ખબર

જૂનાગઢમાં તંત્રની બેદરકારીએ ગયો પરિવારના મોભીનો જીવ, રોડ પર ખોદેલા ખાડામાં બાઈક લઈને પડી જતા થયું મોત

તંત્રની ઘોર બેદરકારીને લીધે ઘરના મોભીનો જીવ ગયો, ખાડામાં બાઈક સાથે પટકાતા યુવાનનું કરુણ મોત- જુઓ તસવીરો વિગતવાર

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે. તો ઘણીવાર અકસ્માતના એવા મામલા પણ સામે આવે છે જેમાં તંત્રની બેદરકારીના કારણે કોઈનો જીવ પણ ચાલ્યો ગયો હોય. ત્યારે હાલ એવો જ એક મામલો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જેમાં તંત્ર દ્વારા ખોદેલા ખાડામાં પાડવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ શહેરની અંદર ભૂગર્ભ ગટર અને ખાનગી કંપનીની ગેસ લાઈનનું કામકાજ ચાલતું હોવાના કારણે અનેક વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવ્યા છે. ત્યારે ગત 25 ફેબ્રુઆરીના રોજ ખામધ્રોળ રોડ પર કપલપી નગર પાસેથી 35 વર્ષીય યુવાન રાજેશ રાઠોડ પોતાની બાઈક લઈને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો આ દરમિયાન જ તે તંત્ર દ્વારા ખોદેલા ખાડાની અંદર ખાબક્યો હતો.

ઘટનાની જાણ આસપાસના લોકોને થતા યુવકને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો, ત્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો. જ્યાં 27 ફેબ્રુઆરીના રોજ યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે પરિવારે તંત્રને જવાબદાર ગણાવ્યુ છે. તેમણે જણાવ્યું કે તંત્રની બેદરકારીના કારણે તેમના દીકરાનો જીવ ગયો છે આ ઉપરાંત જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી છે.

મૃતક રાજેશને એક આઠ વર્ષની દીકરી છે અને તે પરિવારનો મોભી હતો. તેના નિધન બાદ દીકરી અને પત્ની નોધારા બન્યા છે. ત્યારે આ મામલે હવે બહાનાબાજી પણ શરૂ થઇ ગઈ છે. તંત્ર દ્વારા દોષના ટોપલા એકબીજા માથે નાખવામાં આવી રહ્યા છે. મહાનગર પાલિકાના નાયબ કમિશ્નર દ્વારા જણાવ્યું કે આ કામ વૉટર વર્ક શાખા અને ભૂગર્ભ ગટર યોજનાનું છે. જયારે પાણી પુરવઠા બોર્ડના ઇજનેરે કોન્ટ્રાકટરની ભૂલ ગણાવી તપાસ કરવાની બાંહેધરી આપી છે.