ખબર

જામનગરમાં ધોરણ 10ની પરીક્ષા આપીને ઘરે જઈ રહેલા વિદ્યાર્થીને નડ્યો અકસ્માત, 108માં હોસ્પિટલ લઇ જતા ફરીથી થયો અકસ્માત, વિદ્યાર્થીનું મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના મોત પણ નિપજતા હોય છે, ત્યારે હાલ બોર્ડની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને આવા સમયે પરીક્ષા આપી રહેલા વિધાર્થીઓ સાથે પણ અકસ્માત થવાની ઘટના સામે આવતી હોય છે. હાલ એવો જ એક અકસ્માત જામનગરથી સામે આવ્યો છે, જેમાં ધોરણ 10ના એક વિદ્યાર્થીનું મોત થયું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના જામજોધપુરમાં આવેલા પરીક્ષા સેન્ટરમાંથી પરીક્ષાનું છેલ્લું પેપર આપીને ખુશી ખુશી પોતાના ઘરે બાઈક ઉપર બેસીને જઈ રહેલા ત્રણ વિદ્યાર્થીઓને શેઠ વડાળા અને નરમાણા ગામ પાસે જ એક ટ્રક ચાલકે ટક્કર મારી હતી, જેમાં બે વિધાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિક દ્વારા તાત્કાલિક 108 બોલાવી બંને વિદ્યાર્થીઓને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ કાળ જાણે કે એક વિદ્યાર્થીનો પીછો કરી રહ્યો હોય તેમ જીઆઇડીસી ફ્રેસ-3 નજીક એમ્બ્યુલન્સનો પણ અકસ્માત થયો હતો, અને આખરે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહેલા ઘાયલ વિદ્યાર્થીનું મોત નીપજ્યું.

મૃતક વિદ્યાર્થીનું નામ કિશન દેવભાઈ મૂઢવા છે, અને તે જામજોધપુરના સરડોર ગામનો વતની છે. તે ધોરણ 10માં આભ્યાસ કરતો હતો અને છેલ્લું પેપર આપવા માટે પોતાના અન્ય બે મિત્રો સાથે બાઈક લઈને પરીક્ષા આપવા ગયો હતો, જયારે તે પરીક્ષા આપીને ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત થતા 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં રિક્ષા, કાર અને આ એમ્બ્યુલન્સ વચ્ચે ત્રિપલ અકસ્માત થતા કિશનનું મોત નીપજ્યું હતું.