કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પૂર્વ સહકર્મીએ જાતીય સતામણીના આરોપો મૂક્યા છે. પોલીસે ગુરુવારે જણાવ્યું કે જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે કામ કરતી એક મહિલાએ તેમના પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે. જાની માસ્ટરનું અસલી નામ શેખ જાની છે. તેમની સાયબરાબાદ પોલીસે ગોવામાં ધરપકડ કરી. હવે તેમને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવશે. અદાલતમાંથી ટ્રાન્ઝિટ વોરન્ટ મળ્યા બાદ તેમને હૈદરાબાદ લાવવામાં આવશે.
આ પહેલાં જાની માસ્ટર વિરુદ્ધ હૈદરાબાદના રાયદુર્ગમ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી હતી. 21 વર્ષીય મહિલા કોરિયોગ્રાફરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ મૂક્યો હતો કે તેમણે ઘણી વાર તેનું જાતીય શોષણ કર્યું. જાની તાજેતરમાં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’માં ‘આઈ નહીં…’ ગીતની કોરિયોગ્રાફી માટે ચર્ચામાં હતા.
છેલ્લા કેટલાક મહિનાથી જાની માસ્ટર સાથે કામ કરી રહ્યા હતા
ફરિયાદી અનુસાર, તે છેલ્લા કેટલાક મહિનાથી જાની માસ્ટર સાથે કામ કરી રહ્યા હતા. આઉટડોર શૂટિંગ દરમિયાન માસ્ટરે તેમની સાથે મારપીટ કરી. મહિલાની ફરિયાદ બાદ એક ઝીરો એફઆઈઆર નોંધવામાં આવી અને કેસ નરસિંગી પોલીસને સોંપવામાં આવ્યો. ‘જાની માસ્ટર’ પર બળાત્કાર, ગુનાહિત ધમકી અને કોઈ વ્યક્તિને જાણી જોઈને ઈજા પહોંચાડવા સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો.
પ્રખ્યાત કોરિયોગ્રાફર છે જાની માસ્ટર
જાની માસ્ટર મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કોરિયોગ્રાફર છે. તેમણે કન્નડ સિનેમામાં પણ ઘણા શાનદાર ગીતોની કોરિયોગ્રાફી કરી છે. બોલિવૂડમાં તેમણે ‘જય હો’ ફિલ્મનું ‘ફોટોકોપી’, ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ ટાઈટલ ટ્રેક, ‘લાલ પીલી આંખિયાં’ અને ‘સ્ત્રી 2’માંથી ‘આજ કી રાત’ અને ‘આઈ નહીં…’ ગીતોની કોરિયોગ્રાફી કરી છે.
બીજી તરફ, કોરિયોગ્રાફર જાની માસ્ટરે હજુ સુધી આ આરોપો પર મૌન સેવ્યું છે. તેઓ તેમના ફિલ્મ પ્રોજેક્ટ્સથી પણ દૂર થઈ ગયા છે. કથિત રીતે તેમને જન સેના પાર્ટીના સભ્ય તરીકે પણ તેમનું કામ છોડવા માટે કહેવામાં આવ્યું છે. આ આંધ્ર પ્રદેશના ઉપમુખ્યમંત્રી અને સુપરસ્ટાર પવન કલ્યાણની પાર્ટી છે.