જૂનાગઢ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બસ સ્ટેશન નજીક આવેલી સત્યમ હોટેલના 9 નંબરના રૂમના બાથરૂમમાંથી પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક પરિણીતાએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. મૃતક મહિલા સાથે રામજી ચૌહાણ નામનો શખ્સ હોટેલમાં હતો. સમગ્ર બનાવને લઈ મૃતકના પતિએ ફરિયાદ નોંધાવી છે.
ટ્યુશન માટે જવાનું કહીને ઘરેથી નીકળી
મહિલાના પતિ અશ્વિનભાઈ પંચોલીએ જણાવ્યું કે, તેઓ ઓફિસેથી પોતાના ઘરે ગયા તે સમયે તેમના પત્ની જોવા ન મળતા તેમના દીકરાને પૂછતાં બહાર ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી અશ્વિનભાઈએ તેમની પત્ની નિશાબેનને ફોન કરતા “ટ્યુશન માટે મળવા ગઈ છું”, કહી ફોન કટ કરી નાખ્યો હતો. જેથી ફરીવાર ફોન કર્યો પણ તેમણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યારબાદ વારંવાર ફોન કરતા ત્રણ વાગ્યાની આસપાસ એક શખ્સે ફોન ઉપાડ્યો હતો. જેમાં સામેથી પુરુષનો અવાજ આવ્યો અને કહ્યું કે, “હું રમેશ બોલું છું અને નિશાએ સત્યમ હોટેલમાં ઝેરી દવા પી લીધી છે. જેથી તમે અહીં આવી જાવ”.
રૂમમાંથી આવી ભયંકર દવાની વાસ
આ ફોન આવતા અશ્વિનભાઈ તેમના સાળા સાથે હોટેલ પહોંચ્યા હતા. અન્ય રૂમની માસ્ટર ચાવીથી રૂમ ખોલતાંની સાથે જ રૂમમાંથી ભયંકર દવાની વાસ આવતી હતી અને રૂમમાં તેમની પત્ની જોવા મળી ન હતી. આથી બાથરૂમમાં તપાસ કરતા મહિલાના મોઢામાંથી ફીણ નીકળેલી હાલતમાં જોવા મળ્યા હતા. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરે નિશાબેન પંચોલીને મૃત જાહેર કર્યા હતા. બનાવને લઈને પોલીસે પતિનું નિવેદન લઈ તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવને લઈને મૃતકના પતિએ રમેશ ચૌહાણ નામનો શખ્સ પત્નીને હેરાન કરતો હતો. ઘટના સ્થળ પર પણ તેણે ફોન ઉપાડ્યો હોય તેમજ અમે પહોંચ્યા તે પહેલા ત્યાંથી નાસી છૂટ્યો હોવાને લીધે આત્મહત્યા કરી કે પછી હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી.