સરકારી ડોક્ટર બહાનું કાઢતો હતો, જયેશ રાદડિયાએ ડોક્ટરનો ઉધડો લીધો, બાવડું પકડીને લઇ ગયા અને ફરજનું ભાન કરાવ્યું

હાલમાં જ રાજકોટના જેતપુરના ગુંદાળામાં એક દુઃખદ ઘટના બની. અહીં એક સ્કૂલ બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે 9 વર્ષિય બાળકનું મોત નીપજ્યું. અકસ્માતની ઘટના બાદ વિદ્યાર્થિનીનું પીએમ કરવાનો ઇન્કાર કરનાર ડોક્ટરનો ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉધડો લીધો હતો અને તેઓ પીડિત પરિવારની પડખે રહ્યા હતા. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, બાળકી સ્કૂલ બસમાંથી ઉતરી ઘર તરફ જઇ રહી હતી ત્યારે બસની આગળથી જવાનો પ્રયાસ કરતા અને બસ ડ્રાઈવરને બાળકી આગળથી નીકળતી હોવાનો ખ્યાલ ન રહેતા તેણે બસ હંકારી દીધી હતી.

આ દરમિયાન બાળકી પરથી પહેલા બસના આગળના ટાયર અને પછી પાછળના ટાયર ફરી વળતા બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. અકસ્માત બાદ બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. અહીં ફરજ પર હાજર ડોક્ટર અને સુપ્રિટેન્ડન્ટ દ્વારા પીએમ કરવાની ના પાડી દેતા પરિવારજનો દ્વારા ધારાસભ્ય જયેશ રાદડિયાને રજૂઆત કરતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ડોક્ટર તેમજ સુપ્રિટેન્ડન્ટનો ઉધડો લીધો હતો.

જેતપુર-જામકંડોરણાનાં ધારાસભ્ય જયેશ રાદડીયા પીડિત પરિવારની પડખે ઊભા રહ્યા હતા. તેમણે ડોક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લઇ અને અપશબ્દો બોલી તાત્કાલિક પી.એમ કરવા માટે ધમકાવ્યા. તેમજ આ ડોકટરની તાત્કાલિક બદલી માટે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને જણાવ્યું હતું. ધારાસભ્યએ આ બનાવ અંગે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, બાળકીનું અકસ્માતમાં મોત થયું હતું.

ગામના આગેવાનો અને પરિવારજનો પ્રાથમિક તપાસ માટે પહેલા ધોરાજી અને પછી જુનાગઢ લઈ ગયા. જ્યાં બાળકીને મૃત જાહેર કરાઇ. તે પછી અકસ્માત જેતપુર ગુંદાળા તાલુકાનો હોવાથી જેતપુર સિવિલ આવ્યા અને ફરજ પરના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, બાળકીનું મોત થયું છે તેમાં મને શંકા છે. જે માટે રાજકોટ મોકલવું પડશે તેવા બહાના કાઢીને પી.એમ કરવાની ના પાડી.

Shah Jina