“અમારા ઘરનો દીવો ઓલવાઈ ગયો. પાપીઓને છોડવા જોઈએ નહીં, નિર્દોષોને કચડી નાખનાર તથ્ય પટેલને ફાંસીની સજા થવી જોઈએ !”, ઇસ્કોન બ્રિજ પર મોતને ભેટેલા પોલીસ કોન્સ્ટેબલના દીકરાએ ઠાલવી હૈયાવરાળ
Head Constable Jaswant Singh Died In An Accident : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી કાળમુખી અકસ્માતની ઘટનાના પડઘા હજુ પણ સંભળાઈ રહ્યા છે. અમદાવાદના ઇતિહાસનો આ કદાચ સૌથી ગમખ્વાર અકસ્માત હતો, જેમાં એક સાથે 9 લોકોના જીવ પણ હોમાયા અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન પણ મોત નીપજ્યું, ત્યારે મૃતકોમાં 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 હોમગાર્ડનો જવાન પણ સામેલ છે. તથ્ય પટેલ નામના 20 વર્ષીય લાંબરમૂછિયાએ બેફિકરાઈ ભરી કાર હંકારી અને 10 લોકોનો ભોગ લીધો.
વતનમાં સર્જાઈ કરુણાંતિકા :
ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પાર્થિવ દેહ જ્યારે તેમના વતનમાં લઇ જવામાં આવ્યા ત્યારે કરુણાંતિકા સર્જાઈ હતી, ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને હાલ અમદાવાદમાં પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ ચૌહાણનું નિધન થઈ ગયું. જશવંતસિંહના પાર્થિવ દેહને સાંપા ગામ ખાતે લઈ જવામાં આવ્યો ત્યારે આખું ગામ હીબકે ચડ્યું હતું અને સમગ્ર વાતાવરણ આક્રંદથી ગમગીન થઈ ગયું હતું.
પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર :
જસવંત સિંહને પંચમહાલ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જશવંતસિંહ ચૌહાણ 1998થી અમદાવાદમાં જ પોલીસ તરીકેની ફરજ બજાવે છે અને હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક પોલીસ તરીકેની ફરજ નિભાવતા હતા. ત્યારે અકસ્માતની રાત્રે પણ તે ઘટના સ્થળ પર ગયા હતા અને તથ્ય પટેલની કારથી તેમનું મોત નીપજ્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની ઉપરાંત એક દીકરો અને દીકરી સાથે વૃદ્ધ માતા પિતા પણ છે.
દીકરાએ તથ્યને ફાંસી કરવાની માંગ કરી :
તેમનું મોત એ પરિવાર માથે પણ વજ્રઘાત સમાન છે. ત્યારે જશવંત સિંહના દીકરા અમુલકુમારે મીડિયાને જણાવ્યું કે આવું ના થવું જોઈએ, પરંતુ શું કરવાનું જે નહોતું થવાનું એ થઈ ગયું. નિર્દોષેને શું લેવા દેવા આમા? અમારા ઘરનો દીવો ઓલવાઈ ગયો. પાપીઓને છોડવા જોઈએ નહીં, નિર્દોષોને કચડી નાખનાર તથ્ય પટેલને ફાંસીની સજા થવી જોઈએ. આમાં નિર્દોષોનો ભોગ લેવાયો છે. મે જ્યારે પપ્પના મિત્રનું સ્ટેટસ જોયું ત્યારે જાણ થઈ કે પપ્પા હવે રહ્ય નથી.”