હે રામ સૌથી મોટી દુર્ઘટના : મેડિકલ કોલેજના ચિલ્ડ્રન વોર્ડમાં લાગી આગ, 10 નવજાત બાળકો થયા જીવતા ભડથુ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં શુક્રવારે મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના NICUમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 10 બાળકો જીવતા ભડથુ થઇ ગયા, જ્યારે 16 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આગના કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા, પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને 37 જેટલા બાળકોને બારી તોડી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઝાંસીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, આગનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને હૃદયસ્પર્શી ગણાવી હતી અને ઘાયલોને સર્વોત્તમ સારવાર ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.

તેમણે ટ્વિટર પર લખ્યું, “ઝાંસી જિલ્લાના મેડિકલ કોલેજના NICUમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. જિલ્લાધિકારી અને સંબંધિત અધિકારીઓને યુદ્ધસ્તર પર રાહત અને બચાવ કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો છે. હું ભગવાન રામને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માઓને શાંતિ અને ઘાયલોને ઝડપથી સાજા કરે.”

મુખ્યમંત્રીએ ડિવિઝનલ કમિશનર અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (ડીઆઇજી) પાસેથી 12 કલાકમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. તેમની સૂચના પર ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને આરોગ્ય સચિવ પાર્થ સારથી સેન શર્મા મોડી રાત્રે ઝાંસી જવા રવાના થયા હતા. એસએસપીએ કહ્યું કે 16 ઘાયલ બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પણ આ આ દુર્ઘટના મામલે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

મેડિકલ કોલેજે જણાવ્યું કે, અકસ્માત સમયે 52 થી 54 બાળકોને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 10ના મોત થયા હતા અને 16ની સારવાર ચાલી રહી છે. વર્ષ 1968માં શરૂ થયેલી આ સરકારી મેડિકલ કોલેજ દેશની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે. બુંદેલખંડ વિસ્તારમાં ઘટના બાદ રાત્રે 1 વાગ્યા સુધીમાં બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ઘટના સાથે જોડાયેલા તમામ તથ્યોની તપાસ કર્યા બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

Shah Jina