આખું જામનગર હિબકે ચઢ્યું, 41 વર્ષની ઉંમર, 16 હજાર સર્જરી, ડોક્ટરનું હાર્ટ થયું ફેલ, હાર્ટએટેકથી બચવું હોય તો વાંચો ટિપ્સ
Jamnagar Doctor Gaurav Gandhi : ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. હાલમાં જ ગઇકાલના રોજ જામનગરમાંથી ચકચારી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જાણીતા તબીબનું હાર્ટ એટેકથી નિધન થયું હોવાના સમાચાર સામે આવતા ચકચારી મચી ગઇ. જામનગરના પ્રખ્યાત હ્રદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું હતુ.
ડૉ. ગૌરવ ગાંધીના નિધન બાદ જામનગરના તબીબોમાં શોકનો માહોલ છવાયો હતો. ડોક્ટર ગૌરવ ગાંધી માત્ર જામનગર કે ગુજરાતના નહીં પણ આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ ખ્યાતિ પ્રાપ્ત હૃદયના ડૉક્ટર હતા, ત્યારે તેમનું નિધન તબિબ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે.ગૌરવ ગાંધીએ હજારો દર્દીઓના હાર્ટની કાળજી લઈ તેમને સાજા કર્યા પણ તેમની સાથે જ કુદરત આટલી ક્રૂર બની. ગુજરાતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ગૌરવ ગાંધીએ 16 હજારથી વધુ હાર્ટ સર્જરી કરી છે.
તેઓ માત્ર 41 વર્ષના જ હતા. જણાવી દઇએ કે, જામનગર એસ.ટી. સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલ ખાતે સેવા આપતા ડો.ગૌરવ ગાંધી રોજની જેમ દર્દીઓની સારવારમાં વ્યસ્ત હતા અને તે પછી તેઓ પેલેસ રોડ ખાતે આવેલા સામ્રાજ્ય એપાર્ટમેન્ટના ત્રીજા ફલોર પર પોતાના ઘરે પહોંચીને ભોજન કરીને રાત્રે સૂઇ ગયા. જો કે, વહેલી સવારે 6 વાગ્યા આસપાસ તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા બાદ પરિવાર દ્વારા તેમને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
જ્યાં હદયરોગના નિષ્ણાત તબીબોએ બે કલાક સુધી તેમની સારવાર કરી પણ તેઓનો જીવ ના બચાવી શકાયો. ઉલ્લેખનીય છે કે, 41 વર્ષિય ડો.ગૌરવ ગાંધીએ તેમની કારકિર્દી દરમિયાન 16 હજારથી વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની હદયની સર્જરીઓ કરી હતી. તેઓ ફેસબુક પર ‘હર્ટ હાર્ટ એટેક’ અભિયાન સાથે પણ જોડાયેલા હતા અને અવારનવાર સોશિયલ મીડિયા અને સેમિનાર દ્વારા લોકોને હૃદયને લગતી સમસ્યાઓથી વાકેફ કરતા હતા.