અજબગજબ કૌશલ બારડ જાણવા જેવું દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

એવું તે શું બનેલું કે જામનગરમાં 250 વર્ષ સુધી શીતળા સાતમની ઉજવણી નહોતી થઈ? વાંચો એકદમ અજાણી અદ્ભુત સત્યઘટના

જામનગરથી ચાલીસેક કિલોમીટર દૂર આવેલ છે ધ્રોલ. આ ધ્રોલથી દોઢેક માઇલ દૂર વાયવ્ય દિશામાં ઊંચાણવાળા ભાગ પર એક સ્થાનક આવેલું છે. અહીં સિંદૂરે રંગાયેલી અનેક ખાંભીઓ જોવા મળશે. અનેક લોકો ભક્તિભાવપૂર્વક આ ખાંભીઓ પરત્વે માથું નમાવીને પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે. ગુજરાત સરકાર દ્વારા અહીં ‘શહીદ વન’ પણ બનાવવામાં આવ્યું છે.

આ સ્થાન છે : ભૂચરમોરી!

અહીં શીતળા સાતમને દિવસે કંઈક એવું બન્યું હતું જે આ મહા ગુજરાતની પ્રજાએ ક્યારેય જોયું નહોતું. આ સ્થળ પર શ્રાવણ મહિનામાં બનેલી એ બીના કે જેને લીધે જામનગરના લોકોએ 250 વર્ષ સુધી શીતળા સાતમનો તહેવાર ઉજવવાનું બંધ કર્યું હતું! શું થયેલું અહીં? ગુજરાતના ઇતિહાસનું સૌથી ખૂંખાર, સૌથી લોહીયાળ અને સૌથી મોટું યુધ્ધ; ભૂચરમોરીનું યુધ્ધ! એની કથા જેટલી કરૂણ છે એટલી જ શૌર્યતાની અદ્ભુત મિશાલ પણ છે. રાજપૂતો-ગુજરાતીઓ એકવાર પોતાની ટેક પર અડી જાય તો પછી દિલ્હીનો શહેનશાહ પણ એની આગળ પાણી ભરે એવો છાકો અહીં પડ્યો હતો. અહીં જ જાણો સાતમને દિવસે શું બન્યું હતું :

જામના આશ્રિતને ત્યાંથી જમ પણ દૂર રહે —

વાત છે 1591ની સાલની. એ વખતે દિલ્હીમાં અકબરનું શાસન હતું, ગુજરાતની રાજધાની અમદાવાદમાં મુઝફ્ફરશાહ ત્રીજો ગાદીએ હતો અને જામનગરમાં જામ રાવળના વંશજ જામ સતાજીનું રાજ તપતું હતું. જામનગરની સમૃધ્ધિ એ વખતે ખાસ્સી એવી. અહીંના રાજવી ‘જામ’ કહેવાતા. જામનગરના બંદરો પર મોતી મળી આવતા એટલે ‘જામ મોતીયુંવાળા’!

Image Source

અકબરની આંખ ગુજરાત સામે મંડરાતી હતી. એને ગુજરાત જીવતું હતું પણ ગુજરાતનો રાજા મુઝફ્ફરશાહ નડતો હતો. જો કે, મુઝફ્ફરશાહનું રાજ્ય પણ એવું બળવાન તો હતું નહી. એના પ્રધાનો જ અંદરોઅંદર ખટપટ કરતા રહેતા અને પરીણામે રાજવહીવટ એકદમ પડી ભાંગેલો. એમના એક વઝીરના કહેવાથી અકબર ગુજરાત પર ચડી આવ્યો અને મુઝફ્ફરશાહને કેદ કરી લીધો!

મુઝફ્ફર એક દિવસ અકબરની છાવણીમાંથી છટકી ગયો અને નર્મદાના કાંઠાનાં રાજપીપળાના જંગલોમાં ભટકતો સૌરાષ્ટ્રમાં પહોંચ્યો. લગભગ 30,000 ઘોડેસ્વારની સેના એકઠી કરી અમદાવાદ પાછું મેળવવા એણે ચડાઈ કરી. અકબર તો દિલ્હી ચાલ્યો ગયેલો. એમનો સૂબો અબ્દુલ રહીમ ખાનખાના અમદાવાદમાં હતો. મુઝફ્ફરશાહે તેને હરાવ્યો. અમદાવાદ પાછું મેળવ્યું પણ રાજ લાંબુ ન ચાલ્યું. ફરી વાર અમદાવાદ પર દિલ્હીની કુમકે ચડાઈ કરી અને મુઝફ્ફરને પકડીને દિલ્હી લઈ જવામાં આવ્યો. અહીંથી પણ એક દિવસ મુઝફ્ફર કોઈક રીતે ભાગી છૂટ્યો!

અકબર કાળઝાળ થયો. હવે આને કોઈ પણ ભોગે પકડીને ઠાર કરવો જ રહ્યો. એણે પોતાના દૂધીયા ભાઈ મિર્ઝા અઝીઝ કોકાને વિશાળ સૈન્ય સાથે મુઝફ્ફરશાહને શોધવા મોકલ્યો. ગમે તેમ કરીને જીવતો કે મરેલો પકડી લાવવાનો જ હતો.

Image Source

આ બાજુ મુઝફ્ફરશાહ ક્યાં હતો? એને હવે ધરતી સંઘરવા તૈયાર નહોતી કે આભ આશરો દેતું નહોતું. એ ભાગતો જ રહ્યો. પાછળ દિલ્હીની ખૂંખાર સેનાનાં ડાબલાં ગાજતાં હતાં. એ ખેરડી ગયો. ખેરડીમાં એ વખતે કાઠી લોમા ખુમાણની ગાદી હતી. મુઝફ્ફરશાહને એણે થોડો વખત આશરો આપ્યો. પણ પછી કહી દીધું, મારી નાનકડી ખેરડીમાં ગુજરાતનો બાદશાહ વળી કેટલો વખત સમાઈ શકે? મુઝફ્ફરશાહને તેણે જામનગર જવાનું કહ્યું. જામનગરના રાજવી જામ સતાજી સાથે મુઝફ્ફરને સારા સબંધો હતા. ‘જામશાહી કોરી’ તરીકે ઓળખાતા જામનગરના ચલણી સિક્કાને તેણે માન્યતા આપી હતી. એણે તો જામનગર જઈને સતાજીના દરબારમાં આશરો લીધો. આ બાજુ ખેરડીનો કાઠી લોમો ખુમાણ જૂનાગઢના નવાબ દોલતખાનને મળવા ગયો. શા માટે? એ સસ્પેન્સ તો ખૂલ્યું હતું છેક ભૂચરમોરીના મેદાનમાં છેવટની ઘડીએ!

આ બાજુ મિર્ઝા અઝીઝ કોકા હજારોની ફોજ લઈને ગુજરાતમાં ફરતો હતો. આખરે એને વાવડ મળ્યા કે મુઝફ્ફરશાહને જામનગરે આશરો આપ્યો છે. અકબરના ગુનેગારને નાનકડું જામનગર આશરો આપે? જાડેજાઓની આટલી હિંમત? એણે કહેવડાવ્યું, કે મુઝફ્ફરને સોંપી દો, તમારી ભલાઈ એમાં જ છે. એ સુલ્તાન અકબરશાહનો ગુનેગાર છે.

Image Source

પણ રાજપૂતોનો આશરાધર્મ તો યુગોથી પંકાતો આવ્યો છે. પછી ભલે આશરો લેનાર ગમે તે કુળનો હોય, ગમે તે વંશનો હોય, અરે! માણસ હોય કે પશુ-પંખી હોય! જામ સતાજીને ઘસીને ના પાડી કે એ નહી બને. મિર્ઝા અઝીઝ ધૂંવાપૂંવા થયો. એણે જામનગર પર ચડાઈ કરવા જંગી ફોજ તૈયાર કરી. અઢળક સૈન્ય સાથે એની સેના જામનગરના પાદરમાં આવી પહોંચી. આ બાજુ જામનગરની પંકાયેલી સેના, જામના જાડેજા ભાયાતો, જૂનાગઢના દોલતખાન નવાબની સેના અને ખેરડીના કાઠી લોમા ખુમાણની સેના. જુનાગઢ અને ખેરડી જામનગરની મદદે આવ્યાં હતાં. ધ્રોલની પાસે ભૂચર મોરીના પાદરમાં બંને સેનાઓનો જંગી જમાવડો થયો. આટલી હદે જમાવડો માત્ર જામનગરમાં નહી, આખા ગુજરાતની ધરતીએ પણ ક્યારેય જોયો નહોતો. ‘ગુજરાતનું પાણીપત’ શરૂ થવાનું હતું!

ધ્રોલના પાદરમાંથી સેના નીકળેલી અને ધ્રોલમાં જામ સતાજીના ભાયાતોનું જ શાસન હતું. પણ બે’ક પેઢી જૂનું એક રાજકીય વેર હતું એટલે ધ્રોલના રાજવીએ આ યુધ્ધમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું હતું! એક ભાઈ લડતો હતો અને બીજો બેઠો જોતો હતો!

એક તરફ યુધ્ધ, બીજી બાજુ વિવાહ! —

જામ સતાજીને બે કુંવરો હતા : જસાજી અને અજાજી. એક તરફ લડાઈનાં નગારાં ગાજતાં હતાં અને આ બાજુ અજાજીના લગ્ન લેવાયાં હતાં. ભલસાણના સોઢા રાજપૂતની કુંવરી સુરજકુંવરબાને વરવા માટે અજાજીની જાન જોડાઈ રહી હતી. રાજ માથે યુધ્ધની નોબત આવી હતી એટલે અજાજીએ પરણવા જવાની ના ભણી પણ મીઁઢોળબંધો વરરાજો આદર્યું અધૂરું મૂકે એ તો અપશુકન ગણાય એટલે એમને તો જાન જોડીને ભલસાણ મોકલી જ દેવાયા.

Image Source

યા હોમ કરીને પડો! —

લડાઈ જામી. બંને પક્ષની હજારો-હજારોની સેનાઓ આથડી. આગળ કહ્યું તેમ ગુજરાતના ઇતિહાસ આ પ્રથમવાર અને હતું જ્યારે રણમેદાનમાં સેનાઓનો આટલો વિશાળ જમાવડો થયો હોય. નોબતો વાગતા જ જામનગર જાડેજાઓ મુઘલ ફોજ પર તૂટી પડ્યા. હાથીની અંબાડી પરથી જામ સતાજી દ્વારા થતો પ્રત્યેક વાર દુશ્મનની સેનામાં ભંગાણ પાડતો હતો. સેનાની મુખ્ય દોરવણી જેના હાથમાં હતી એ જેસો વજીર તો આધેડ ઉંમરનો મનેખ હતો. પણ જે ચીલઝડપે એનો ભાલો વીંજાતો એ જુવાનજોધ યોધ્ધાને પણ ભૂ પીવડાવે તેવો પ્રહાર કરતો! જેસા વઝીરનો દીકરો નાગ વજીર પણ આ યુધ્ધમાં ખીલી ઉઠ્યો હતો. એ ઉપરાંત રાજકુમાર જસાજી, મહેરામણ ડુંગરાણી, તોગાજી સોઢા, ડાયા લાડક અને ભારજી દલ જેવા શૂરવીરો ખરેખર લાખોમાં એક જેવા હતા. અગાઉ પણ અકબરના લશ્કરને જામનગરે બે વખત હરાવ્યું હતું. એક વખત જૂનાગઢની તળેટીમાં અને બીજી વાર જામનગરના પાદરમાં જ. જૂનાગઢમાં અકબરનો સુબો મિરઝાખાન ધોયેલ મૂળાની જેમ પાછો ગયેલો તો જામનગરમાં થયેલી લડાઈમાં તો અકબરના શાહજાદા શાહજહાંને જ ભૂંડે હાલે હરાવ્યો હતો! આ બે યુધ્ધોથી અકબરને કારમો ઘા લાગ્યો હતો. જામનગરી સેના આ યુધ્ધો જીતી હતી તો એ ઉપર ગણાવ્યા એ મહાનાયકોને પ્રતાપે.

આ વખતે પણ એવું જ થયું. હાલારી લડવૈયાઓ મિર્ઝા અઝીઝ કોકાની ફોજ પર તૂટી પડ્યા. ચોતરફ તારાજી સર્જાવા માંડી. યુધ્ધ કેટલી હદે ભયાનક થયું હતું? એટલી હદે કે, લોહીની વહેતી નીકોમાં સવાશેરનો એક પથ્થર તણાયો હતો! રાજમહેલના કોઈ ખૂણામાં એ પથ્થર હમણા સુધી હતો અને રોજ ધૂપ-દીવા થતા હતા. આખરે મિર્ઝા અઝીઝ કોકાને લાગ્યું કે આ વખતે પણ જામનગરને પહોંચી શકાય તેમ નથી. એ સંધી કરી લેવાનો વિચાર કરતો હતો.

પણ ત્યારે અચાનક થયું એવું કે —

કટોકટીની આ છેલ્લી ઘડીએ બે કાચીંડાએ પોતાનો રંગ બદલ્યો. એક હતો ખેરડીનો કાઠી લોમો ખુમાણ અને બીજો જૂનાગઢનો નવાબ દોલતખાં! જામ સતાજીના પૂર્વજ જામ રાવળે કચ્છમાંથી આવીને જામનગરમાં ગાદી સ્થાપી એ વખતે મીઠોઈના પાદરમાં થયેલાં યુધ્ધમાં એણે આખા સૌરાષ્ટ્રના કાઠીઓને સામૂહિક રીતે કારમી હાર આપી હતી. લોમો ખુમાણ આનો બદલો ઇચ્છતો હતો! જૂનાગઢનો દોલતખાન પણ જામનગરની વધતી જતી સત્તાથી ગભરાઈ ઉઠ્યો હતો. મૂળે તો યુધ્ધમાં આ બંને ભળ્યા ત્યારથી એમનો ઉદ્દેશ આ જ હતો : વખત આવ્યે રંગ દેખાડી દેવાનો!

Image Source

હમણાં સુધી દરીયા જેવડી લાગતી જામનગરની ફોજ જોતજોતામાં ખાબોચિયાં જેવડી થઈ ગઈ! પછી શું હતું? જામનગરની સેનાનું મનોબળ ભાંગી પડ્યું. પણ ઉપર જેનાં નામ લીધાં છે એ મહારથીઓ હવે ખરાખરીનો ખેલ ખેલી લેવાના મૂડમાં હતા. એમણે જામ સતાજીને કોઈ પણ ભોગે સમજાવને રણમેદાનમાંથી વિદાય કર્યા. યુધ્ધ હવે જીતાય તેમ નહોતું. રાજા રહેશે તો રાજ તો પાછું મળશે!

પરીણામ ખબર હતી તોયે જીવતર હોમી દીધાં —

હવે જાડેજાઓ કેસરીયાં કરી રહ્યા. મરવાનું હતું પણ જેટલા મળે તેટલાને વેતરીને! છેવટની તલવારો વીંઝાવા માંડી. વિશાળ બની ગયેલી મુઘલ સેના સામે મુઠ્ઠીભર રાજપૂતોએ બાથ ભીડી. ખરાખરીનો જંગ ખેલાયો. જીવની પરવા હવે જાડેજાઓને નહોતી, મુઘલોને હતી! પણ આખરે આ ક્યાં સુધી ચાલવાનું હતું? આખરે જામનગરની સેનાના બધા મહારથીઓ આ લડાઈમાં કામ આવ્યા. હવે ઘડીઓ ગણાતી હતી અને જામનગર પડવાની તૈયારીમાં હતું.

રાણા રમત્યું મેલ્ય! —

એ વખતે મારતે ઘોડે એક ઘોડેસ્વાર ભલસાણ ભણી છૂટ્યો. એ હતા : ગોપાળ બારોટ, મહાકવિ ઇશરદાસજીના પુત્ર. રાજકુમાર અજોજીના મંગળફેરા ચાલુ હતા અને ગોપાળ બારોટે જઈને બધી વાત સંભળાવી. કુમાર અજોજીએ વરમાળા ફેંકી દીધી અને મારતે ઘોડે અને ખુલ્લી તલવારે પોતાની સાથે આવેલા જાનૈયાઓને લઈને ભૂચરમોરીનાં મેદાનમાં આવ્યા. યુધ્ધ જામ્યું. હલ્દીઘાટીના યુધ્ધમાં મહારાણા પ્રતાપે સર્જ્યું હતું એવું વિરલ દ્રશ્ય અહીઁ પણ સર્જાયું. અજોજીએ પોતાનો ઘોડો મિર્ઝા અઝીઝ કોકાના હાથી નજીક લીધો અને હાથીના કુંભાસ્થળ પર ઘોડાના આગલા બે પગ ટેકવી ભાલાનો છૂટો ઘા કર્યો. મિર્ઝા અઝીઝ કોકાનું આવી જ બન્યું હતું પણ એ વખત સાચવીને હાથીવી અંબાડીમાં ગૂંચડું વળીને ભરાઈ ગયો!

અજોજી જીવ પર આવીને લડ્યા. આખરે ચોતરફથી દુશ્મનોએ એને ઘેરી લીધા અને એક ગોઝારી ક્ષણે વિંઝાયેલી તલવારે અજોજીનું મસ્તક ધડ પરથી અલગ થઈ ગયું.

સોઈ હિંદ કી રાજપૂતાનીયાં થી! —

અજોજીનું મસ્તક પડ્યું એટલે ભૂચર મોરીનું યુધ્ધ સમાપ્ત થયું. ગોપાળ બારોટે તે મસ્તક લીધું અને ભલસાણ ભણી ઘોડો દોડાવી મૂક્યો. નવવધૂ સુરજકુંવરબાને મસ્તક સોઁપ્યું. હજી જેની સાથે ચાર ફેરા પૂર્ણ નહોતા થયા એ ભાવી પતિનું મસ્તક જોઈ એ સતીના દેહમાં શૂરાતન ચડ્યું. એણે ભૂચરમોરીના મેદાન ભણી પોતાનો કાફલો મારી મૂક્યો. જીતના તોરમાં આવેલી મુઘલ સેનાને થયું કે હવે આને પણ હેરાન કરીએ! પણ બરાબર એ જ વખતે અત્યાર સુધી તટસ્થ રહેલું ધ્રોલ  હવે સુરજકુંવરબિની પડખે આવીને ઊભું રહ્યું. હવે પોતાની દીકરીની લાજ જતી હતી, વહુની લાજ જતી હતી! સુરજકુંવરબાએ ભૂચરમોરીના મેદાનમાં અજોજીના ધડને શોધી કાઢ્યું અને એ જ સ્થળે ચિતા ઝલાવી, અજાજીના દેહને ખોળામાં લઈ તેઓ સતી થયાં!

Image Source

સાતમની ઊજવણી બંધ કરવામાં આવી —

એ દિવસ હતો શીતળા સાતમનો. જામનગરે પોતાના હજારો યુધ્ધવીરો આ યુધ્ધમાં ગુમાવ્યા હતા. સામે પક્ષે મુગલ ફોજમાં પણ એટલી જ ખુવારી થઈ હતી. આજે પણ ભૂચરમોરીમાં જે અગણિત ખાંભીઓ આવેલી છે તેમાં કુમાર અજાજી અને સુરજકુંવરબાનો પાળિયો તરત નોખો તરી આવે છે. શીતળા સાતમને દિવસે યુધ્ધ પૂરું થયું હતું.

જામ સતાજી બરડાની ડુંગર માળામાં ચાલ્યા ગયેલા અને રાજકુટુંબની સ્ત્રીઓને વહાણ મારફત કચ્છ મોકલી દેવામાં આવી. નક્કી હતું કે રખે ને દુશ્મન વચ્ચે વહાણને આંતરે તો દરીયામાં ડૂબીને મોતને વ્હાલું કરી લેવાનું! પણ એવું ના થયું. કચ્છના રાજવી ભારાજીને ત્યાં રાજકુટુંબને અને મુઝફ્ફરશાહને રાખવામાં આવ્યા.

મિર્ઝા અઝીઝ કોકાએ ભારાજીને મોરબી પરગણું આપવાની લાલચ આપીને મુઝફ્ફરશાહને પકડી લીધો હતો! એને પકડીને દિલ્હી લઈ જવાતો હતો એ વખતે ધ્રોલની પાસેના એક ગામમાં રાત્રિ પડાવ નાખવામાં આવ્યો. આ જ એ ભૂમિ હતી જ્યાં પોતાના માટે થઈને આશરે 30,000 જાડેજાઓ ખપી ગયા હતા! અને એ છતાં પણ આજે પોતે શું ઉકાળી લીધું? એને પારાવાર આત્મગ્લાની થઈ. વાળંદ પાસેથી હજામત કરવાનો અસ્ત્રો લઈને એક ઝાડ પાછળ જઈને, ગળામાં અસ્ત્રો ખોંસી તેણે આત્મહત્યા કરી લીધી. ગુજરાતમાંથી મુસ્લિમ સલ્નતનના છેલ્લા બાદશાહનો એ સાથે અંત આવ્યો!

એ પછી જામનગરની પ્રજાએ સાતમનો ઉત્સવ ઉજવવાનું બંધ કર્યું. એક-બે વર્ષ નહી, 250 વર્ષ સુધી આ શોક મનાવવામાં આવ્યો! એ પછી જામ રણમલજીના ઘરે મહારાણી આછુબાએ કુંવર બાપુભાને જન્મ આપ્યો. મહારાણીએ કહ્યું, કે સાતમને દિવસે આપણો કુંવર ગયો હતો અને આજે સાતમને જ દિવસે પ્રભુએ આપણને કુંવર આપ્યો છે. હવે શોક પૂરો થઈ ગયો.

Image Source

અને પછી જામનગરે શીતળા સાતમની ઉજવણી ધામધૂમથી શરૂ થઈ.

[આશા છે, કે આપને આ અમૂલ્ય વિરાસતની વાત પસંદ આવી હશે. આપના મિત્રો સાથે પણ લીંક શેર કરજો. ધન્યવાદ!]

Author: કૌશલ બારડ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks