અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

પાકિસ્તાન ભાગી ગયેલા જૂનાગઢ નવાબના પરિવારની હાલત આવી થઈ છે! વાંચો આખો ખુલાસો

‘સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માંગતા શેરીએ!’

બહેરામજી મલબારીની આ પંક્તિ અહીં ટાંકી છે જૂનાગઢના છેલ્લા નવાબ મહોબતખાન ત્રીજાના પરીવારની પાકિસ્તાનમાં થયેલી દુર્દશા માટે. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી એ સાથે અંગ્રેજો અને અમુક વિકૃત દિમાગી વ્યક્તિઓની ધર્માંધ ચાલબાજીને લીધે દેશ બે ટૂકડે વહેંચાયો પણ ખરો. જતા જતા અંગ્રેજોએ એવું પણ પાસું ફેઁક્યું કે લગભગ ૫૬૦ જેટલી અખંડ ભારતની રિયાસતો પૈકી જેને ભારતમાં રહેવું હોય તે ભારતમાં રહે, પાકિસ્તાનમાં જોડાવું હોય તે પાકિસ્તાનમાં જોડાય અને સ્વતંત્ર રહેવું હોય તે સ્વતંત્ર રહે!

જો કે, સરદાર પટેલની સમજાવટ નીચે મોટાભાગનાં રજવાડાંઓ ભારત સાથે વિલય કરવા સંમત થયાં પણ અમુક આડખીલીઓ બનીને ઊભાં પણ રહ્યાં! એમાંનું એક રજવાડું એટલે જૂનાગઢ. જૂનાગઢની ઇચ્છા પાકિસ્તાનમાં ભળવાની હતી. ભૌગોલિક રીતે અને સુરક્ષાત્મક દ્રષ્ટિએ આવું બને તે ભારતને કદાપિ પોસાય તેમ નહોતું. વળી, જૂનાગઢની લગભગ પ્રજા હિન્દુ હતી અને તે આ મુસ્લિમ નવાબના ફેંસલાની તદ્દન વિરુદ્ધ હતી.

દીવાનથી દરબારમાં અંધારું છે ઘોર!
જૂનાગઢના બાબીવંશી છેલ્લા નવાબ મહાબતખાન ત્રીજાનો રાજકારભાર ખરેખર તો એનો વજીર શાહનવાઝ ભુટ્ટો અને નવાબની ભોપાલવાળી બેગમ જ ચલાવતા. નવાબ માત્ર કઠપૂતળી બનીને રહી ગયેલ. દીવાન શાહનવાઝ ભુટ્ટોને પાકિસ્તાનનું અવિચારી સર્જન કરનાર મહંમદ અલી ઝીણાની દોરવણી હતી, લાલચ હતી. પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન બનેલ લિયાકત અલી ખાન અને ઝીણા સાથે તેનો પત્રવ્યવહાર હતો.

નવાબને અનેક ડાહ્યા માણસોએ સમજાવ્યો હતો. પણ કઠપૂતળી તો મદારી નચાવે એમ જ નાચવાની! એટલે ભોપાલી બેગમ અને વજીર શાહનવાઝ ભુટ્ટોનું જ ધાર્યું થતું. નવાબ સીધી સમજાવટથી ન માન્યો. આખરે ‘આરઝી હકૂમત’ની રચના થઈ અને ભારત સરકારે ફોજ મોકલી. ભારતની આ ‘લે બોધો ને કર સીધો’ની નીતિ જોઈ નવાબ ડરી ગયો. જૂનાગઢ મૂકીને એક દિવસ કેશોદ એરપોર્ટ પરથી પાકિસ્તાન નાસી ગયો. જૂનાગઢ ભારતમાં ભળ્યું.

હાલ નવાબના વંશજો પાકિસ્તાનમાં શું કરે છે?
પાકિસ્તાનમાં હાલ નવાબ મહાબતખાનની ત્રીજી પેઢી વસે છે. એ વંશજોનું પાકિસ્તાની મીડિયામાં આપેલું બયાન જ કહી દે છે કે હાલ તેમની હાલત કેવી છે. કરાંચી શહેરમાં રહેતા મુહમ્મદ જહાંગીર ખાન કહે છે, કે જો આવી ખબર હોત તો અમે કદી પણ પાકિસ્તાન ના આવત!

નોકરથી પણ ઓછું વેતન મળે છે!
મોટા ઉપાડે પાકિસ્તાન આવેલા નવાબના વંશજોની હાલત જોઈને ઠરી જવાય એવું છે. એક સમયની રોયલ રજવાડી ફેમિલીનો અહીઁ હવે કોઈ ભાવ પણ પૂછતું નથી! ખુદ સરકારે પણ તેમને નજરઅંદાજ કર્યાં છે. તેમના વંશજ કહે છે, કે અમે ઘણીવાર પાકિસ્તાનની સરકારને યાદ અપાવ્યું છે કે પાકિસ્તાન બનાવવામાં અમે પણ ઘણી જદ્દોજહદ કરી છે. અમે પણ ખુન-પસીનો એક કર્યો છે. કંઈક કદર અમારી પણ કરો! પણ હવે આ લોકોની કોઈ સાંભળતું નથી. આજે તેમને સરકાર તરફથી જે સલિયાણું મળે છે તે આટલું છે : ૧૬,૦૦૦ પ્રતિ મહિનો!

નવાબની નાલેશી, ભુટ્ટોનો ભભકો!
એક તરફ જૂનાગઢ નવાબનો પરિવાર પાકિસ્તાનમાં તરછોડાયેલ કહી શકાય તેવી હાલતમાં છે તો બીજી તરફ નવાબના દીવાન શાહનવાઝ ભુટ્ટોનો પરિવાર તો પાકિસ્તાનમાં આવીને રાજકારણમાં નામ કાઢી ગયો છે. શાહનવાઝ ભુટ્ટોના દીકરા ઝુલ્ફિકાર ભુટ્ટો પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનેલા. એમના દીકરી બેનજીર ભુટ્ટો પણ પ્રધાનમંત્રી રહી ચૂકેલ છે. બિલાવલ ભુટ્ટો પણ પાકિસ્તાનના રાજકારણમાં જાણીતો ચહેરો છે.

આમ, જૂનાગઢના નવાબી પરિવારની સ્થિતી આજે પાકિસ્તાનમાં ‘બહોત પછતાયે સનમ!’ જેવી છે. ઘણીવાર તેઓ એવો મુદ્દો પણ ઉઠાવે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં જૂનાગઢનો મુદ્દો હજુ પૂરેપૂરો ઉકેલ્યો નથી. પણ હવે એ બધું થઈ રહ્યું અને હવે જૂનાગઢ વિશે કોઈથી ‘ચૂં’ થાય એમ નથી એ હક્કીકત છે!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.