જામનગર કોંગ્રેસના મહિલા કોર્પોરેટર હાથમાં લાકડી લઈને PGVCLની કચેરી પહોંચ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. આ ઉપરાંત તેમણે વીજ અધિકારીને ખુલ્લી ધમકી આપી હતી અને લાકડીઓ પછાડી આખી કચેરીને બાનમાં લીધી હતી. મહિલા કોર્પોરેટર અધિકારી લાકડી સાથે રજૂઆત કરવા આવ્યા હતા પરંતુ ગેરવર્તન કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
કોંગ્રેસી નગરસેવિકા રચનાબેન નંદાણિયાએ પીજીવીસીએલ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો અને પછી પીજીવીસીએલના કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા. જામનગરમાં સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં પીજીવીસીએલના એન્જિનિયર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન ગત રોજ વીજબિલ મુદ્દે લાલબંગલા સર્કલમાં આવેલ વીજ કચેરી પર રજૂઆત માટે પહોંચ્યાં હતાં. સોલર ફિટ કરાવ્યા બાદ પણ વીજબિલની રકમ વધુ આવતાં તે લાકડી સાથે રજૂઆત માટે પહોંચ્યા હતા અને વીજ કચેરીમાં દોડધામ મચી ગઇ હતી.
અધિકારીની ચેમ્બરમાં રચનાબેન લાકડી સાથે ઘૂસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો, જેના કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. રચના નંદાણિયા અનુસાર, તેમનું બિલ 8 હજાર રૂપિયા આવ્યું. સોલાર પેનલ લગાવી છતાં પણ આટલું બધુ બિલ કેમ આવ્યું ? તેમણે આક્ષેપ લગાવ્યો કે PGVCLના અધિકારીએ જાણીજોઈને આટલું બિલ આપ્યું છે,
આ સાથે જ તેમણે કહ્યું કે ખોટી રીતે તેમના ઘરમાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ આ સમગ્ર હાઈપ્રોફાઈલ ડ્રામા મુદ્દે PGVCLના અધિકારીએ દાવો કર્યો કે જેટલો વપરાશ કર્યો હોય તેટલું જ બિલ આવ્યું છે. આ બહેન અવારનવાર આવી રીતે ડ્રામા કરતા રહે છે અને અગાઉ પણ બિલ ન ભરવા માટે ગલ્લાતોલ્લા કર્યા હતા.