જામનગર શહેરમાં કરૂણ ઘટના: 30 વર્ષના પુત્રનું હાર્ટએટેકથી નિધન બાદ માતાનું હ્યદય પણ બેસી ગયું
Heart Attack News : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી થતા મોતના કિસ્સા સામે આવી રહ્યા છે અને આ સિલસિલો સતત વધતો જઇ રહ્યો છે, ત્યારે હાલમાં જામનગરમાંથી એક ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના બની. 30 વર્ષિય દીકરાનું હાર્ટએટેકથી મોત થયા બાદ માતા આઘાત સહન ન કરી શકી અને તેમનું પણ હૃદય બેસી ગયું.
મહાલક્ષ્મી ચોકમાં પ્રખ્યાત વૈદ્ય નાગજી દેવજી પેઢીમાં 30 વર્ષના વૈદ્યરાજ વલેરાનું દુકાનમાં કામ કરતા સમયે જ અચાનક જ કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયુ હતુ. પુત્રની સ્મશાન યાત્રા નીકળ્યા બાદ થોડી જ વારમાં માતા ધીરજબેનનું પણ હૃદયરોગથી મોત થયુ. ત્યારે આ મામલાને લઇને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વલેરા પરિવાર પર તો દુખોનો પહાડ તૂટી પડ્યો છે.
પુત્રનો વિયોગ સહન ન કરી શકતા માતાનું પણ હ્રદય બેસી ગયુ. ઉલ્લેખનીય છે કે જામનગરમાં મહાલક્ષ્મી ચોક વિસ્તારમાં 100 વર્ષ જૂની નાગજીભાઈ વૈદ્યની દવાની પેઢી આવેલી છે અને આ આયુર્વેદિક દવાઓ માટે પ્રખ્યાત છે. આ પેઢી ચલાવતા વલેરા પરિવારના 30 વર્ષીય રાજ વલેરા દુકાનનું સંચાલન કરે છે, ત્યારે શનિવારે બપોરે રાજ દુકાનમાં હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો અને હાર્ટએટેક આવતા ગણતરીની મિનિટોમાં જ મોત થયુ.
ત્યારે જુવાનજોધ દીકરાના મોતના સમાચાર બાદ વલેરા પરિવારમાં શોકનો માહોલ છવાયેલો હતો. પણ દીકરાના મોતનો આઘાત સહન ન કરી શકતા માતા ધીરજબેનનું હૃદય બેસી જતા તેમનું પણ મોત નિપજ્યુ. વલેરા પરિવારે ગણતરીના કલાકોમાં જ પરિવારના બે સદસ્યો ગુમાવ્યા.