સૃષ્ટી રૈયાણી હત્યા કેસમાં પરિવારને 700થી પણ દિવસ બાદ ન્યાય, કોર્ટે નરાધમને ફટકારી દુનિયાની સૌથી ખતરનાક સજા 

પટેલની દીકરીને છરીના 36 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર નરાધમ જયેશને ફાંસીની સજા, જુઓ તસવીરો

ગુજરાતમાંથી હત્યાના ઘણા ચકચારી કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આજથી બે વર્ષ પહેલા એટલે કે 16 માર્ચ 2021ના રોજ જેતલસર ગામે ધોરણ 11 માં અભ્યાસ કરનારી સૃષ્ટિ રૈયાણી નામની વિદ્યાર્થીનીને જયેશ ગીરધર સરવૈયાએ છરીના 30થી પણ વધારે ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી અને તેણે સૃષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના પાંચેક જેટલા ઘા ઝીંક્યા હતા, પણ તે ભાગી જતા પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. ત્યારે આ કેસે રાજકોટ જ નહિ પણ આખા ગુજરાતમાં ઘણી ચકચારી જગાવી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

અનેક શહેરોમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ મામલે તંત્રને આવેદનપત્ર આપી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવતા આરોપીને કડકમાં કડક સજા આપવાની માગણી પણ કરવામાં આવી હતી. ત્યારે હવે આ કેસનો ચુકાદો આવી ગયો છે અને નરાધમ આરોપીને મૃત્યુદંડની સજા ફટકારાઇ છે. 727 દિવસ બાદ આજે આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે મૃત્યુ દંડની સજા ફટકારી છે અને સગીરાના ભાઈ પર ઘાતકી હુમલો કર્યાના બનાવમાં 10 વર્ષ સજા અને 5000 દંડ ફટકારવામાં આવ્યો છે.

ચુકાદા બાદ ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો છે, જેતપુરની અંદર આ પ્રથમ વખત આવી સજાનો રેકોર્ડ થયો છે. આરોપીને કલમ 302માં ફાંસીની સજા અને 5 હજારનો દંડ કરાયો છે અને કલમ 307માં 10 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત કલમ 349માં 5 વર્ષની કેદ અને અઢી હજારનો દંડ તેમજ પોક્સોમાં 5 વર્ષની કેદ અને અઢી હજારનો દંડ કરવામાં આવ્યો છે.

ફરિયાદી પક્ષના વકીલ દ્વારા જણાવાયુ હતુ કે તેમણે જેટલી 50 સેશન્સ કેસમાં મહેનત કરી હોય એટલી તો એક જ કેસમાં કરી છે અને તેમણે અને તેમના દીકરાએ ફરિયાદી પક્ષ તરફથી એક પણ રૂપિયો લીધો નથી. આ કેસને નામદાર કોર્ટે રેરસ્ટ ઓફ રેરસ્ટ કેસ માન્યો છે.આરોપી જયેશ સરવૈયાને જેતપુર સેસન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારતા કોર્ટ રૂમની બહાર માતા-પિતાની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી.

સૃષ્ટિના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ બે વર્ષથી માનસિક ત્રાસમાં ગુજર્યા છે. જો તેમની દીકરીના હત્યારાને સમયસર સજા મળી ગઈ હોત તો સુરતની ગ્રીષ્માની હત્યા તે કદાચ ન થઇ હોત અને તે કદાચ હયાત હોત એવું તેમનું માનવું છે. માતાએ જણાવ્યું કે, મારી દીકરીને આજે ન્યાય મળ્યો છે, આથી હું બધાનો આભાર માનું છું. તેઓએ કહ્યુ કે, અમારી એ જ માગ હતી કે, આરોપીને ફાંસીની સજા મળે અને મારી દીકરીની આત્માને શાંતિ મળે.

Shah Jina