EXCLUSIVE: વડોદરાની આ ગુજરાતી અભિનેત્રી બની છે “ફેસ ઓફ કોલગેટ”, બોલીવુડની ફિલ્મો બાદ હવે આ ગુજરાતી ફિલ્મમાં મચાવશે ધમાલ

આપણા દેશના મોટાભાગના ઘરમાં હવે ટીવી છે, અને ટીવી ઉપર ઘણી જ ધારાવાહિકો સાથે સાથે ફિલ્મો પણ આપણે જોઈએ છીએ. આ જાહેરાતો, ધારાવાહિકો અને ફિલ્મોમાં ઘણા કલાકારો આપણા માટે પણ યાદગાર બની જતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવી અભિનેત્રીની વાત કરવાના છીએ જે આમ તો દરેક ઘરમાં વસેલી છે, પરંતુ હવે એક નવા વિષય અને નવી વાર્તા સાથે આવનારી ફિલ્મમાં પણ જોવા મળશે.

અમે વાત કરી રહ્યા છે એ અભિનેત્રીની જે કોલગેટના રેપર ઉપર પોતાની સુંદર સ્માઈલ દ્વારા દરેક ઘરમાં બિરાજમાન છે. પરંતુ હાલ તે એક શાનદાર ગુજરાતી ફિલ્મમાં આવી રહી છે. આ અભિનેત્રીનું નામ છે જયકા યાજ્ઞિક. જે 17 ડિસેમ્બરના રોજ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “હલકી ફુલકી”માં એક શાનદાર પાત્ર નિભાવી રહ્યા છે, ત્યારે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા જયકા યાજ્ઞિક સાથે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું, જેમાં તેમની સાથેના સવાલ જવાબમાં ઘણી જ રસપ્રદ વાતો થઇ.

અમે જયકાને પહેલા સવાલમાં પૂછ્યું કે “અભિનય કરવાની ઈચ્છા ક્યારે થઇ હતી ?” ત્યારે આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું હતું કે, “અભિનય સાથે જોડાવવાનું એ રીતે થયું કે મારા પપ્પા કૃપાદેવ યાજ્ઞિક પોતે જ અભિનેતા છે.તેમને ઘણી બધી ગુજરાતી ફિલ્મો, ટીવી ધારાવાહિકો અને નાટકોમાં કામ કર્યું છે. ત્યારે બાળપણાં જ જયારે અમારા ઘરમાં નાટકના રિયર્સલ થતા હોય એ બધું હું જોતી આવી અને આ ઉપરાંત મારા પપ્પા એ સમયે જયારે બોમ્બેથી નાટકો આવતા ત્યારે એ અમને અચૂક જોવા માટે લઇ જતા. જેના કારણે જ નાનપણમાં મેં એટલું બધું જોઈ લીધું છે કે આ બધાના લીધે જ મારી અભિનયમાં જોડાવવાની ઈચ્છા બાળપણથી જ જન્મી હતી અને મેં નક્કી કર્યું હતું કે મારે તો અભિનેત્રી જ બનવું છે.

અમારા બીજા સવાલમાં અમે તેમને પૂછ્યું કે, ” તમારા કેરિયર દરમિયાનનો કોઈ ખાસ અનુભવ  રહ્યો હોય, જે તમને આજીવન યાદ રહી જાય તેવો હોય, આ સવાલના જવાબમાં જયકા યાજ્ઞિકે જણાવ્યું હતું કે, “મારા કામ દરમિયાનની અનુભવની વાત કરું તો મેં બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે બે વાર કામ કર્યું. એ દરમિયાનના શૂટિંગનો અનુભવ મને આજીવન યાદ રહેશે. એ મારા માટે ખુબ જ ખાસ હતું. એ શૂટિંગમાં તે અમને ગાઈડન્સ કરતા એ બધું ખુબ જ યાદગાર હતું.”

“આ ઉપરાંત હું “ફેસ ઓફ કોલગેટ” છું. એટલે તમે જે કોલગેટના પેક ઉપર જે ચહેરો જોઈ રહ્યા છો તે મારો છે, પરંતુ જ્યારે કોલગેટનું શૂટ હતું ત્યારે, હું એક ફિલ્મ શૂટ કરી રહી હતી અને મારા પગમાં ફેક્ચર થઇ ગયું હતું. જેના કારણે મારુ બીજું શૂટિંગ હોલ્ડ રાખ્યું હતું, પરંતુ કોલગેટનું શૂટિંગ હોલ્ડ થાય એમ નહોતું તે કરવું પડે જ એમ હતું, જેના કારણે હું પ્લાસ્ટર સાથે જ બોમ્બે ગઈ અને તેમાં મારા ફેસના જ હાવભાવ લેવાના હતા જેના કારણે એ શૂટ મારુ યાદગાર બની ગયું, કારણ કે એ મેં પ્લાસ્ટર સાથે કર્યું હતું.”

અમારા આગળના સવાલમાં અમે પૂછ્યું કે, “તમે બોલીવુડમાં કઈ કઈ ફિલ્મો કરી છે ?” ત્યારે તેમને જવાબમાં કહ્યું કે, “હે અપના દિલ તો આવારા”, “વન-ડે” જેમાં હું અભિનેતા અનુપમ ખેરની દીકરીનો રોલ કર્યો છે.”

જયકા યાજ્ઞિક હવે આગામી ફિલ્મ “હલકી ફુલકી”માં આવી રહ્યા છે ત્યારે અમે તેમને પૂછ્યું કે “હલકી ફુલકી ફિલ્મ સાથે કેવી રીતે જોડાયા ?” ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને કહ્યું કે, “આ માટે મારા એક ઓળખીતા છે નિલેશભાઈ કરીને જેમનો એક દિવસ મેસેજ આવ્યો કે જયંત ગિલાટર એક ફિલ્મ બનાવી રહ્યા છે, તેમને અલગ અલગ પ્રકારની 9 અભિનેત્રીઓ જોઈએ છે, અને મેં તમારું નામ સજેસ્ટ કર્યું છે અને સરે તમારું એક ઓડિશન માંગ્યું છે. જેના બાદ મેં ઓડિશન આપ્યું અને તેમને પસંદ આવ્યું અને મારુ સિલેક્શન આ ફિલ્મ માટે થયું.”

“જેના બાદ જયંતસર સાથે વાત થઇ અને તેમને મને મારા કેરેક્ટર વિશે સમજાવ્યું ત્યારે મને થોડી કન્ફ્યુઝન હતું કે આ ફિલ્મમાં મને એક કાઠિયાવાડી અને દેશી બતાવવામાં આવી છે, એટલે મારા મનમાં અવઢવ હતી કે આ પાત્ર હું સ્વીકારું કે ના સ્વીકારું જેના બાદ જયંત સરે મને સમજાવ્યું કે આ કેરેક્ટર ખુબ જ સ્ટ્રોંગ છે અને એટલે પછી મેં એ કેરેક્ટર સ્વીકાર્યું.”

આજ વાતને લાગતો એક વધુ સવાલ અમે જયકાને પૂછ્યો કે “અમને જાણવા મળ્યું છે કે તમે આ ફિલ્મમાં એક કાઠિયાવાડી મહિલાનું પાત્ર નીભવી રહ્યા છો, એક બરોડાની યુવતીને કાઠિયાવાડી મહિલા તરફ ઢળવા માટે શું કરવું પડ્યું ?” ત્યારે એ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે, “આ મારા માટે ખુબ જ ટફ હતું, કારણ કે હું વડોદરાની છું અને મારી બોલી શુદ્ધ ગુજરાતી છે, હવે મારે આ ફિલ્મમાં કાઠિયાવાડી સ્ત્રીનો અભિનય કરવાનો હતો માટે કાઠિયાવાડી બોલી જ બોલવી પડે અને તેમાં પણ કાઠિયાવાડી લહેકો લાવવો અને તે પણ આર્ટિફિશિયલ ના લાગવો જોઈએ. આ ઉપરાંત કાઠિયાવાડી શબ્દો પકડવા, તેમાં પણ તમે એક બે શબ્દો તો સરળતાથી બોલી શકો પરંતુ સતત ના બોલી શકો. આ બધું મારા માટે ખુબ જ મોટી ચેલેન્જ સમાન હતું.”

આ દરમિયાન અમર સ્ક્રીન પ્લે રાઇટર દિવ્યકાંત પંડ્યાએ અને જયંત સરની મદદથી હું આ કાઠિયાવાડી ભાષા ફિલ્મમાં બોલી શકી. ઘણીવાર તો એવું પણ થતું કે કેટલાક શબ્દોનો મતલબ પણ મને સમજાતો નહોતો. પરંતુ હું શખતી ગઈ અને આ પાત્રમાં ધીમે ધીમે ઢળતી પણ ગઈ. જેના કારણે બહુ જ સારી રીતે મેં આ પાત્ર નિભાવ્યું.

“હલકી ફુલકી” એ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં એક બે નહિ પરંતુ 10 અભિનેત્રીઓ એક સાથે તમને જોવા મળશે, જેના માટેનો જ અમે આગામી સવાલ જયકા યાજ્ઞિકને કર્યો કે,  “ફિલ્મના શૂટિંગ દરમિયાન 10 અભિનેત્રીઓ એક સાથે કેવી રીતે મનમેળ સાધતા ?” ત્યારે આ સવાલનો જવાબ પણ તેમને ખુબ જ સુંદર રીતે આપતા કહ્યું કે, “સ્વાભાવિક છે કે આટલી બધી છોકરીઓ એક સાથે ભેગી થાય તો મેનેજ કરવું ખુબ જ ટફ છે. પરંતુ અમારી સાથે સાવ ઉલટું બન્યું. અમે જયારે ભેગા થતા ત્યારે ખુબ જ મજા કરતા, શૂટિંગની અને બીજી ઘણી બધી વાતો કરીને હળવા થઇ જતા. એટલે શૂટિંગ દરમિયાન ખુબ જ મજા આવી.”

આ ફિલ્મનું શૂટિંગ લોકડાઉનના સમયગાળા દરમિયાન જ થયું હતું, ત્યારે એક તરફ કોરોનાનો ખતરો અને લોકડાઉન પણ હતું ત્યારે આ દરમિયાન તમે કેવી રીતે મેનેજ કર્યું હતું અને કેવી રીતે શૂટિંગ પૂર્ણ કર્યું ? અમારા આ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે, “એ સમય અમારા માટે ખુબ જ અઘરું હતું કે ટીમમાં જ આટલી બધી છોકરીઓ છે, આટલું મોટું યુનિટ છે, અને બહારના પણ લોકો આવતા ત્યારે મેં એ સમયે ખુબ જ સાવચેતી રાખી, રાત્રે ગમે તેટલું મોડું થયું હોય આવીને નાશ લેવાનો, સમય મળતા હળદરવાળું પાણી અને દૂધ પી લેવાનું. આ ઉપરાંત જ્યાં સુધી શૂટ ના ચાલુ થયું હોય ત્યાં સુધી માસ્ક તો પહેરી જ રાખવાનું અને હાથને સૅનેટાઇઝ કરવાના. આ બધી કાળજીઓ મેં ખાસ રાખી છે.”

અમારો છેલ્લો સવાલ હતો કે “શા કારણે તમે દર્શકોને હલકી ફુલકી ફિલ્મ જોવા માટે કહેશો ? અને દર્શકો માટે એક નાનકડો સંદેશ ! ત્યારે તેમને જણાવ્યું કે, “છેલ્લા દોઢ બે વર્ષ આપને સૌએ કોરોનાના ડરથી વિતાવ્યા છે અને આજે પણ કોરોનાનું નામ આવતા જ આપણને ડર ચોક્કસ લાગે છે, પરંતુ જ્યારે હવે થિયેટર ખુલ્લા છે અને આ ફિલ્મ આવી રહી છે ત્યારે તમે આ ફિલ્મ જોઈને તમારી ચિંતા, તણાવ બધું જ તમે ભૂલી જશો. આ કારણ તો છે જ પરંતુ આ સિવાય બીજું એક કારણ એ પણ છે કે અત્યાર સુધી કોઈપણ ગુજરાતી ફિલ્મ એવી નથી આવી જે આ વિષય લઈને આવી હોય. જેમાં પરણિત મહિલાઓનું એક ગ્રુપ છે. જે એકબીજા સાથે પોતાના દિલની વાત શેર કરે છે. માત્ર એક ગ્રુપ જ નહીં પરંતુ કોઈપણ મહિલા હોય તે તેની બીજી મહિલા મિત્ર સાથે દિલની વાત શેર કરે છે. આ ફિલ્મ જોઈને તમને પણ તમારા જુના મિત્રો અને તમેની સાથે કરેલી વાતો ચોક્કસ યાદ આવી જશે.

Niraj Patel