કૌશલ બારડ દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક લેખકની કલમે

જાણો સોમનાથ મંદિરની સામે જ આવેલા ‘જૂના સોમનાથ’નો અજાણ્યો ઇતિહાસ – બંધાવ્યું હતું એક વીરાંગનાએ!

પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થતા જ શિવનો મહિમા ગાવાની શરૂઆત થઈ જાય છે. ભારતભરમાં શિવજીના ગામેગામ આવેલા મંદિરોમાં શિવલીંગના પૂજન-અર્ચનની અદ્ભુત દોડધામ જામે છે. એમાંયે સોમનાથ મહાદેવના મંદિરની તો શી વાત કરવી? ૧૨ જ્યોતિર્લીંગમાંનું પ્રથમ હોવાને લીધે તેનું માહાત્મય કંઈક વધારે જ છે. શ્રાવણ મહિનો હજુ શરૂ ના થયો હોય ત્યાં જ યાત્રાળુઓની ભીડ જામવા માંડે છે. ગર્ભગૃહમાં આવેલ સુવર્ણજડિત શિવલીંગના દર્શન કરીને ભાવિકો ધન્ય બને છે.

Image Source
  • જૂના સોમનાથ: ઓછું જાણીતું પણ સત્યને સંઘરી બેઠેલું મંદિર —

આમ તો ભગવાન સોમનાથના દર્શનને માટે વર્ષના કોઈ પણ દહાડે યાત્રાળુઓનો ધસારો હોય જ છે, પણ શ્રાવણ મહિનામાં આ આંકડો સેંકડોને આંટી જાય છે. લોકો સોમનાથના ભવ્યાતિભવ્ય મંદિરને નિહાળીને અભિભૂત થાય છે અને ગર્ભગૃહમાં આવેલ ઊર્જાના પરમસ્રોત જેવા શિવલીંગના દર્શન કરી કૃતાર્થ થાય છે. પણ બહારથી અહીં આવતા બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે કે, સોમનાથના મુખ્ય મંદિરથી થોડે દૂર અથવા કહો કે સામે જ, પૂર્વ દિશામાં ‘જૂના સોમનાથ’ તરીકે ઓળખાતું એક અન્ય મંદિર પણ છે!

સ્થાનિક લોકો ભગવાન સોમનાથના મુખ્ય મંદિરમાં દર્શન કરીને ચોક્કસ પણે સામે જ આવેલા જૂના સોમનાથના મંદિરમાં દર્શન કરવા જાય છે પણ બહારથી આવતા યાત્રાળુઓને સોમનાથ મહાદેવના મુખ્ય મંદિર સિવાય આ મંદિર વિશે જાજો ખ્યાલ નથી હોતો. આથી તેઓ મહાદેવના આ અપૂર્વ મંદિરના દર્શનનો લ્હાવો લેવાનું ચૂકી જાય છે.

Image Source
  • અહલ્યાબાઈએ બંધાવ્યું હતું આ મંદિર —

વાસ્તવિક વાત એ છે, કે ખરેખર જૂના સોમનાથનું આ મંદિર જ એ સાચા સ્થાન પર છે જ્યાં સોમનાથ હજારો વર્ષથી અડીખમ છે! આજથી એકાદ સદી પૂર્વે અહીં જ સોમનાથનું મુખ્ય મંદિર હતું. તમને ખ્યાલ જ હશે કે, સોમનાથ મંદિર પર થયેલા મુસ્લીમ આક્રમણોનો સીલસીલો બહુ લાંબો ચાલ્યો. સિંધના આરબોએ પ્રથમ આક્રમણ મંદિર પર કર્યું એ પછી સોમનાથ સતત લૂંટાતું રહ્યું. ગઝનીનો મહેમૂદ, અલ્લાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મુઝફ્ફરશાહ બીજો, અહેમદશાહ પહેલો અને ઔરંગઝેબ સહિત અનેક આતતાયીઓએ મંદિરની સમૃધ્ધિ પર દાનત બગાડીને લૂંટ ચલાવી હતી. પુષ્કળ માત્રામાં મંદિરની સમૃધ્ધિને લૂંટી અને મહાદેવના પ્રાંગણમાં કત્લેઆમ ચલાવી હતી. ગઝનીના મહેમૂદે કરેલી લૂંટ અને કરેલા પિશાચી કુકર્મોની વાત ગમે તેવા સ્થિર બુધ્ધિના માણસને પણ વિચલિત કરી નાખે એવી છે.

Image Source

અહીં મુદ્દાની વાત એ કે, ૧૭૦૬માં સોમનાથ મહાદેવના મંદિરને છેલ્લી વાર ઔરંગઝેબે લૂંટ્યું, ધ્વસ્ત કરી નાખ્યું. એ પછી સોમનાથ ખંડેર થયું અને મુગલોની સત્તા પણ પાયમાલ થઈ ગઈ. એ પછી દેશમાં મુગલોનું જોર ઓછું થયું. મરાઠાઓએ મુગલોના સ્થાનકો પર કબજો લેવા માંડ્યો. ઇન્દોર પર હોલકરવંશી મહારાણી અહલ્યાબાઇ હોલકરનું શાસન આવ્યું. જેને સાક્ષાત્ દુર્ગાનો અવતાર કહી શકાય એવા આ મહારાણી હતાં. એનું સમગ્ર જીવન પૂજ્ય હતું. ચારેતરફ દુશ્મનોના ઘેરાવા વચ્ચે પણ એણે અપ્રતિમ કુશળતા અને હિંમતથી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. દેશભરમાં એણે અનેક સખાવતો કરીને મંદિરો, ઘાટો, ધર્મશાળાઓ બાંધી હતી.

Image Source

અહલ્યાબાઈની સખાવતનું જ પરિણામ કે બેહાલ સોમનાથનો તેમણે પૂરી તાકાતથી જીર્ણોધ્ધાર કરાવ્યો અને ભગવાન મહાદેવની અપાર કૃપા મેળવી. ૧૭૮૭માં તેમણે મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને ભવ્ય મંદિર આકાર પામ્યું. એ પછી આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી આ મંદિર થોડે દૂર ભવ્ય એવા આજના સોમનાથનો શિલાન્યાસ થયો અને ૧૧-૫-૧૯૫૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે મહાઆરતી બાદ મંદિર વિધિવત્ રીતે ખુલ્લું મૂકાયું.

જૂના સોમનાથના મંદિરની ચારે તરફ દુકાનો અને એપાર્ટમેન્ટ આવેલા હોઈ જવા માંગતા લોકો એકવાર કોઈને પૂછી પણ શકે છે. પણ ખરેખર તો એ મંદિર મુખ્ય સોમનાથ પ્રાસાદની એકદમ સામે જ છે. અહીં સોમનાથ મંદિરની જેમ ઝેડ પ્લસ સિક્યુરીટી રાખવામાં આવેલ નથી. મંદિરનાં ગર્ભગૃહમાં આવેલ મહાદેવના શિવલીંગનું થાળું અનેક કિલો ચાંદીથી સુવર્ણજડિત કરાયું છે. લોકો હવે આ મંદિર માટે પણ પ્રશંસનીય દાન કરવા માંડ્યા છે.

Image Source

તો સોમનાથ જાઓ ત્યારે અવશ્યપણે જૂના સોમનાથની પણ મુલાકાત લેજો. અહલ્યાબાઈ હોલ્કર જેવી સ્ત્રી ભારતમાં બહુ જૂજ થઈ છે. એની મર્દાનગી અને મહાદેવ પ્રત્યેની એની ભક્તિ વિશેની વાતો ક્યાંય વાંચશો તો અહોભાવિત થઈ જશો. જય સોમનાથ!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.