના બીજ! સલામ છે આપણા ઇન્ડીયન નેવીના નૌજવાનોને જેઓ ખરેખર પ્રાણના જોખમે દેશની સુરક્ષા માટે સમુદ્રની અંદર પણ રાતદિવસ કાર્યરત છે.

દેશ માટે પ્રેમ હોય તો જય હિન્દ જરૂર લખજો…

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.