જામનગરમાં ભાઇબીજીની ઉજવણી કરીને પરત ફરી રહેલા પતિ પત્ની પર ફરી વળી BMW કાર, પતિનું મોત, પત્નીની હાલત ગંભીર

ભાઈ બીજની ઉજવણી કરી પરત ફરી રહેલા પતિ-પત્નીને કારચાલક વિદ્યાર્થીએ અડફેટે લીધા, યુવકનું ઘટના જ સ્થળે મોત મહિલાની હાલત ગંભીર

Jamnagar BMW accident : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ઘણા નિર્દોષ લોકો પણ મોતને ભેટતા હોય છે. મોટાભાગના અકસ્માત કોઈની બેદરકારીના કારણે જ થતા હોવાનું સામે આવે છે. તો આજકાલના નબીરાઓ પણ બેફામ વાહન લઈને દોડતા હોય છે અને રાહદારીઓને અડફેટે પણ લેતા હોય છે, ત્યારે હાલ આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે, જેમાં એક વિદ્યાર્થીએ એક કપલને ટક્કર મારતા પતિનું મોત થયું છે.

BMW કારે મારી અડફેટે :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના રાજ પાર્ક નજીકના રમણ પાર્કમાં રહેતા દિનેશભાઈ મકવાણા તથા તેમના પત્ની અનિતાબેન પોતાનું મોટરસાયકલ નં. GJ-10-BH-1795 લઈને રાજકોટ તરફના રોડ પરથી જામનગર તરફ આવી રહ્યા હતાં ત્યારે પાછળથી પુરપાટ ઝડપે અને બેફિકરાઈ ભેર આવી રહેલી GJ-10-DN-0007 નંબરની BMW કારે અડફેટે મારી હતી જેના કારણે પતિ પત્ની બંને હવામાં ફંગોળાયા હતા.

પતિનું મોત, પત્ની ગંભીર :

આ ઘટનામાં દિનેશભાઇનું મોત નીપજ્યું હતું, જયારે અનિતાબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે હાલ સારવાર હેઠળ છે અને તેમની હાલત પણ ખુબ જ ગંભીર છે. પોલીસે આ મામલે 20 વર્ષના કાર ચાલાક વિદ્યાર્થી ગુલમામદ જુમાભાઈ સાટી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે. આરોપીના પિતા શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની માહિતી પણ મળી રહી છે ત્યારે હાલ પોલીસે જે કારથી અકસ્મત સર્જાયો હતો તે BMW કાર કબજે લીધી છે.

ભાઈબીજનો તહેવાર ઉજવવા બહેનના ઘરે ગયા હતા :

દંપતી ભાઈબીજનો તહેવાર હોવાના કારણે પોતાની બહેનના ઘરે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જ નાની બાણુંગાર અને રામપરના પાટીયા વચ્ચે જ પુરપાટ ઝડપે આવી રહેલા BMW કાર ચાલકે દંપતી પર પાછળથી કાર ફેરવી વાળી જેને લઈને દંપતી હાઇવે પર જ પટકાયું હતું. પતિનું આ અકસ્માતમાં મોત થયું છે, જયારે પત્નીને પણ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હાલ સારવાર હેઠળ છે. આ બાબતની ફરિયાદ મૃતકના દીકરા યશ મકવાણાને નોંધાવી છે.

Niraj Patel