સૌ પ્રથમવાર જૂનાગઢમાં ગ્રીન કોરિડોરથી બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું કરવામાં આવ્યુ દાન, બે કિડની અને લિવર કરાયા દાન

જૂનાગઢના ઇતિહાસમાં પહેલી વાર ગ્રીન કોરિડોર: મગનભાઇ ગજેરાના મગજની નસ ફાટતા મૃત્યુ થયું, બે કીડની અને એક લીવર અમદાવાદના દર્દીઓ માટે…

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી અંગદાનના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.  ઘણીવાર કોઇ વ્યક્તિને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે છે અને તેના પરિવારને ડોક્ટરો કે કોઇ સામાજિક સંસ્થા દ્વારા અંગોનું દાન કરવા માટે સમજાવવામાં આવે છે. સોશિયલ મીડિયા થકી પણ લોકોને ઓર્ગન ડોનેટ કરવા માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાંથી અત્યાર સુધીમાં 62 જેટલા ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા છે. સુરતમાંથી પણ અનેક આવા કિસ્સાઓ સામે આવે છે. પરંતુ હાલ જૂનાગઢમાંથી પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

જૂનાગઢમાં પહેલીવાર બ્રેઇનડેડ વ્યક્તિના શરીરના અંગનું દાન કરવામાં આવ્યુ છે. જૂનાગઢથી કેશોદ સુધી બ્રેઇનડેડ વ્યક્તિના અંગોને લઇ જવા ગ્રીન કોરિડોર જાહેર કરવામાં આવ્યો છે. વંથલિના રવની ગામના 66 વર્ષિય મગનભાઇ ગજેરાના મગજની નસ લગભગ સાતેક દિવસ પહેલા ફાટી ગઇ હતી અને જેને કારણે તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા.  જો કે, તેમની સ્થિતિ બગડી રહી હતી અને તેમના મગજે રિસ્પોન્સ આપવાનું બંધ કરી દીધુ હતુ, જે બાદ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

જે બાદ ડોક્ટર દ્વારા તેમના પરિવારને અંગદાન અંગે વાત કરવામાં આવી હતી અને પરિવારની સંમતી બાદ કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યુ હતુ. જે બાદ અંગોને અમદાવાદ સુધી પહોંચવવા માટે જૂનાગઢથી કેશોદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી ઝાયડસ હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં પ્રથમ વખત તંત્ર દ્વારા ગ્રીન કોરિડોર ઊભો કરવામાં આવ્યો હતો અને 350 કિમીનું અંતર 118 મિનિટમાં કાપવામાં આવ્યુ હતુ.

તેમજ જરૂરિયાતમંદ દર્દી સુધી અંગો પહોંચાડવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. પરિવારે લીધેલા અંગદાનના નિર્ણય બાદ સમયસર બ્રેઇનડેડ વ્યક્તિના અંગો અમદાવાદ સુધી પહોંચે તે માટે જિલ્લામાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા પોલીસે ગ્રીન કોરિડોર અમલી બનાવ્યો હતો, જેમાં જૂનાગઢની ખાનગી હોસ્પિટલથી લઈને કેશોદ એરપોર્ટ સુધીના 50 કિમીના માર્ગમાં એમ્બ્યુલન્સને પોલીસ જીપોનું આગળ-પાછળ પાયલોટિંગ આપવામાં આવ્યું હતું. પોલિસતંત્રએ આ ઉમદા કાર્યમાં ખૂબ જ સાથ સહકાર આપી અંગોને અમદાવાદ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોડ અકસ્માતને કારણે બ્રેઇનડેડ થયેલ 50 વર્ષિય જસુજી ઠાકોર કે જે ગાંધીનગરના છે તેમના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવરનું દાન મળ્યું. જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં હ્યદયને ગ્રીનકોરિડોરની મદદથી પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું છે.

જૂનાગઢના કેશોદના વૃદ્ધ ખેડૂતના ત્રણ અંગો (લીવર અને બે કિડની) ડો. આકાશ પટોળિયાની રિબર્થ આઇસીયુ હોસ્પિટલ ખાતેથી ઓપરેશન બાદ એર એમ્બ્યુલન્સ દ્વારા કેશોદથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જૂનાગઢમાં પ્રથમવાર ગ્રીન કોરિડોર થકી અંગોને અમદાવાદ સુધી લવાયા હતા.ડો.આકાશ પટોળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઓર્ગન ડોનેશન માટે બપોરના અમદાવાદ સ્થિત ઝાયડેસ કેડીલા હોસ્પિટલના ડો.અંકુર વાગડીયા સહિતની તબીબોની ટીમ રિબર્થ આઈસીયુ હોસ્પિટલ ખાતે આવી હતી અને બપોરના બે વાગ્યે ઓર્ગન ડોનેશન માટે ઓપરેશન શરૂ થયા અને ઓપરેશન બાદ બપોરના 3.30 કલાકે ઓર્ગન જૂનાગઢથી ગ્રીન કોરીડોર મારફત કેશોદ જવા રવાના કરાયેલ દર્દીનું લીવર અને બે કિડની સમય મર્યાદામાં જૂનાગઢથી અમદાવાદ પહોંચી શકે તે માટે ગ્રીન કોરીડોરની આવશ્યકતા હતી.

આ અંગેની જાણ કરવામાં આવતા એસપી રવિ તેજા. વાસમશેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરીડોર, ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.કેશોદથી એર એમ્બ્યુલન્સ દ્વારા મગનભાઈ ગજેરાનું લીવર અને બે કિડની અમદાવાદ લઈ જવાયું હતું. અને ત્યાં તેનું અન્ય વ્યકિતમાં આરોપણ કરી તેમને નવી જીંદગી આપવામાં આવશે. આમ જૂનાગઢમાં પ્રથમવાર ઓર્ગન ડોનેશન માટે બપોરના ગ્રીન કોરીડોર ખાતે ડો.આકાશ પટોળીયાએ જણાવ્યું હતું.

Shah Jina