જૂનાગઢની આ શાળાએ શિક્ષકોનું કર્યું અનોખું સન્માન, ભેટમાં આપી કાર, સ્કૂટી જેવી લાખો રૂપિયાની વસ્તુઓ, શિક્ષકો પણ થયા ખુશ ખુશાલ…જુઓ તસવીરો

કોઈ મોટી કંપનીએ નહિ પરંતુ જૂનાગઢની આ સ્કૂલે આપી પોતાના શિક્ષકોને મોંઘી દાટ કાર ભેટમાં, 61 શિક્ષકોનું તેમના કામ માટે કર્યું સન્માન… જુઓ તસવીરો

ગુજરાતની અંદર ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ છે અને પ્રાઇવેટ શાળાઓમાં મોટી ફી વસૂલવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. તો બીજી તરફ પ્રાઇવેટ શાળામાં કામ કરનારા શિક્ષકોને પણ ઓછો પગાર મળતો હોવાની ફરિયાદો પણ વારંવાર સાંભળવા મળતી હોય છે.

ત્યારે હાલ જૂનાગઢમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને તમે પણ કહેશો કે નોકરી તો આવી સ્કૂલમાં જ કરાય. તમે અત્યાર સુધી એવું સાંભળ્યું હશે કે મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને લાખો રૂપિયાની ભેટ આપતી હોય છે. પરંતુ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ શાળાએ પોતાના શિક્ષકોને લાખોની ભેટ આપી હોય.

ત્યારે આ કામ કરી બતાવ્યું છે જૂનગાઢની આલ્ફા વિદ્યા સંકુલે. જેના સંચાલક જીજ્ઞેશ નકુમ અને કેમ્પસ ડાયરેક્ટર હાર્દિક સોનીએ તેમની જૂનાગઢ અને મેંદરડા શૈક્ષણિક સંકુલના 61 શિક્ષકોને 1 કરોડની ભેટ આપીને તેમને સન્માનિત કર્યા છે, આ ભેટ ફક્ત જુના શિક્ષકોને જ નહિ પરંતુ નવા શિક્ષકોને પણ આપવામાં આવી.

સંકુલ દ્વારા આપવામાં આવેલી ભેટમાં હ્યુન્ડાઇ ક્રેટા, ટાટા અલ્ટ્રોઝ, મારૂતિ અલ્ટો, 4 હોન્ડા એક્ટિવા, 18 હીરો સ્પલેન્ડર, 8 એચપી લેપટોપ, 3 આઇફોન અને 25 માઇક્રોવેવ ઓવન જેવી વસ્તુઓ હતી. સંચાલક દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું કે આ શિક્ષકો થકી જ અમારા અનેક વિદ્યાર્થીઓએ સંસ્થાનું નામ રોશન કર્યું છે. જેના કારણે આ વખતે અમારા વાર્ષિકોત્સવ નિમિત્તે અનારબેન પટેલની ઉપસ્થિતિમાં અમારા શિક્ષકોને કુલ 1 કરોડનાં ઇનામો આપવામાં આવ્યા હતા.

Niraj Patel