રીલિઝ પહેલા જ કાનૂની દાવ-પેચમાં ફસાઇ રણવીર સિંહની ફિલ્મ “જયેશભાઇ જોરદાર”, જાણો કારણ

બોલિવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ માટે ચર્ચામાં છે, આ ફિલ્મ ગુજરાતી પૃષ્ઠભૂમિ પર આધારિત છે. દરેક જગ્યાએ આ ફિલ્મની જોરોશોરોથી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થઈ રહી છે.ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર થોડા સમય પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. રણવીર સિંહના ફેન્સ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, પરંતુ ફિલ્મને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે, જે રણવીર સિંહના ફેન્સને મોટો આંચકો આપી શકે છે.

કારણ છે ટ્રેલરમાં એક સીન, જેમાં ડિલિવરી પહેલા અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજી દ્વારા બાળકનું લિંગ જાણવામાં આવે છે. બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં આ સીન વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ નવીન ચાવલાની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચ સમક્ષ પીઆઈએલ રજૂ કરવામાં આવી હતી. જો કે આ ફિલ્મ સેવ ગર્લ ચાઈલ્ડના સૂત્રને પ્રમોટ કરવા માટે છે અને તે સ્ત્રી ભ્રૂણહત્યા વિરુદ્ધ છે. અરજદારના કહેવા પ્રમાણે ફિલ્મના ટ્રેલરમાં અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજીના ખોટા ઉપયોગની જાહેરાત કરવામાં આવી છે.

પિટિશન દાખલ કરનાર પવન પ્રકાશ પાઠકે પિટિશનમાં કહ્યું છે કે ‘ડિલિવરી પહેલા બાળકનું લિંગ પરીક્ષણ કરવું ગેરકાયદેસર છે અને આપણું બંધારણ તેની મંજૂરી આપતું નથી.’ તે ઈચ્છે છે કે આ પ્રકારની વસ્તુઓ ફિલ્મ દ્વારા સામાન્ય લોકોને બતાવવામાં ન આવે અને આ સીનને પ્રતિબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આધારે ફિલ્મમાંથી હટાવી દેવામાં આવે. ટ્રેલર રિલીઝ થયા બાદ જ્યારે ફિલ્મની સ્ટોરીનો આઈડિયા બધાની સામે આવ્યો તો લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી.

આ ફિલ્મ આવા સામાજિક મુદ્દાની આસપાસ વણાયેલી છે, જે આજે પણ આપણા દેશમાં ક્યાંકને ક્યાંક ચાલી રહી છે. રણવીર સિંહના પાત્રની લોકો દ્વારા વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી.મનીષ શર્મા દ્વારા નિર્મિત ‘જયેશભાઈ જોરદાર’માં ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડે પણ છે, જે રણવીર સાથે બોલિવૂડમાં પદાર્પણ કરી રહી છે. આ ફિલ્મ દિવ્યાંગ ઠક્કરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 13મી મેના રોજ રીલિઝ થવા જઇ રહી છે.

જે સીન પર વિવાદ થયો છે, તેની વાત કરીએ તો, ડિલિવરી પહેલા લિંગ પરીક્ષણનો એક સીન છે, જેને લઈને વિવાદ થઈ રહ્યો છે. ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકામાં છે. લગ્ન પછી જ્યારે તેની પત્ની ગર્ભવતી થાય છે ત્યારે તે તેના ગર્ભસ્થ બાળકને બચાવવા માટે લડતો જોવા મળે છે.

Shah Jina