ગુજરાતનાં આ ચમત્કારી હનુમાન મંદિરના દર્શન માત્રથી દુર થાય છે શનિ પનોતી, વાંચો અદભુત લેખ

0
Advertisement

આપણા દેશમાં હનુમાનજીના ઘણા ચમત્કારી મંદિરો આવેલા છે, જ્યા દર્શન માત્રથી જ તેમના ભક્તોની તકલીફો દૂર થઇ જતી હોય છે. ત્યારે આજે હનુમાનજીના એક એવા જ મંદિર વિશે વાત કરીશું કે જેના વિશે એવું કહેવાય છે કે ત્યાંના દર્શન માત્રથી શનિદેવની પનોતી નડતી નથી. આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે.
દક્ષિણ ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી લગભગ 10 કિલોમીટર દૂર હનુમાનજીનું એક પૌરાણિક મંદિર આવેલું છે. આ હનુમાન મંદિરને લોકો ઝંડ હનુમાન મંદિરના નામે ઓળખે છે. હનુમાનજીનું આ મંદિર અનોખો મહિમા ધરાવે છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે ભક્તો અહીં આવીને દર્શન કરે છે અને પૂજા આરાધના કરે છે. જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરમાં શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં જે લોકો શનેશ્વરી અમાસ અને શનિ જ્યંતિના દિવસે આવીને શ્રદ્ધા પૂર્વક એકવાર દર્શન કરી લે છે તો એમને જીવનમાં ક્યારેય શનિની પનોતીની અસર થતી નથી. એમના જીવનમાં આવતી બધી જ મુશ્કેલી હંમેશા માટે દૂર થઈ જાય છે.

Image Source

આ મંદિરના ઇતિહાસ મુજબ, આ જગ્યાએ હેડમ્બાવન હતું અને અહીં જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે આ વનમાં આવ્યા હતા. આ જગ્યા પર જ્યારે પાંડવો અને માતા કુંતી આવ્યા ત્યારે સૌથી તાકાતવાળો ભીમ જંગલમાં એમના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને હાથે દૂર કરી નાખતો હતો, જેથી ભીમને સૌથી શક્તિશાળી હોવાનું અભિમાન આવી ગયું હતું.
ત્યારે હનુમાનજી ભીમની શક્તિની પરીક્ષા કરવા માટે એક વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કરીને જંગલમાં જે રસ્તા પરથી ભીમ આવતો હતો એ રસ્તા પર વચ્ચે સુઈ ગયા, ભીમે તેમને વચ્ચેથી હટવા કહ્યું, પણ વાનરના રૂપમાં હનુમાનજી અહીંથી ન હટયા. ત્યારે ભીમને ગુસ્સો આવ્યો હતો અને તેને વાનરને ઊંચકીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પણ સો હાથીઓની તાકાત ધરાવતો ભીમ એક વાનરની પુંછ પણ હલાવી શક્યો ન હતો.

Image Source

એ સમયે ભીમને જ્ઞાન થયું હતું કે આ કોઈ બીજી જ મહાન શક્તિ છે. અને પછી ભીમે પોતાની ભૂલ સ્વીકારી ક્ષમા માંગીને પોતાના મૂળ સ્વરૂપમાં આવવા માટે વિનંતી કરી. પછી હનુમાનજી વાનરમાંથી પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને ભીમને દર્શન આપ્યા હતા. હનુમાનજીએ ભીમને કહ્યું કે તું તારી શક્તિનું અભિમાન ન કર, તું આ સંસારના નિર્બળ અને વૃદ્ધ લોકોની તારી તાકાતથી સેવા કરજે. અને વરદાન આપ્યું કે હું તમારા રાજ માટે જ્યારે કૌરવોની સામે યુદ્ધ લડવાનું થશે ત્યારે તારી સાથે હોઈશ, અને ત્યારથી આ વન હેડમ્બા વન તરીકે ઓળખાય છે.
એ પછી ભીમે જાતે અહી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. જે મુર્તિ આજે પણ તમને એ જંગલમાં જોવા મળશે. આ મૂર્તિ 12 ફૂટની છે. પૌરાણીક રીતે જોઈએ તો આ જગ્યાનું ઈતિહાસમાં ખૂબ જ મહત્વ છે. અને એટલે જ લાખો લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને ધન્ય થયાનો અહેસાસ પામે છે.
આ મંદિરમાં જે હનુમાનજીની મુર્તિ છે ત્યાં એ મૂર્તિના પગ નીચે શનિદેવ પોતે દબાયેલા છે. અને હનુમાનજીના પગ નીચે જે શનિદેવ છે તેમનું સ્વરૂપ પણ કાળાની જગ્યાએ સફેદ છે. આ જગ્યાએ હનુમાનજીએ ભીમ અને શનિદેવ બંનેનું અભિમાન ઓગાળ્યું હતું. અને હનુમાનજીએ શનિદેવને પોતાના પગ તળે દબાવી દીધા હતા. આ મંદિરે જો કોઈને શનિદેવની પનોતી કે શનિ ગ્રહની અસર નડતી હોય અને જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો માત્ર દર્શન કરવાથી જ શનિદેવની પનોતીમાંથી મુકત થવાય છે.

Image Source

એ પછી હનુમાનજીના સાનિધ્યમાં શનિદેવનું સ્વરૂપ આપોઆપ સફેદ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે વનવાસ દરમ્યાન પાંડવોએ અહીં વાસ કયો હતો અને આ જગ્યાએ અર્જુને પોતાના બાણથી બનાવેલો એક કૂવો પણ મૌજૂદ છે. જે દ્રૌપદીની તરસ છીપવવા કૂવો ખોદવામાં આવ્યો હતો.
આ હનુમાનજીના મંદિર પાસે એક પૌરાણિક શિવાલય અને હિંગળાજ માતાનું મંદિર પણ જોવા મળે છે. અહીં આરસના પથ્થરમાંથી કોતરેલા પગલાં પણ છે. પરંતુ આ સ્થળે પગદંડી દ્વારા ફક્ત ચાલીને જ જઈ શકાય છે.

Image Source

આ મંદિર પાસે હનુમાનજીને મુર્તિ ભગ્ન અવસ્થામાં પણ જોવા મળી છે, એટલે આ જગ્યાએ જાહોજલાલી હશે. અહીં પાલિયા પણ છે અને હાથમાં તલવાર અને ઘોડેસવારોની મૂર્તિઓ પણ છે. ઝંડ હનુમાન મંદિરથી થોડે આગળ જતા ભીમની ઘંટી કહેવાતી જગ્યા આવે છે, જ્યા વિશાળકાય ઘંટી જેવો પથ્થર જોવા મળે છે. કથાઓ અનુસાર, અહીંથી નજીક આવેલા ડુંગરના ઉપરના ભાગે એક મોટું ભોંયરું આવેલું છે, જે કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here