ગુજરાત સહિત દેશભરમાંથી છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોત થવાના ઘણા મામલા સામે આવ્યા છે. ત્યારે હાલમાં જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં MBBSની વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકને કારણે મોત થયુ છે. રાજસ્થાનના જોધપુરના બીજેએસ વિસ્તારમાં રહેતી MBBSની વિદ્યાર્થિની અનિતાનું મિઝોરમમાં જોરમ મેડિકલ કોલેજમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. અનિતા નાગૌર મેડતાના તાલનપુરની રહેવાસી હતી. તેનો પરિવાર હાલમાં જોધપુરમાં રહે છે. અનિતા ડોક્ટર બનવાના સપના સાથે તૈયારી કરી રહી હતી.
તેની એમબીબીએસના અંતિમ વર્ષની પરીક્ષા 19 માર્ચે થવાની હતી, પણ તે પહેલા જ 8 માર્ચે તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થયું. અનિતા પોતાના ગામની પ્રથમ મહિલા ડોક્ટર બનવાની હતી. અનીતા 2018માં NEETમાં પસંદ થઈ હતી. તે એમબીબીએસ કરવા ગામડાથી મિઝોરમ ગઈ હતી. ફાઈનલ પરીક્ષા પૂરી થયા બાદ અનિતા જોધપુર આવીને ઈન્ટર્નશિપ કરવા માંગતી હતી. પરંતુ તેનું સપનું અધૂરુ જ રહી ગયુ.
ત્યારે અનીતાના મોત બાદ તેનો મૃતદેહ મિઝોરમની કોલેજથી 10 માર્ચે ગામમાં પહોંચ્યો હતો અને 11 માર્ચે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસોમાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા જ્યાં ફક્ત 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ હાર્ટ એટેક આવતા હતા, હવે 30 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો પણ તેનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ પણ ઘણું વધી ગયું છે.
સાયલન્ટ હાર્ટ એટેકને સાયલન્ટ ઇસ્કેમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સાયલન્ટ હાર્ટ એટેક આવે છે, ત્યારે તેના કોઈપણ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. સામાન્ય રીતે હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ જેવા લક્ષણો દેખાય છે, પરંતુ સાયલન્ટ હાર્ટ એટેકમાં વ્યક્તિ આ બધી બાબતો અનુભવે તે જરૂરી નથી.