મોરબીમાં ઝૂલતા પૂલ કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા, પીડિત પરિવારના દાઝ્યા પર ડામ ?

મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું કરાયુ સમ્માન, મોરબીવાસીઓમાં રોષનો માહોલ ફેલાયો

મોરબીમાં મચ્છુ નદી પર 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલ આ બ્રિજ ઘટનાના ચાર દિવસ પહેલા જ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો. જો કે આ કેબલ બ્રિજ કડડભૂસ કરતા તૂટી પડ્યો અને બ્રિજ પરના લોકો મચ્છુ નદીમાં ખાબક્યા.

આ દુર્ઘટનામાં જયસુખ પટેલની કંપની દ્વારા નબળી ગુણવત્તાનું મટિરીયલ વાપરતા બ્રિજ તૂટ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને કોર્ટે જયસુખ પટેલને કસૂરવાર પણ ઠેરવ્યો છે. ત્યારે આ મામલે કોર્ટ દ્વારા મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જયસુખ પટેલને જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ મોરબીમાં પ્રવેશબંધી હોવા છત્તાં લજાઈ ગામે કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જયસુખભાઇનું સન્માન કરવામાં આવ્યું હતુ.

મોરબીના લજાઈ ગામ પાસે ઉમા સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ઉમિયા માતાજીનું મંદિર અને લગ્ન માટેની તમામ વ્યવસ્થાઓને ઉપલબ્ધ કરવામાં આવી છે અને તેમજ પાટીદાર પરિવારના દીકરા-દીકરીઓના લગ્ન ત્યાં નજીવામાં ખર્ચમાં થઈ શકે એ પ્રકારે આખી વ્યવસ્થા પણ દાતાઓના સહકારથી ઉભી કરવામાં આવી છે.

આનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. પાટીદાર સમાજના કોઈપણ કાર્યની અંદર ખુલ્લા હાથે દાન આપતાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ભામાશા તરીકે જાણીતા સ્વર્ગસ્થ ઓ.આર. પટેલનું વિશેષ સન્માન મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા કરવાનું હોવાથી તેઓ હયાત ન હોવાથી મોટા દીકરા પ્રવીણભાઈ પટેલનું સન્માન કરવાનું હતું.

જો કે તેઓની નાદુરસ્ત તબિયતના કારણે જયસુખ ઓધવજીભાઈ પટેલનું મોદક તુલના કરીને વિશેષણ સન્માન કરવામાં આવ્યું હતું. જયસુખભાઇ પટેલનો 75 કિલો વજન હોય તેટલો મોટો મોદક બનાવ્યો હતો અને તેને 75 મણ મોદકની અંદર મિક્સ કરી પાટીદાર સમાજના જે મોરબી અને આસપાસના વિસ્તારમાં 60,000 જેટલા પરિવારો રહે છે તે દરેક ઘર સુધી આ મોદકનો પ્રસાદ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આશરે 60 હજાર જેટલા પરિવારોને આ પ્રસાદી આપીને જયસુખ પટેલનું ઋણ ઉતારવા માંગીએ છીએ. જો કે જયસુખ પટેલનું મોદક તુલાથી સન્માન કરવામાં આવતા પીડિત પરિવારોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ સર્જાઇ છે. કોર્ટ દ્વારા મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમ કેવી રીતે યોજાયો તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Shah Jina