કૌશલ બારડ લેખકની કલમે

જેના બચવાની ડોક્ટરોએ પણ આશા મૂકી દીધી એ દર્દીએ કોરોનાને માત આપી દીધી!

કોરોના વાઇરસને કારણે અત્યારે અમેરિકાની હાલત સૌથી વધારે ખરાબ છે. રોજ અહીં હજારોની સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે. આ લખાય છે ત્યાં સુધીમાં અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 10 લાખની પાર પહોંચી ગઈ છે અને મૃત્યુનો આંકડો 56  હજારથી વધી ગયો છે. એક સમયે અદ્યતન મેડિકલ સુવિધાઓ માટે દુનિયાભરમાં પંકાતું અમેરિકાનું મેડિકલ ફિલ્ડ હાલ ઘૂંટણીયે પડી ગયું છે.

જો કે, અમેરિકાના મૈસાચુ સેટ્સમાંથી એક ખરેખર નવાઈ લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોરોનાથી પીડાઈને મોતની ઘડીઓ ઘણી રહેલી વ્યક્તિ ચમત્કારિક રીતે જ બચી ગઈ છે. તમને પણ જાણીને નવાઈ લાગશે.

જ્યારે જિમના દેહને કોરોનાએ જકડી લીધો:

અમેરિકાના મૈસાચુસેટ્સ શહેરમાં રહેનાર જિમ બેલો વકીલ છે. ઉંમર ભલે અડધી સદી જેટલી થઈ ગઈ પણ શરીરે એકદમ સ્વસ્થ હતા. વિવિધ રમતોમાં ભાગ લઈને બોડીને એકદમ ફિટ રાખતા હતા. એમને કોઈ રોગ નહોતો.  કોરોનાએ જિમની હાલત બહુ ખરાબ કરી નાખી. માર્ચની શરૂઆતમાં તેમને સખ્ત તાવ આવવા માંડ્યો. દવાખાનામાં જિમને બચાવવા ડોક્ટરોએ પ્રયત્નો કરવા માંડ્યા. પૂરા 32 દિવસ સુધી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા.

જિમ બચે એવી શક્યતા બહુ ઓછી છે:

જિમનાં ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું. ડોક્ટરોએ ફેફસાંનો એક્સ-રે જોઈને વિચારી લીધું કે, હવે શક્યતાઓ બહુ ઓછી છે કે દર્દી ફરી બેઠો થાય. તેમને આર્ટિફિશિયલ હાર્ટ-લંગ મશીન પર રાખવામાં આવ્યા, જે ફેફસાં જેવું કામ આપે છે, પણ ક્યાં સુધી? આવું લાંબા સમય માટે શક્ય નહોતું.

ડોક્ટરોએ જિમની પત્ની કિમ બેલોને જણાવી દીધું કે, જો તમાળે સચ્ચાઈ જ જાણવી હોય તો સાંભળી લો કે જિમની બચવાની સંભાવના લગભગ નહીવત્ જેવી છે.

અમને તારી જરૂર છે:

પછી એક દિવસ ડોક્ટરોએ જિમને મળવા પત્ની કિમને બોલાવી. 15 મિનિટનો સમય આપ્યો. જિમના શરીર માટે તો એ સમય સૌથી કઠોર હતો. પત્ની કિમે તેની સાથે વાતો કરવા માંડી. તેમને કહેવા લાગી કે, જિમ, અમારા માટે તારે આ લડાઈ જીવતી પડશે. તારે હજુ આગળ વધવાનું છે, અહીંથી હારીને પાછું નથી જવાનું.

૧૫ મિનિટને બદલે ત્રણ કલાક સુધી કિમ બેલોએ જિમ સાથે વાતો કરી. તેમના પરિવાર વિશે, ત્રણ સંતાનો વિશે અને બીજી ઘણીબધી વાતો। વાતવાતમાં કિમ કહેતી જતી કે, તારો હાથ મેં પકડ્યો છે. તારે ઉઠવાનું છે.

આને ચમત્કાર ગણવો?:

અમેરિકાથી પ્રગટ થતા અને વિશ્વભરમાં ફેલાવો ધરાવતા ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારનો આ અહેવાલ છે. કિમ સાથે વાત કર્યા પછી આશ્વર્ય કહો કે યોગાનુયોગ પણ ત્રણ દિવસોમાં જિમનાં સ્વાસ્થ્યમાં ફેરફાર જણાયો. ડોક્ટરોને આશાનું કિરણ દેખાયું. ફેફસાંનો એક્સ-રે હવે પહેલાથી થોડો બહેતર પણ જણાયો. 14 એપ્રિલના રોજ તો જિમને વેન્ટિલેટરની પણ જરૂર ના પડી. હવે તે સ્વસ્થ થઈને ઘરે પણ પહોંચી ગયેલ છે.

તેમની સારવાર કરનાર ડોક્ટરનું કહેવું છે, કે કિમની હકારાત્મક વાતોની અસર જિમનાં શરીરમાં ઘણીબધી થઈ છે. આવાં પરિબળોને નજરઅંદાજ ના કરી શકાય.

આ મહામારી વચ્ચે આપણે પણ હકારાત્મક બનવાનો પ્રયત્ન કરીએ. હજાર હાથવાળો બેઠો છે એ બે હાથવાળાની ચિંતા કરે જ છે માટે વ્યર્થમાં મન પર ભાર આપ્યા વગર આનંદિત રહો, સચેત રહો અને ઘરમાં રહો.

Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.