ખબર

સુરતના અઢીવર્ષના બાળકના અંગોના દાનથી 7 બાળકોને મળ્યું નવું જીવન

અંગદાન એ મહાદાન છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાંથી અંગદાનની પહેલ શરૂ થઇ છે અને તેમાં પણ સુરત અગ્રેસર રહ્યું છે. હાલ સુરતમાંથી જ એક એવી ખબર આવી રહી છે જેને માનવતાની મહેક પ્રસરાવી છે.સુરતમાં રહેતા અઢી વર્ષના જશ ઓઝાને બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારે તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેના ફેફસા, કિડની, લીવર અને ચક્ષુઓના દાનથી 7 બાળકોને નવું જીવન મળ્યું છે.જશનું હૃદય હવે રશિયામાં ધબકશે જયારે તેના ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે.

જશના હૃદયને રશિયાના ચાર વર્ષના બાળકમાં અને યુક્રેનના ચાર વર્ષના બાળકને જશના ફેફસાંનું દાન કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ચેન્નાઈની એમજીએમ હોસ્પિટલમાં કરવામાં આવી છે.જશના હૃદય અને ફેફસાંને સુરતથી ગ્રીન કોરિડોર દ્વારા સુરત એરપોર્ટ અને ત્યાંથી 1615 કિ.મીનું અંતર 160 મીનીટમાં કાપીને ચેન્નાઈ ખાતે પહોંચાડી દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જશના અંગોના દાનથી 7 નવી  જિંદગીઓ મહેકી ઉઠવાની છે.

જશની બે કીડનીમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી 13 વર્ષીય બાળકીમાં કરવામાં આવી અને બીજી કિડની સુરતની રહેવાસી 17 વર્ષીય બાળકીમાં કરવામાં આવી છે. જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી 2 વર્ષીય બાળકીમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. જશ સંજીવભાઇ ઓઝા 9 ડિસેમ્બરે પાડોશીના ઘરે રમતા સમયે બીજા માળેથી નીચે પડી જવાના કારણે તેના માથામાં ગંભીર ઇજા થતા તે બેભાન થઇ ગયો હતો. તેના પરિવારજનોએ તાત્કાલીક સારવાર માટે તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. સારવાર દરમિયાન સીટી સ્કેન અને MRI કરાવતા બ્રેન હેમરેજ હોવાનું તેમજ મગજમાં સોજો હોવાનું માલુમ પડ્યુ હતું.

14 ડિસેમ્બરના રોજ ડોકટરો દ્વારા જશને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવતા પરિવારના માથે દુઃખનું આભ તૂટી પડ્યું હતું. પરંતુ તેના પિતા અને પરિવાર દ્વારા જશના અંગોનું દાન કરવાનો નિર્ણય લઈને માનવતાની એક નવી મિશાલ કાયમ કરી હતી. આજે આપણી વચ્ચે જશ નથી તેમ છતાં જશ 7 શરીરમાં જીવંત રહેશે.