ભારતીય ટીમના આ ગુજરાતી ખેલાડીએ ખરીદી લક્ઝુરિયસ કાર, રવિન્દ્ર જાડેજા એ કહ્યું… “IPLનો ચેક આવ્યો એમને !” જુઓ તસવીરો

બોલીવુડના સેલેબ્સની જેમ ક્રિકેટરોની લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેમની ફેન ફોલોઇંગ પણ આખી દુનિયામાં ફેલાયેલી છે અને તેમના અંગત જીવન વિશે પણ લોકો જાણવા માંગતા હોય છે, સાથે જ તેમની તસવીરો અને વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે અને તેમના જીવનમાં કઈ નવું થાય તો ચાહકો પણ ખુશ થઇ જતા હોય છે.

ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે નવી મર્સિડીઝ કાર ખરીદી છે અને તેનો ફોટો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ઉનડકટે કાર ખરીદ્યા બાદ એમ પણ કહ્યું હતું કે મર્સિડીઝ કાર ખરીદવાનું તેનું બાળપણનું સપનું હતું અને આજે તે આ સપનું પૂરું કરીને ખૂબ જ ખુશ છે. ઉનડકટે સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરીને એક સરસ કેપશન પણ લખ્યું છે.

તેને લખ્યું છે કે, “હું નાનો હતો ત્યારથી, મર્સિડીઝ કાર ખરીદવાનું અને મારા પ્રિયજનો સાથે રોડ ટ્રિપ પર જવાનું મારું સપનું હતું. ગઈ કાલે મારું સપનું સાકાર થયું. અમે તે ખરીદ્યું છે અને હવે અમારી પાસે મર્સિડીઝ છે. હું એવા તમામ લોકોને કહેવા માંગુ છું જે સપના જુએ છે કે સપના જોતા રહો અને તેના માટે કામ કરતા રહો. કારણ કે સપના સાચા થાય છે.”

જયદેવની આ તસવીરો ઉપર હવે ઘણા બધા સેલેબ્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. મનોરંજન જગતના સેલેબ્સથી લઈને ક્રિકેટ જગતની હસ્તીઓ પણ તેની આ પોસ્ટ ઉપર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા. તો આ બધા વચ્ચે જ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનો મજાકિયો અંદાજ પણ જોવા મળ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ મજાકમાં કોમેન્ટ કરતા લખ્યું, “IPLનો ચેક આવ્યો એમને !”. ઘણા લોકો સર જાડેજાના આ અંદાજના પણ વખાણ કરી રહ્યા છે.

ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણું નામ મેળવ્યું છે અને આ કાર ખરીદવી તેના માટે કોઈ મોટી વાત નથી. 2014માં ઉનડકટને દિલ્હીની ટીમે 2.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે પછી આગામી કેટલીક સીઝન માટે તેને કરોડોમાં કિંમત મળી રહી હતી. 2017ની સીઝનમાં ઉનડકટને માત્ર 30 લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ પછીની સીઝનમાં તેને તેનો જેકપોટ મળ્યો હતો.

2018માં ઉનડકટને રાજસ્થાન રોયલ્સમાં 11.50 કરોડ રૂપિયાની ભારે કિંમતમાં ઉમેરવામાં આવ્યો હતો. આગલી સીઝનમાં રાજસ્થાને તેને રીલીઝ કર્યો અને પછી ફરીથી તેને 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ પછી તે આગામી બે સિઝન સુધી રાજસ્થાનમાં રહ્યો અને આ વખતે તેને પ્રતિ સિઝનમાં ત્રણ કરોડ રૂપિયા મળ્યા. તે જ સમયે આ વર્ષે યોજાયેલી મેગા હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે તેને 1.30 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉનડકટે 91 IPL મેચમાં 91 વિકેટ લીધી છે.

Niraj Patel