મુકેશ સોજીત્રા લેખકની કલમે

પ્રેમિકા બેવફા નીકળી છતાં એક પ્રેમીએ કરી દિલોજાન મુહબ્બત, આ અદભૂત લવ સ્ટોરી વાંચતા તમારી આંખ જરૂર ભીંજશે …..

“કબીરા પાન સેન્ટર”

નદીને કાંઠે નિશાળ અને બાજુમાં જ બીજે ગામ જવાનો રસ્તો અને મોટું એક પાદર!! પાદરમાં વડના બે ત્રણ ઘેઘુર ઝાડ. મોટી મોટી વડવાઈઓ લટકે. વડને ફરતે એક મોટો ઓટો બાંધેલો એટલે ગામના નવરા ધૂપ જુવાનીયા અને ભાભલાઓની બેઠક!! ઓટાને અડીને એક પાનનું મોટું કેબીન આવેલું હતું. કેબીન ઉપર મોટાઅક્ષરે લખેલ હતું.

 •  “કબીરા પાન સેન્ટર”
 • પ્રો. કલ્પેશકુમાર બીજલ ભાઈ રાઠોડ.

નિશાળમાં દાખલ થયે મને હજુ માંડ છ મહિના થયા હશે. હતો એકલપંડે એટલે શાળા છૂટે પછી હું કલાક સુધી કબીરા પાન સેન્ટરે બેસતો. તેના બે ત્રણ કારણો હતા. એક તો ગામનું પાદર પડખે નદી અને વડનો ઘટાટોપ છાયો. સહુથી મોટું કારણ એ કે આખા ગામમાં ફક્ત આ કબીરા પાન પાન સેન્ટર પર જ છાપાઓ આવતા એ હું વાંચતો. ફક્ત છાપાઓ જ નહિ પણ ઘણા બધા સામયિકો પણ આવતા..

કબીરા પાન સેન્ટર ના માલિક કલ્પેશકુમાર!! કલ્પેશકુમાર બીજલભાઈ રાઠોડ!! આ ત્રણેય નામના પહેલો પહેલો અક્ષર લઈને પાન ના ગલ્લા નું નામ કબીરા પાડેલું એ મને મહિના પછી ખબર પડેલી!!

ઉમર હશે ચાળીશની આજુબાજુ.. દેખાવે હેન્ડસમ કહી શકાય એવો કલ્પેશકુમાર!! મારી સાથે એની દેશી બરાબરની ભળી ગયેલી.. હું ખાસ કશું બોલું નહિ બસ મૂંગો મૂંગો છાપાઓ વાંચ્યા કરું.. કલ્પેશકુમાર મને એક કાચી સોપારી વરીયાળી ખાલી ચૂનો વિથ ટુટીફૂટીનો એક માવો બનાવી દે.. જેને ત્યાની લોકલ લેન્ગવેજ પ્રમાણે વગડિયો માવો કહેતા.. એ પણ મને પાછળ થી ખબર પડેલી!! વગડીયો માવો એટલે તમાકુ વગરનો માવો !! કલ્પેશકુમાર ભલે પાનનો ગલ્લો ચલાવે પણ આદમી મને શિક્ષિત અને દિક્ષિત લાગ્યો. એમનું વાંચન વિશાળ હતું એ એમની ભાષા પરથી લાગતું હતું. એ નાના બાળકોને ક્યારેય તમાકુ વાળી વસ્તુ  આપે જ નહિ અને મોટાભાગે તમાકુ વગરના પાન અને મસાલા બનાવે એ ઘણા ગ્રાહકોને ક કહે પણ ખરા.

“ દરરોજના બે થી વધુ આ તમાકુના મસાલા ના ખવાય.. ખાવો હોય તો આ સોપારી અને ચુના વાળા મસાલા ખાવ એ ના નડે.. અથવા ઘરે ઘી ખાવ કાજુ બદામ ખાવ.. એ ના નડે પણ આ જયારે નડશે ને ત્યારે ભૂકા કાઢી નાંખશે.. અને તો ય ના રહેવાતું હોય તો માપમાં ખાવ બે થી વધુ તમાકુવાળા માવા ક્યારેય ના ખાવા”

એની ચોખ્ખાઈ પણ ગજબની હતી. હતો તો પાનનો ગલ્લો પણ ક્યાય તમને કચરો જોવા ના મળે..દિવસમાં ત્રણ વાર વાળી નાંખે.. બે વાર પાણી છાંટે.. અને ટીવીમાં સતત ને સતત સંગીતની ચેનલ ચાલતી હોય.. બપોરે એક થી બે વાગ્યા સુધી જમવા જાય ત્યાં સુધી જ ગલ્લો બંધ અને પછી છેક રાત્રે દસ વાગ્યે છેલ્લી બસ આવે. એ બસ આવી જાય ત્યાર પછી પંદર મિનીટ માં જ એ બધું સંકેલી ને ગલ્લો બંધ કરી દે તે સવારે સાત વાગ્યે ખુલે!! આમાં કયારેય પણ આઘું પાછું થયું હોય એવું ગામના કોઈ પણ જણની સાંભરણમાં નહોતું.. એમ ગામ કહેતું હતું.. વળી ક્યારેક દસની બસ સાડા દસ વાગ્યે આવે કે રાતે અગિયાર વાગ્યે આવે જ્યાં સુધી બસ ના આવે ત્યાં સુધી એનો ગલ્લો ખુલ્લો રહેતો!! બસ આવે એટલે એના ચહેરા પર એક અલગ જ ભાવ જાગતો.!!  બસની સામું તાકી રહે!! બધા મુસાફરો ઉતરી જાય ડ્રાઈવર બસ ને ગલ્લા પાસેના વડના ઝાડ પાસે ગોઠવી દે.. કલ્પેશકુમાર ના ગલ્લેથી જોઈતી વસ્તુ લઇ લે પછી જ ગલ્લો બંધ થાય!! એ બસની રાહ શા માટે જુએ છે એ મને ખુબ મોડું મોડું સમજાયેલું!!!

“માસ્તર ભાઈ નવા જ મૂકાણા છો કે ક્યાંકથી બદલી કરાવીને આવ્યા છો”?? શાળામાં હાજર થયોને બીજે જ દિવસે હું ગલ્લા પાસે ઉભો હતોને કલ્પેશકુમારે પૂછેલું. એ મને માસ્તર સાથે ભાઈનું સંબોધન કરતો.

“ના સાવ નવો જ છું.. સાવ ફ્રેશ અને વિદ્યાસહાયક છું..!! મે એમને જવાબ આપેલો.

“ અહી બધા નવા જ આવે છે… બદલી કરાવીને આ અંતરિયાળ ગામમાં કોઈ ભોજિયો ભાઈ પણ ના આવે.. આમ તો ગામ સારું પણ જો રહેતા આવડે તો ક્યાં ઉતારા રાખ્યા છે હીરાવાડીમાં જ ને!! જે જે માસ્તર અહી નવા નવા આવે ઈ બધા હીરાવાડીમાં જ રહે છે!! કલ્પેશકુમારે વાત શરુ રાખી.. મેં એને હા પાડી કે હીરાવાડીમાં જ હું ભાડે રહું છું!!

ગામને છેવાડે એક હીરા મા રહેતા.. પડખે જ એની વાડી હતી.. હીરા મા અને ગોકળ ભાભા બે જ એ વાડીમાં રહેતા હતા.. બાકીના બે શિક્ષકો રહેતા હતા.. ત્રીજો હું આવ્યો અને તોય.. બીજા આઠ શિક્ષકોનો સમાવેશ થઇ જાય એટલા મકાન ખાલી હતા!! ગોકળ ભાભાને આઠ દીકરા હતા.. સહુથી મોટો દીકરો આજથી ત્રીસ  વરસ પહેલા અમેરિકા ગયો હતો.. પાંચ વરસ રોકાયો એમાં ત્યાં કોઈ ધોળીયાનું કરોડોનું કરી નાંખેલું અને ભારત પાછો આવી ગયો ને આ વાડીમાં એક ઓશરીએ બાર ઓરડા બંધાવેલા!! દરેક ઓરડામાં કિચન સાથે એટેચ્ડ બાથરૂમ.. વેન્ટીલેશન વાળા રૂમ અને ઈમ્પોર્ટેડ ફેન સાથે એ વખતે આવા ઓરડા અજાયબી ભર્યા હતા.!! બે વીઘાનો તો વંડો વાળેલો અને મકાન ઉપર મોટા અક્ષરે કોતરાવેલું “હીરાવાડી”!!  બસ પછી વારાફરતી આઠેય છોકરાઓ સુરત જતા રહેલા અને ધંધો જમાવી દીધેલો અને અહી ઓરડા ખાલી પડેલા તે ગામમાં આવતા નોકરિયાતને ભાડે આપી દે..ભાડું પણ નહિ જેવું માત્ર ૫૦ રૂપરડી એમાં પાછું લાઈટ બિલ પણ આવી જાય!! ખાસ તો હીરામાં ને ગોકળ ભાભાને સથવારો થાય..!! છોકરા માત્ર દિવાળી વખતે જ આવતા એ ય નેટે નેટ આરામ કરવા જ!! પગથાણ અને મોકળાશ એટલી કે એક વખત હીરા વાડીમાં જે શિક્ષક રહે એને બીજે ક્યાય ફાવે પણ નહિ!! છાસ દૂધ શાક બકાલું ક્યાય લેવા જાવાપણું જ નહિ!!

“આપણે તો તમને એક પાસ કાર્ય બાકીના વળ ના  ઘોયા જેવા શિક્ષકોને હું બોલાવું જ નહિ!! એ ય ને અભિમાનમાં  અભિમાનમાં વળ ખાય એ આપણને પસંદ ના આવે.. ખાવા હોય તો ફળ ખવાય પણ ખાલી ખોટા વળ ના ખવાય !! તમારી જેવા માસ્તર હોય એટલે આપણે તમારી સાથે સુવાણ થાય… ઘર જેવું લાગે માસ્તર ભાઈ!!” એક દિવસ સવારના પહોરમાં હું ત્યાં બેઠો હતો ને કલ્પેશકુમારે કહ્યું.

“ મને બહુ બોલવું ના ગમે..બસ સાંભળવું ગમે છે.. ગામ છે તો મજાનું..કલ્પેશકુમાર” મેં જવાબ આપેલો.. મેં એને કુમાર કહ્યા અને એનો ચહેરો ખીલી ઉઠ્યો. એ મેં જોયું.. કુમાર શબ્દ સાથે એને કોઈને કોઈ લગાવ જરૂર હતો એ એના ચહેરા પરથી વાંચી શકતો હતો..  ગામના બધા જ એને કુમાર કહેતા.. અમારા આચાર્ય ઘણી વખત છોકરાને કહેતા.

“ જાતો ભનકા કુમારના ગલ્લેથી બીસટોલનું પાકીટ લઇ આવતો” એક ભૂદેવ માસ્તર  હતા એ દરરોજ એક છોકરા ને દસ રૂપિયા લઈને કુમાર ના ગલ્લે મોકલતા અને કહેતા હતા.

 • “કુમારને કહેજે એક સુરેશની પડીકી… વધે એની ચારભાઈની બીડી અને બાકસ”
 • ગામમાંથી પણ જે કોઈ આવે એ પણ આ પ્રમાણે ઓર્ડર આપે હું બધું નિહાળ્યા કરતો હતો!!
 • “કુમાર ચાર પાર્સલ બાધી રાખજોને!!”
 • “કુમાર એકસો વીસનું પાન કીમામ સાથે અને ચાર મિરાજ આપજોને”

“કુમાર એક જીરા મસાલા લીંબુ નાખીને આપોને ત્રણ દેશીના માવા બાંધી દેજો ને આપણા ખાતે લખી લેજોને”

હવે આખું ગામ કલ્પેશકુમાર ને કુમાર કેમ કહેતું એ ખબર પણ મને તો ખુબ મોડી મોડી પડેલી!!!

વેકેશન પૂરું થયું અને શાળાઓ ફરીથી ખુલી ગઈ અને હું પણ રાબેતા મુજબ  કબીરા પાન સેન્ટર પર બેસવા લાગ્યો. થોડા જ દિવસમાં શાળા પ્રવેશોત્સવ આવ્યો. તાલુકામાંથી કન્યા કેળવણી રથયાત્રાના મોટા મોટા બેનરો આવ્યા હતા.

 • “બેટી પઢાઓ દેશ બચાવો”,
 • “દીકરી ત્રણ કુળ તારે,
 • મમ્મી નિશાળે જાવું છે મારે”

આવા ઘણાય બેનરો આવ્યા હતા મને શાળાના આચાર્યે ઓફિસમાં બોલાવીને કહ્યું.

“તમે આ આઠમા ધોરણના મોટા છોકરા લઈને ગામમાં જાવ.. ચોરા પાસે મંડળી પાસે અને પાદરમાં ખાસ કરીને કબીરા પાન સેન્ટર પર આ બેનરો લગાડી દ્યો.. લોકો જોઈ શકે એ રીતે લગાવવાના છે. હું કેટલાક ઊંચા અને લોંઠકા છોકરાને લઈને બેનર લગાવવા નીકળ્યો. રામજીમંદિર અને મંડળીએ બેનર લગાવી દીધા.કબીરા પાન સેન્ટર બંધ હતું મેં એની બને બાજુની દીવાલે આ બેનર લગાવ્યા. અને નિશાળમાં પાછો આવ્યો.કલાક પછી બે વાગ્યાની રિશેષ પડી અને એક છોકરાએ કહ્યું.

“તમને પાનનાં ગલ્લા વાળા કુમાર બોલાવે છે અને આપણે જે બેનર લગાવ્યા હતા એ એણે ફાડી નાખ્યા છે અને રાડ્યું પાડીને કહે છે બોલાવો એ કયો માસ્તર હતો કે જેણે મને પૂછ્યા વગર આ બેનર લગાવ્યા???’ કલ્પેશકુમાર એક શિક્ષિત માણસ હતો. એક શિક્ષણ લીધેલો માણસ આવા બેનર ફાડી નાંખે એ મારા માન્યા માં નહોતું આવતું, હું પાનના ગલ્લે ગયો. કલ્પેશકુમાર નો ચહેરો તપી ગયેલો લાગ્યો. આંખો લાલચોળ થઇ ગઈ હતી. દુકાનની આગળ બેય બેનરોના નાના નાના કટકા ચૂંથાયેલા હતા!! મને જોઇને કહ્યું.

“મને પછી ખબર પડી કે તમે આ લગાવ્યું છે  એટલે હું ગમ ખાઈ ગયો બાકી બીજો કોઈ માસ્તર હોતને તો આજ એના ટાંટિયા જ ભાંગી નાખ્યા હોત..આમાં તમારો તો વાંક જ નથી તમે સાવ નવા અને સોજા છો નક્કી આ આચાર્યના કામા છે એ ટાલ્યને તો હું એક દિવસ ધોળા દિવસે તારા નો દેખાડું તો મારા બાપના સોગંદ છે” કલ્પેશકુમાર નો અવાજ ધ્રુજી રહ્યો હતો.

હું કશું જ ના બોલ્યો. પેલા બેનરના કટકા છોકરાઓ પાસે લેવરાવીને મેં કચરાપેટીમાં નંખાવ્યા. કોઈ માણસ અત્યંત ગુસ્સે હોય ને ત્યારે એ કશું જ અને કોઈનું ના સાંભળે એટલે બને ત્યાં સુધી હું એવા માણસ ને એ વખતે તો ના જ વતાવું. હું ચુપચાપ નિશાળે આવતો રહ્યો. સ્ટાફના બીજા શિક્ષકો દૂર રહીને આ તમાશો જોતા હશે એવું મને લાગ્યું કારણકે હું વર્ગમાં ગયો ત્યારે પાછળથી એના હસવાનો અવાજ સંભળાતો હતો..!!

બે દિવસ હું પાનના કેબીને ના ગયો. સવારે કે સાંજે હું બહાર નીકળતો બંધ થઇ ગયો. રાતે હું જમીને હીરાવાડીમાં મારા રૂમની અગાશીમાં સુતો હતો ને ગોકળ ભાભા આવ્યા અને મને કીધું કે કુમાર આવ્યા છે અને તમને મળવા માંગે છે!! અને તરત જ કલ્પેશકુમાર આવ્યા એના હાથમાં વગડીયો માવો હતો હું ખાટલામાં બેઠો થયો અને આવો કીધું.. રાતના અગિયાર વાગવા આવ્યા હશે. કલ્પેશકુમાર ખાટલાની પાંગથે બેઠા અને મને  વગડીયો મસાલો આપ્યો..!! ગોકળભાભા નીચે જતા રહ્યા અને કલ્પેશકુમાર બોલ્યા.

“ બે દિવસ પહેલા જે બન્યું એ માટે હું દિલથી સોરી કહું છું માસ્તરભાઈ!! પણ તમારા આચાર્ય અને સ્ટાફના શિક્ષકોનુ મેં કશું જ બગાડ્યું નથી તેમ છતાં એ લોકો વરસમાં એક બે વખત આવી રીતે મને પજવે છે.. મારા વિષે પણ એણે તમને આડું અવળું ભરાવ્યું હશે.. મારી હિસ્ટ્રી પણ તમને સ્ટાફે કીધી હોય એવું પણ બને”

“ ના મને કોઈએ કહ્યું નથી. તમે સાચું નહિ માનો પણ હું નિશાળમાં લગભગ કોઈની સાથે કામ સિવાય બોલતો નથી. હું ભલો  ને મારા વર્ગખંડના બાળકો ભલા!! અને હું રહ્યો ભાષાનો શિક્ષક એટલે મને દેશની હિસ્ટ્રીમાં પણ રસ નથી એમાં તમારી હિસ્ટ્રી જાણીને મારે શું કામ!! હા એક બે વખત એક શિક્ષકે પૂછેલું કે કલ્પેશકુમાર તમારા ભાઈબંધ છે તો કાઈ એની વાત કરે છે તમને?? તમે એના વિષે કઈ જાણો છો ત્યારે મેં કીધેલું કે મને કોઈના વિષે જાણવામાં રસ જ નથી એટલે આવી વાત ફરી વાર મારી સાથે ના કરતા” બસ પછી મને કોઈએ કશું જ નથી કીધું કે મેં કોઈને પૂછ્યું પણ નથી.” મેં એમને આશ્વાસન આપ્યું.

“એટલે જ તમારી સાથે મારું મન મળી ગયું છે માસ્તર ભાઈ!! હું એક એવા સંજોગોમાંથી પસાર થઇ ગયો છું કે એમાં મારો એક તસુભાર પણ વાંક નથી.. સમાજમાં મારી ઠેકડી ઉડાડવામાં આવે છે..જે બાબત થી હું દૂર જાઉં છું તેમ તેમ આ લોકો એ મને યાદ દેવડાવવા માંગે છે.. હું આજે તમને મારી વાત કહેવા જ આવ્યો છું જેથી તમે મારા વિષે કોઈ અવનવો ખ્યાલ ના બાંધો.. વાત સાંભળ્યા પછી તમને ખાતરી થશે કે શા માટે મેં પેલા કન્યા કેળવણીના બેનરો ફાડી નાંખ્યા જે મારા ગલ્લાની બે ય બાજુ લગાવ્યા હતા!! તમારી પાસે સમય તો છે ને માસ્તર ભાઈ” મને પણ પેલી વાર કોઈનો ઈતિહાસ જાણવાની તાલાવેલી લાગી હતી એટલે મેં હા કીધી અને કલ્પેશભાઈ એ એની કરમ કહાણી શરુ કરી. અને હું સાંભળતો ગયો!!

“ મારું આ સસરાનું ગામ છે.. મારું મૂળ ગામ તો અહીંથી ત્રીસ કીલોમીટર દૂર છે.. એટલે જ અહી બધા મને કુમાર કહે છે.. જમાઈ હોય એને બધા કુમાર કહે છે આ  બાજુ… હું બાર ધોરણ જ ભણેલો છું. ઈતર વાંચનનો ખુબ જ શોખ એટલે નવલકથાઓ ખુબ જ વાંચેલી..એમાં ભણવાના ચોપડા વાંચવાના રહી ગયા પાસ તો થઇ ગયો પણ ટકા ખુબ જ ઓછા આવેલા એટલે મારા જ ગામમાં પાનની કેબીન શરુ કરેલી અને કમાવવા લાગ્યો. ગામમાં પણ કબીરા પાન સેન્ટર જ ગલ્લાનું નામ રાખેલું.. કલ્પના એટલે કે મારી પત્ની ને હું પહેલીવાર એક લગ્ન પ્રસંગમાં મળેલો.. એકદમ સુંદર અને રૂપાળી બસ એમ જ થાય કે રાત દિવસ જોયા જ કરું.. કલ્પનાને મેં જોઈ ત્યારે અશ્વીનીભટ્ટ ની નવલકથામાં આવતી આશકા , શશી , ઊર્જા અને સેના જેવી મને લાગી.. કલ્પના એટલી હદે રૂપાળી હતી કે વાત ના પૂછો!! નમણાઈની ફાટ બાંધી હોય એમ સુંદરતા!! એના પગ પણ એટલા રૂપાળા કે આપણને થાય કે ચાલને મહેંદી મૂકી દઉં!! બસ વાત જ ના થાય!! બોર્ન બ્યુટી વિથ બ્રેઈન!!  કલ્પના ખરેખર કલ્પનાતીત સુંદર અને રમણીય હતી. મેં મારા મામા ના દીકરાને વાત કરી.. કે કલ્પના મને ગમી ગઈ છે.. એણે આગળ વાત ચલાવી.. પણ મને કહે કે કલ્પનાનો ઈતિહાસ સારો નથી.. બહાર ગામ ના એક છોકરા સાથે બે મહિના પહેલા ભાગી ગઈ હતી અને એના માં બાપ એને પછી લઇ આવ્યા હતા એવી વાતો ગામમાં સંભળાય છે.. હું એ વખતે એના રૂપથી અંજાઈ ગયેલો એટલે મે એને એમ કીધું કે ગામડામાં દરેક રૂપાળી છોકરીઓ માટે આવી ખોટી વાતો ગામના છોકરા જ ફેલાવતા હોય છે એને બદનામ કરવા માટે ગામે ગામ આવું હોય છે ..!! કારણકે ગામની રૂપાળી છોકરીઓ એના હાથમાં આવે નહિ કે બહુ ભાવ દે નહિ એટલે એ બધા હારેલા યોદ્ધાની જેમ આવી વાતો ફેલાવતા હોય છે!! એટલે એ બધી જ વાતો ખોટી હોય.. મારું મન તો કલ્પનાની કલ્પનામાં ચોવીસ કલાક ખોવાયેલું રહેતું. છેવટે હું હિમત કરીને સીધો એના પિતાજી નાથાભાઈ ને મળ્યો અને બધી જ વાત કરી. નાથાભાઈ ઘડીક તો મારી સામે જોઈ રહ્યા અને કહ્યું. તમારા વડીલોને મોકલજો અમે આગળ વાત કરી લઈશું. મારા ઘરના સભ્યો આગળ પણ કલ્પનાની સાચી ખોટી વાતો આવી. એ લોકોની બહુ ઈચ્છા નહોતી એટલે વાત આગળ ના વધી. મેં એને ડાયરેક્ટ પૂછી જોયું!! કલ્પનાની ઈચ્છા હતી મારી સાથે ઘર સંસાર બાંધવાની. અમે એક દિવસ આઠમના મેળામાં ગંગાદેરી મળ્યા.

માસ્તર સાહેબ એ મારી જેમ સાહિત્યની શોખીન નીકળી.. હું નવલકથા અને વાર્તાનો માણસ એ શાયરી કવિતા અને ગઝલની રસિક.. આમ પદ્ય અને ગદ્ય બને ભેગું થઇ ગયું. એની ઈચ્છા આગળ ભણવાની હતી. બારમાં ધોરણમાં એને ૮૮ ટકા હતા..અંગ્રેજી અને ગુજરાતીમાં સહુથી વધુ માર્કસ તેમ છતાં એના મા બાપ એને ભણાવવા નહોતા માંગતા”

ક્લ્પેશકુમારે થોડું પાણી પીધું.. હું એમની આ યુનિક લવ સ્ટોરી સાંભળી રહ્યો હતો. કલ્પેશકુમારે  ગળું સાફ કરીને એણે ફરી વાતનો દોર આગળ લંબાવ્યો!!!

“કલ્પનાના પિતાજી નાથાભાઈ એ મને કહ્યું કે તમારા પિતાજીની બહુ ઈચ્છા નથી એટલે તમે બીજે ગોતી લ્યો.. પણ હું મારી વાતમાં અડગ રહ્યો. અને છેવટે અમે બને એ કોર્ટ મેરેજ કરી લીધા.

એના પિતાજીને ખાસ વાંધો ના આવ્યો. પણ મારા પિતાજીએ મને અલગ કરી દીધો..અમે બે ભાઈઓ હતા. સરખા ભાગે જમીન વેચી દીધી અમને.. મારા ગામમાં જ હું કલ્પના સાથે અલગ રહેવા લાગ્યો. મકાન મારા નાના ભાઈને આપી દીધું અને મારા માતા પિતા નાના ભાઈની સાથે રહેવા લાગ્યા. અમારો સંસાર સુખરૂપ ચાલવા લાગ્યો. અમારી ગામની શાળામાંથી કલ્પના પુસ્તકો લાવતી વાંચતી કવિતા અને ગઝલો લખતી અને મને સંભળાવતી!! એની આંખોમાં જોઇને મને થતું કે કલ્પનાને આગળ ભણાવવી જોઈએ.. આ યુગ સ્ત્રીને પુરુષ સમોવડી બનવાનો છે.. હું કન્યા કેળવણીમાં ખુબ જ માનતો.. મને એક થયું કે હું સમાજમાં દાખલો બેસાડું અને મારી પત્નીને ભણાવું. એની આંખોમાં જોઇને મને થતું કે આ પંખી મુક્ત ગગનમાં વિહરવા ઈચ્છે છે તો મારે એને સહાયરૂપ થવું જોઈએ!! . કલ્પના પાસે મેં ઘરે બેઠા કોલેજ કરાવવાનું   નક્કી કર્યું. કલ્પના રાજીના રેડ થઇ ગઈ. એની આંખોમાં આંસુ આવી ગયાં. એ બોલેલી કે આવો પતિ તો ભાગ્યશાળીને જ મળે..!! એને વાંચવામાં ખલેલ ના પડે એટલે ઘરમાં રસોઈ કામ પણ હું જ કરતો.. કપડા પણ હું જ ધોતો.. બસ એને કોઈ તકલીફ ના થવી જોઈએ..એના અભ્યાસમાં કોઈ બાધા ના આવવી જોઈએ. મારા પિતા અને ભાયુંને ખબર પડી એ મને ખીજાણા કે આ શું ભવાડા આદર્યા છે?? આબરૂના કાંકરા કરવા બેઠો છો..!!! હવે તારે એને ભણાવીને ક્યાં છાપરે ચડાવવી છે?? હું એને કહેતો કે તમે કઈ સદીમાં જીવો છો?? આ તો ઈન્ટરનેટ નો યુગ આવી ગયો છે..સુનીતા વિલિયમ્સ છેક અવકાશમાં જઈ આવી અને મારી કલ્પનાને હું રસોડામાં રાખું એ કોઈ કાળે નહિ બને..!! એનામાં તાકાત છે શિક્ષણની ચિનગારી છે એ હજુ જ્યોત સ્વરૂપે જ છે એને હું ભડકા સ્વરૂપે બહાર લાવીશ..!! આજુબાજુના ચાળીશ ગામડા મોમાં આંગળા નાંખી જશે એવી સિદ્ધિઓ કલ્પના લાવશે.. અને થયું પણ એવું જ એ બીએમાં યુનીવર્સીટી પ્રથમ આવી.. આગળ હવે એને એમ એ કરવું હતું. પણ એમ એ એને રેગ્યુલર કરવું હતું..!! એણે રેગ્યુલર એમ એ શરુ કર્યું. સવારમાં પાંચ વાગ્યે એ ઉઠી જાય.. નાહીને એ તૈયાર થાય ત્યાં સુધીમાં હું એના માટે નાસ્તો અને ચા સાથે એના માટેનું ટીફીન  તૈયાર કરી નાંખું.. સાત વાગ્યે એની બસ આવતી. એ મને સવારમાં જતી વખતે વળગી પડે એની આંખોમાં એક મારા પ્રત્યે અહોભાવ હતો… સાંજે આઠ વાગ્યે બસ આવતી એમાં એ આવે.. સાંજની રસોઈ તૈયાર હોય એ જમી લે.. દિવસે મેં જે એના અને મારા કપડા ધોયા હોય એને એ ઈસ્ત્રી કરી નાખે!! પછી એ થોડુક વાંચે અને પછી સુઈ જાય!! બે વરસ સુધી એણે સખત મહેનત કરી.. એ એમ એ માં પણ યુનીવર્સીટી પ્રથમ આવી. હવે એની ગઝલો અને ગીતો છાપામાં આવવા લાગ્યા. એ મને બધું સમજાવતી કે ગીત છટકલ અને અષ્ટકલ લયમાં મોટે ભાગે હોય… ગાગાગા ની છ જોડ બને.. ગઝલમાં કાફિયા અને રદીફ મહત્વના ગણાય..સોનેટમાં ૧૪ લીટી હોય..!! જયારે મિસરા પર દાદ આવે ત્યારે સમજવું કે તમારી ગઝલ શ્રેષ્ઠ છે.. મને એમાં કઈ ખબર ના પડે પણ એની વાતો હું સાંભળ્યા કરતો.. એ સાહિત્યમાં ખોવાઈ જતી હું એના રૂપમાં !! જ્યાં સુધી એનો સમગ્ર અભ્યાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે અમારા બાળક માટે પણ ના વિચાર્યું.. એણે નેટ અને સ્લેટની પરિક્ષાઓ એકીસાથે પાસ કરી!! અને જ્યાં ભણતી હતી ત્યાં હંગામી નોકરી મળી ગઈ અને અમારા આનંદ નો પાર ના રહ્યો.. રસોડામાંથી એક નારીને મે લેકચરર સુધી પહોંચાડી હતી એનો આનંદ હતો” કહીને કલ્પેશકુમાર સહેજ અટક્યા અને વળી આગળ વાત શરુ કરી..

“ બસ પછી મારી લોઢાના પાયે પનોતી બેઠી. કલ્પનાના કહેવા પ્રમાણે મેં મારી ગામડાની જમીન વેચીને શહેરમાં એક મકાન લીધું. એક દુકાન લીધી.. દુકાન નું નામ રાખ્યું કલ્પના પાન સેન્ટર..!! મકાન અને દુકાન બે ય કલ્પનાના નામના દસ્તાવેજ કરાવ્યા. કારણ કે તમે સ્ત્રીના નામે મિલકત લો અથવા એનો દસ્તાવેજ કરાવો તો તમને અમુક રાહત મળે એવો નવો કાયદો એ વખતે નીકળેલો એટલે મને વાંધો નહોતો.. એનો પગાર ઘણો આવતો એ પોતાના એકાઉન્ટ માં રાખતી અને મને કહેતી કે હવે આપણે બાળકનું વિચારવાનું છે આ જે રકમ મારા પગારની આવે છે ને એ આપણા બાળક માટેની છે..હું ખુબ  ખુશ હતો..એવા માં એને વલસાડ બાજુ એક કોલેજમાં સરકારી અને કાયમી નોકરી મળી ગઈ..એની સાથે કામ કરતા એક બીજા લેકચરર ને પણ ત્યાં નોકરી મળી ગઈ. એ લેકચરરની કારમાં જ એ ત્યાં હાજર થવા ગઈ અને મને કહેતી ગઈ કે પંદર દિવસ પછી હું આવીશ ને ત્યાર પછી આપણે વલસાડ મકાન રાખીશું. સામાન ફેરવીશું.. અહીનું મકાન અને દુકાન વેચી નાખીશું..ત્યાં તમારે ફક્ત ઘર અને આપણું આવનારું બાળક સાચવવાનું છે.. તમે મારા માટે ઘણું કર્યું છે..ઘણું દુખ વેઠયું છે હવે તમારા માટે સુખનો સુરજ ઉગ્યો છે.. એ પછી દોઢ મહીને પાછી આવી.. અને ધડાકો કર્યો કે મારે છૂટાછેડા જોઈએ છે.. હવે હું પ્રોફેસર છું.. તમારા અને મારા વિચારો સાથે જમીન આસમાનનો તફાવત છે.. તમારાથી હું તૃપ્ત નથી.. સીધી રીતે સહી કરી દો તો સારું બાકી દહેજ નો કેસ દાખલ કરીશ માર કૂટનો કેસ દાખલ કરીશ..

નારી  રક્ષણના કાયદા તો તમે જાણો જ છો ને!! એમ કહીને પોતે જ પોતાના ગાલ પહોર પોતાના નખ ભરાવ્યા.. લોહીના ટચીયા ફૂટી નીકળ્યાં અને એણે ધમાલ મચાવી.. આડોશી પાડોશી આવ્યાં..!! મને મારી છે મારો ચોટલો ખેંચ્યો છે.. હું નોકરી કરવા ગઈ હતી તો શંકા કરી.. મેં કેટકેટલું એનું રાખ્યું પણ તોય મને અપમાનિત કરી…. એક અબળાને મારી !! વગેરે વગેરે… હું આઘાતમાં ને આઘાતમાં કશું બોલી જ ના શક્યો.. હું જમીન પર ફસડાઈ પડ્યો.. મને છાતીમાં દુખાવો ઉપડયો હતો એટલું યાદ છે” કલ્પેશ કુમારની આંખમાં આંસુ હતા.. મેં એમની પીઠ પર હાથ ફેરવ્યો. સ્વસ્થ થઈને એ બોલ્યા.

“ભાનમાં આવ્યો ત્યારે હું હોસ્પીટલમાં હતો. પ્રથમ હાર્ટએટેક આવ્યો હતો એટલે વાંધો ના આવ્યો. મારા સસરા હોસ્પીટલમાં મારી સામે ઉભા હતા એણે મારું દવાખાનાનું બિલ ચુકવ્યું હતું. ત્રણ દિવસ પછી મને રજા આપવામાં આવી. આ ત્રણ દિવસમાં કલ્પનાએ મારું મકાન અને દુકાન જે એના નામે હતી એ કોઈકને વેચી મારી.. રોકડી કરીને એ એના વલસાડ ભેગી થઇ ગઈ હતી. પછી તો મને એ યુનિવર્સિટીમાંથી ઘણી વસ્તુઓ જાણવા મળી.. એ એમ એ માં રેગ્યુલર ભણવા આવી ત્યારે જ એને પ્રોફેસર સાથે સંબંધો શરુ થઇ ગયા હતા.  જે પ્રોફેસર સાથે એ કારમાં ગઈ હતી એની સાથે જ એ હવે લગ્ન કરવાની હતી. મને મારા સસરા અહી લઈ આવ્યા અને કહ્યું કુમાર હું તમને ના પાડતો હતો કે બીજું ગોતી લ્યો પણ તમે ના માન્યા.. પણ મૂંઝાશો નહિ.. મારી સાથે તમે રહો.. મારી જમીન હું તમારે નામે કરી દઉં છું.. અને પછી આ પાન નો ગલ્લો કર્યો કબીરા પાન સેન્ટર અને જીવું છું.. બે મહિના પછી મારી પર એક નોટીસ આવી એમાં છૂટાછેડાના કાગળો હતા. કોર્ટમાં હું કલ્પનાને છેલ્લી વાર મળ્યો. મારે આગળ કોઈ કેસ ચલાવવો જ નહોતો.. છેલ્લી વાર મેં એને કહ્યું.

“ કલ્પના મેં જીવનમાં કોઈનું ખરાબ નથી કર્યું.. તને સાચા દિલથી ચાહું છું.. ચાહતો રહીશ.. મારો શું વાંક એ મને સમજાતું નથી પણ તોય એક વચન તને આપું છું કે જયારે પણ ભૂલ સમજાય.. તને કોઈ તરછોડે ને ત્યારે તું કોઈ પણ સંકોચ રાખ્યા વગર પાછી આવતી રહેજે..મારી કલ્પનામાં કલ્પના હમેશા જીવતી રહેશે.. હું તારા જ ગામમાં પાનનો ગલ્લો ચલાવું છું.. રાતે દસ વાગ્યાની બસમાં દરરોજ તારી રાહ જોઇશ.. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી રાહ જોઇશ!! બેસ્ટ ઓફ લક!! સુખી થા” કહીને હું ચાલતો થયો…

બસ ત્યારથી માસ્તરભાઈ  દરરોજ દસ વાગ્યાની બસ આવે એની રાહ જોઉ છું પછી ગલ્લો બંધ કરું છું. એ અત્યારે વલસાડમાં છે.. એને હવે એવોર્ડ પણ મળવા લાગ્યા છે.. સ્ત્રી શક્તિનું એક રોલ મોડેલ ગણાય છે.. એની સફળતામાં મારા રોલનો એ ક્યાય ઉલ્લેખ નથી કરતી.. મારો રોલ કાઢી નાંખ્યો અને એ મોડેલ બની ગઈ”!! કલ્પેશકુમારે વાત પૂરી કરી મારી આંખમાં આંસુઓ હતા..

શું વાંક આ માણસનો હતો..?? એટલો જ ને કે એણે સમાજની ટીકા સાંભળીને પણ એની પત્નીને ભણાવી..??? એક ઘરના ઓરડામાંથી એક બંધિયાર વાતાવરણમાંથી એને મુક્ત ગગનમાં પહોંચાડી એટલોજને??

“બસ માસ્તર ભાઈ પેલા બેટી ભણાવો ના અને કન્યા કેળવણીના બેનર તમારા સ્ટાફ વાળા હાથે કરીને મારી કેબીને દર વરસે ચોંટાડીને ઘા પર મીઠું ભભરાવે છે એટલે તે દિવસે ગુસ્સે થયો હતો!!” કલ્પેશ કુમાર બોલ્યા અને ઉભા થયા. અમે અગાશીમાંથી દાદરા ઉતરતા હતા અને મેં પૂછ્યું.

“શું તમે હજુ એવું માનો છો કે કલ્પના કોઈક દિવસ બસમાંથી ઉતરશે”??

“આખી રાત એનું ચિતવન કરું છું સાહેબ.. મેં એક પુસ્તક વાંચેલું “ધ સિક્રેટ” એમાં એમ કહેલું કે સાચા મનથી તમે જે ચિતવન કર્યા કરો ને તો આખું બ્રહ્માંડ એની શક્તિ દ્વારા એ વસ્તુને તમારી સુધી લાવ્યે જ છૂટકો કરે!! હવે જોઈએ છીએ કે કોણ જીતે છે મારી વફાદારી કે એની બેવફાઈ???!  કહીને કલ્પેશકુમાર દાદરા ઉતરી ને ડેલા તરફ જતા રહ્યા.. અને હું એક અલગારી પ્રેમીને અહોભાવથી નીરખી રહ્યો હતો!!!!

 • લેખક :- મુકેશ સોજીત્રા

 • ૪૨ , “હાશ”  શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ

 • મુ.પો ઢસા ગામ
 • તા. ગઢડા જી. બોટાદ ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.