ખબર

વધુ એક ભયાનક અકસ્માત: ખંભાળિયા હાઈવે પર બે સગા ભાઈઓના થયા મૃત્યુ, એકની ઘરે તો હમણાં જ દીકરાનો જન્મ થયો હતો

લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે અને કોરોના કેસોમાં ઘટાડો થવાની સાથે જ લોકો હવે ઘરની બહાર મુક્ત રીતે ફરવા લાગ્યા છે, શહેર અને હાઇવે ઉપર ટ્રાફિક પણ સર્જાવવા લાગ્યો છે, ત્યારે આ દરમિયાન અકસ્માતની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હાલ એક એવા જ ગમખ્વાર અકસ્માતની ઘટના જામનગરમાંથી સામે આવી છે જ્યાં રસ્તા ઉપર કૂતરું આડુ આવવાના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર બે સગા ભાઈઓના મોત થઇ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી એક કાર પસાર થઈ રહી હતી. આ કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા. હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન જામનગર નજીક આવેલા પડાણા પાટીયા પાસે કારને અકસ્માત નડ્યો હતો. હાઈવે પર અચાનક કાર સામે શ્વાન આડુ ઉતરી આવ્યું હતું. તે દરમિયાન શ્વાનને બચાવવા જતા ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે હાઈવે પર કાર પલટી મારી ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં બે સગાભાઈઓના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને મૃતકો પડાણાના સરપંચના ભત્રીજા થતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મૃતક રાજદીપસિંહ ભરતસિંહ ઝાલાના ઘરે આઠ દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ત્યાં બચાવ કાર્ય માટે આવી ગયા હતા, તેમજ મધપુરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પરિવારમાં રાજદીપસિંહ અને પૃથ્વીરાજસિંહ સહિત કુલ ત્રણ ભાઈઓ હતા. જેમાં બે ભાઈઓના આજે અકસ્માતમાં મોત નિપજતા ઝાલા પરિવારમાં આક્રંદ છવાયો છે.