ખબર વાયરલ

મોતના લાઈવ દ્રશ્યો: JCB ટાયરમાં હવા ભરતા સમયે થયો બ્લાસ્ટ, બે મજૂરના મોત

બાપ રે! કેમેરામાં કેદ થયા મોતના લાઈવ દ્રશ્યો, કાચા પોચા લોકો ન જુએ આ વીડિયો

આપણે કહીએ છીએ ને કે મોત કોને ક્યારે આંબી જાય તે કહી ન શકાય. બે મિનિટ પહેલા હસતો રમતો વ્યક્તિ અચાનક મોતને ભેટી જાય છે. આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જ્યાં બે વ્યક્તિના મોત થયા છે અને આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ છત્તીસગઢના રાયપુરમાં આવેલા સિલતરા વિસ્તારની જ્યાં એક જેસીબીના ટાયરમાં હવા ભરતી વખતે અકસ્માત થયો છે જેમા બે વ્યક્તિના મોત થયા છે. આ મૃતકોના નામ રાજપાલ અને પ્રાંજન છે.

આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ટાયરની પાસે ઉભેલા બન્ને વ્યક્તિ હવામાં ફંગોળાઈ જાય છે. સાથે તેના શરીરના ટૂકડા પણ થઈ જાય છે. આ દ્રશ્ય અત્યંત ખોફનાક હતું. તો બીજી તરફ બ્લાસ્ટ બાદ જેસીબીનું ટાયર પણ ઉડીને દૂર જતું રહે છે.

આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ ફેક્ટરીમાં જેસીબી મશીન ઉભુ છે. સાથે ત્યાં કેટલાક કર્મચારીઓ કામ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કર્મચારી જેસીબી ટાયરમાં હવા ભરી રહ્યો છે. આ ઉપરાંત ત્યાં બાજુમાં ઉભેલા અન્ય કર્મચારીઓ વાતચીત કરી રહ્યા છે. ત્યારે જ તેમાનો એક કર્મચારી હવા ભરી રહેલા વ્યક્તિ પાસે આવે છે અને ત્યારે જ બ્લાસ્ટ થાય છે.

આ દૂર્ઘટના અંગે સિલતરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, સિલતરા વિસ્તારના ધનકુન સ્ટીલ્સ પ્રાઈવેટ લિમિટેડ ગેરેજમાં રાજપાલ સિંહ ઉંમર 32 વર્ષ અને પ્રાંજન નામદેવ ઉંમર વર્ષ 32 અહીં કામ કરતા હતા. આ બન્ને કર્મચારીઓ મધ્ય પ્રદેશના રેવા જિલ્લાના રહેવાસી હતા.

બન્ને બપોરે 3.30 વાગ્યાની આસપાસ જેસીબી મશીનના ટાયરમાં હવા ભરી રહ્યા હતા. તે દરમિયાન ટાયરમાં જોરદાર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એકનું ઘટના સ્થળે જ્યારે બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. પોલીસે બન્ને યુવકનું હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવી તેમના મૃતદેહને પરિજનોને સોંપી દીધા છે અને આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ આ બન્ને મૃતક યુવકના ઘરમાં માતમ છવાયો છે.