પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“જમના મા પરકમ્મા કરવા જાય છે” – પરકમ્માથી સફર શરુ કરીને જમના માના સફરનો અંત પરકમ્મા પર જ આવ્યો – વાંચો આ અદ્દભૂત વાર્તા

“અલ્યા રઘલા કાઈ સાંભળ્યું તે?? શીવલાની મા જમના મા હવે છેલ્લી અવસ્થાએ ગિરનારની લીલી પરકમ્મા જવાના છે. બોલ્ય આ નવું નહિ?? અત્યાર સુધી જમના મા ગામના મંદિરે પણ નથી ગયા. એમ સમજોકે ગામ બાર પગ પણ નથી મુક્યો અને ભગવાન આતા દેવ થઇ ગયા પછી આ છેલ્લે છેલ્લે જમના માને અબળખા જાગી લીલી પરકમ્મા કરવાની!! બોલ્ય આવું છે. મને આમ તો ત્રણ ચાર દિવસ પહેલા સમાચાર મળ્યાં હતાં પણ હું સાચું નોતો માનતો. પણ આ તો જમનામાની બેય દીકરીયું અને બેય જમાઈ પણ આવી ગયા છે. બેય દીકરા તો ભગવાન આતા દેવ થયા પહેલાના આહી જ છે. એ બધાને લઈને કાલ્ય જ જમના મા પરકમ્મા કરવા જવાના છે આ તો આજ સવારે શિવલો મળી ગયો અને એણે મને બધી વાત કરી. “ રતુના પાનની કેબીને ભીખલો રઘલાને વાત કરતો હતો.

“એ હારું હારું ભાઈ જમના મા પરકમ્મા કરે કે નો કરે કોઈ ફેર ના પડે. જમના માનું જીવન જ આખું પરકમ્મા જેવું છે. ગામ આખાનું આસ્થા સ્થાન છે. જીવનમાં કોઈ જ દાગ નહિ. સારા કામે જતા પહેલા લોકો જમનામાનું મોઢું જોઇને શુકન લઈને જ આજે પણ જાય જ છે ને. ગામ આખાનું આદરપાત્ર કોઈ માણસ હોય તો એ જમના મા. કોઈ દિવસ ગામમાં કોઈ પંચાત કે ડખ્ખામાં જમના મા હોય નહિ. ઉલટાનું ક્યાય પણ ડખો થાય અને વાત જમના મા પાસે પોગે એટલે એ ડખ્ખો પળવારમાં પતી જાય એવી એની ધાક. સારું સારું ભલે જાય એ પરકમ્મા કરવા જાય એનાથી બીજું રૂડું શું હોય” ભીખાએ રઘલાને જવાબ આપ્યો.

ગામમાં સહુથી આદરપાત્ર ઘર ગણાતું હોય તો આ ભગવાન હરજીનું. સીતેર વરસ વટાવીને ગયા નોરતાએ જ ભગવાન હરજી સ્વધામ સિધાવ્યા ત્યારે ગામ આખું એની સ્મશાન યાત્રામાં જોડાયા હતું. ગમે તે કારણ હોય પણ એના બેય દીકરા શિવા અને મનુને જમના માએ નવરાત્રી પહેલાજ વતનમાં તેડાવી લીધા હતા. છોકરાઓ તો સુરત હતા પણ જમના માએ કહ્યું એટલે એ દેશમાં આવતાં રહ્યા. આમ તો સાવ હાલતા ચાલતા ભગવાન હરજી ત્રીજે નોરતે તો સ્વધામ સિધાવી ગયા હતા એને નખમાંય રોગ તો નહોતો જ. ભગવાન હરજી મૂળ ક્યાંના હતા એ એની સારથના ભાભલાઓને પણ ઓછી ખબર હતી. બસ બધાને એટલી ખબર હતી કે પંચાવન વરહ પેલા જમના બહેન ભગવાનભાઈ આ ગામમાં આવી ચડ્યા હતા. ગગજી મુખીના ખેતરની બાજુમાં એક જીર્ણ શિવાલય ત્યાં રોકાયા હતા. એ વખતે કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. દેવ દિવાળી પછીના ત્રણ દિવસે એ આ ગામના ગગજી મુખીએ એને શિવાલયમાં જોયા હતા અને પૂછપરછ કરી હતી.

“ અલ્યા જુવાન કચ્છ બાજુથી આવ્યાં છો?? છે કોઈ મોટેરું હારે કે સાવ આમ નધણિયાતા છો?? ખાધું છે કે ભૂખ્યા છો”? જવાબમાં ભગવાન ભાઈ અને જમના બેનની આંખમાંથી આંસુ પડ્યા હતા, અને પછી ગગજી મુખીના ખેતરમાં જ રોકાઈ ગયા હતાં. મુખીને જમીન સારી એવી અને આ બને ખેતીમાં જોતરાઈ ગયા. બસ આવી રીતે એનો સંસાર શરુ થયો. મહા શિવરાત્રીએ શિવાલયે ભજન ગોઠવાયા. ભગવાન અને એની પત્ની જમના પણ ભજન સાંભળવામાં હાજર હતાં. ગામના એક વૃદ્ધ ભજન ગાતા હતા અને ગાતા ગાતા બે ત્રણ કડીઓ આડા અવળી થઇ અને આગળની કડીઓ ભૂલી ગયા અને અચાનક જ જમનાબેને ભજનની કડીઓ પૂરી કરી એટલું જ નહિ પણ આખું ભજન ફરીથી એક ગરનારી હલકમાં ગાઈ સંભળાવ્યું અને મુખીને થયું કે આ બને કોઈ સાધારણ મનુષ્ય તો નથી જ. કોઈ ઓલ્યા ભવના જિજ્ઞાસુ જીવ છે એ પાકું. કારણ કે મુખી પોતે અલખના આરાધક હતા. બીજા જ દિવસે મુખીએ ગામની પડતર જમીનમાં એક નાનકડું મકાન બાંધવાનું શરુ કર્યું અને ચોમાસા પહેલાં જ ભગવાનભાઈ અને જમનાબેન આ ગામના રહેવાસી થયા. બસ પછી એ તો ગગજી મુખીના ખેતરમાં ખેતીકામ કરતાં રહ્યા. સમય વીતતો ચાલ્યો. ભગવાન ભાઈ બે દીકરીઓના બાપ બન્યાં. મુખીએ એને પોતાના જમીનમાં પેટા ભાગિયા બનાવ્યા. પછી દસ વીઘા જમીન એને ખાતે કરી હતી. પછી તો બીજા બે દીકરાનો જન્મ થયો. ગગજી મુખીની શાખા તાલુકાથી લઈને જીલ્લા સુધી સારી હતી એટલે રેશન કાર્ડ પણ નીકળ્યું. ધીમે ધીમે મહેનતના સથવારે ભગવાનભાઈ થોડા સુખી પણ થયા. પાંચમાં પુછાતા થયા. પછી તો બે દીકરીઓ પણ પરણાવી. વળી પાછા બે ય દીકરા પણ પરણી ગયા અને હવે તો દીકરાના દીકરા અને દીકરીયુંના ભાણીયા પણ પરણી ગયા હતા. ખાધે પીધે સુખી પણ થયા. પણ જમના મા પોતાનું ઘર છોડીને ક્યાય બહારગામ પણ ગયા.

ગામ લોકોને આ કૌતુક થયા કરતુ. જ્યારથી એ ગામમાં રહેવા આવ્યા સીમમાંથી ત્યારથી વ્યવહારિક કામે પણ ભગવાનભાઈ જ જતા. દીકરીઓના સંબંધ જોવા કે ઘર ખોરડાં જોવા પણ ભગવાનભાઈ જ ગયાં. જમનાબેન તો ઘર સાચવીને જ બેઠાં. સવાર સાંજ એ તુલસી નાં ક્યારા પાસે બનાવેલ એક નાનકડા મંદિરની સામે કલાક સુધી બેસી રહેતા. પછી તો લગભગ ગામની સ્ત્રીઓ વાળું કરીને જમનાબેનને ત્યાં પહોંચી જાય અને જમનાબેન કીર્તન ગાય. ક્યારેક વળી ભાવાર્થ સમજાવે. પણ આ બધું ઘરે ને ઘરે ગામના મંદિરે પણ એ ક્યારેય ન ગયા. ગામમાં એક વખત સપ્તાહ બેઠી. આમંત્રણ આવ્યું પણ ન ગયા. ઘરે બેસીને એ સાંભળતા રહ્યા. લગભગ પાંચમાં દિવસે કથાકાર શાસ્ત્રીજી એની ઘરે સામે ચાલીને આવ્યાં કલાક રોકાયા જમનાબેન સાથે સત્સંગ કર્યો. જમનાબેને બે વાણી સંભળાવી. અને પછીના દિવસે શાસ્ત્રીજીએ કથામાં જ કીધું.

Image Source

“ આ જ્ઞાન પારાયણ યજ્ઞ તો નવ દિવસ પછી વિરામ લે છે પણ ગામ સદભાગી છે અહી જમના મા રૂપી જ્ઞાન યજ્ઞ કાયમી વહે છે એનો કાયમ લાભ લે જો. ભજન તો ઘણા ગાય છે પણ એ ભજનનો સાર બહુ ઓછાને સમજાય છે, કોઈ પૂર્વજનના ગુણીજન હંસો હોય ને તો જ આવું સદભાગ્ય સાંપડે છે” બસ ત્યારબાદ ગામ આખું જમના મા કહેતું થયું અને ભગવાન ભાઈ આપોઆપ ભગવાન દાદા થઇ ગયા. પછી તો લોકો સારા કામે જતાં હોય તો વહેલા ઉઠીને જમના માની ડેલીએ આવીને બેસી જાય. જમના મા જાગીને તુલસીની પૂજા કરે ત્યારે સહુ એના આશિષ લઈને સારા કામે શુકન લઈને જતાં.

બસ વરસોથી આવું ચાલતું હતું. જમના મા પણ હવે સીતેર વટાવી ચુક્યા હતા. ભગવાન આતા અવસાન પામ્યા હતા. અને હવે અવસ્થાની અંતિમ ક્ષણોમાં જમના માએ પોતાના દીકરાઓ , પુત્ર વધુઓ. દીકરીઓ અને જમાઈઓને ભેગા કરીને લાભ પાંચમના દિવસે કહ્યું.

“ બસ હવે એક વાર ગિરનારની લીલી પરકમ્મા કરવી છે. એ યને સાથે મારી લીલી વાડી પણ હોય ને એવી મારી ઈચ્છા છે બેટાઓ તૈયારી કરી દો. બસ મારી આ છેલ્લી ઈચ્છા છે.” અને છોકરાઓ ક્યારેય ના પાડે એવા તો હતા જ નહિ ઉલટાના છોકરાઓ રાજી થયા નહીતર એ તો ઘણા સમયથી કહેતા હતા કે તમારે હરદ્વાર જાવું હોય તો ત્યાં અને રામેશ્વર જાવું હોય ત્યાં અમે લઇ જઈએ. પણ એ વખતે જમના મા કહેતા.

“આ ઘરની અંદર જ બધું આવી ગયું. ઘટ અને ઘર છોડીને ક્યાય ન જવાય. ઘટ અને ઘરમાં ગોતતા આવડે તો બધું જ છે”

એક આનંદનો અવસર આવી રહ્યો હતો. ગામના પણ સો જેટલા સ્ત્રી પુરુષો આ પરિક્રમા સંઘમાં સાથે જોડાયા. બધા જ વાહનો દ્વારા જુનાગઢ ભવનાથ પહોંચી ગયાં. સાથે ત્રણ દિવસ ચાલે એટલી સીધું સામગ્રી સાથે લીધી હતી. રાતના બાર વાગ્યે રૂપાયતન પાસેથી પરિક્રમા ની શરૂઆત થઇ “જય ગિરનારી” ના ગગન ભેદીના નાદ સાથે લોકો આગળ ચાલવા લાગ્યા. જમના મા ના પગમાં આજ અનેરો ઉત્સાહ વ્યાપી ગયો હતો. વરસોથી એ ગામ બહાર નીકળ્યા નહોતા પણ અંધારી રાતે રસ્તામાં બને બાજુ આવતી પહાડી ટેકરીઓના નામ એને આવડતા હતા. ગામની સ્ત્રીઓ પણ નવાઈ અનુભવતી હતી.

Image Source

સવારે નદી આવી. ઓણ સાલ સતત વરસાદને કારણે સારું એવું પાણી હતું. ત્યાં બધા નાહ્યા ધોયા અને નાસ્તો પાણી કર્યા. નાના છોકરાઓ થાકી ગયા હતા. એ જમનામાની બાજુમાં વીંટળાઈ વળ્યા હતા. જમના મા તેને ગિરનારની વાતો કરતાં હતાં. વળી પાછો સંઘ આગળ ચાલ્યો અને બપોર સુધીમાં ઝીણા બાવાની મઢી વટાવીને આગળ ચાલી નીકળ્યા. અને સાંજે માળવેલા પહોંચી ગયા. માળવેલા વિશાળ સપાટ જગ્યા હતી. જમના માની આંખો ફરી વળી ચારેય બાજુ અને અચાનક જ તે બોલી ઉઠ્યા.

“ સામે ચાલો પેલી નાનકડી ટેકરી છે ને તેની નીચે આઠેક મોટા વડલા છે. પથ્થરની મોટી છીપરો પણ છે. ત્યાં આપણે રાંધીશું અને પડાવ પણ નાંખીશું.”

સહુ ત્યાં ગયાં અને જોયું તો એકદમ ઘટાટોપ જગ્યા હતી નીચે શીલાઓ એકદમ સપાટ હતી. પડખે એક ખળ ખળ નદી વહી જતી હતી. બધાં જ ત્યાં બેઠાં. સ્ત્રીઓ રાંધવા લાગી. જમના મા એક જગ્યા પર બેસી ગયા. આંખો બંધ કરીને એ જાણે કે સમાધિમાં લીન થઇ ગયા હતાં. થોડી વાર પછી સહુએ જમી લીધું. ઠામ વાસણ ઉટકીને સહુએ પોતાનું પાગરણ કાઢ્યું. રાતના લગભગ અગિયારેક વાગવા આવ્યા હશે. નાના છોકરાઓ લગભગ થાકીને ટે થઇ ગયા હતા એ બધાં પોત પોતાની માના ખોળામાં લપાઈને સુઈ ગયા હતાં. આકાશમાં ચંદ્રમાં પુર બહારમાં ચાંદની રેલાવી રહ્યો હતો. જમના મા એ પોતાના દીકરાઓ અને વહુઓને બોલાવીને બેઠક જમાવી. દીકરીઓ અને જમાઈઓ પણ હતા. ઘડીક જમના મા એ આંખો મીંચી અને પછી બોલ્યાં.

“ બસ હવે હું ત્રણ કે ચાર દિવસની મહેમાન છું. મારી પરિક્રમાનો આ અંતિમ પડાવ છે. બધા સંપીને રહેજો મારા વ્હાલા. આ જીવન વારંવાર નથી મળતું. આજે તમને હું એક વાત કહેવા જઈ રહી છું એ બરાબર સાંભળજો. આપણે જે જગ્યા પર બેઠા છીએ એ મારી જનમ ભોમકા છે. મારા અસલી માતા પિતા કોણ છે એ મને આજેય ખબર નથી પણ મારા પાલક માતા પિતાએ મને વાત કરી હતી જયારે હું પાંચેક વરસની થઇ અને પરિક્રમામાં આવીને ત્યારે મને કીધેલું કે જમના તું અમને આ માળવેલામાંથી જડી છો. જયારે હું એને જડી વરસ દિવસની હતી એમ મારા માતા પિતાએ કીધેલું. હું રડતી હતી. લગભગ અર્ધો દિવસ મને તેડીને મારા માતા પિતા અહી તહી આંટા માર્યા કે કદાચ મારા અસલી માતા પિતા મળી જાય તો મને સોંપી દેવી. પણ કોઈ જ ન મળ્યું. એ લોકો મને પરિક્રમા પૂરી કરીને એની સાથે ઢાંક લઇ ગયા. એટલે ઢાંક મારું વતન ગણાય. મારા પિતાજીનું નામ પરશોતમભાઈ બધા જ એને દાસ કહેતાં. એ ભજનો સારા ગાતાં. નાનપણથી જ મને ઘોડિયામાં હાલરડાંને બદલે ભજનો અને કીર્તન મળ્યા છે. ગળથૂથી જ ભજનથી ભરપુર હતી. પછી તો એ દર વરસે પરકમ્મા માં મને લઈને આવતા અને આ જગ્યાએ કલાકો સુધી અમો બેસતાં. અમારું ઘર એકદમ ગરીબ. શેરડીના ખેતરમાં મારા મા બાપ મજૂરીએ જાય. કાચું ઝૂંપડું. તો ય મને નિશાળે બેસારેલી. ચાર ધોરણ ભણેલી છું હું. મારી માતા વિજયાબેન તો સાવ અભણ. ધીમે ધીમે હું મોટી થઇ. ચૌદ વરસની થઇ અને મારી માતા બીમાર પડી. ઘણો ખર્ચ કર્યો. બે વરસ સુધી એ બીમાર રહીને અવસાન પામી. હું હવે ઘરકામ કરતી હતી. એટલે વાંધો ન આવ્યો. પણ ઢાંકમાં એક મોટા વ્યાજખોર પાસેથી મારા પિતાજીએ મારી માની દવા કરાવવા માટે પૈસા વ્યાજે લીધેલા. પણ વ્યાજ એટલું બધું આકરું હતું કે બે વરસમાં તો એ રકમ આ ગીરનાર જેવડી મોટી થઇ ગઈ. ઉઘરાણી શરુ થઇ એ લોકો બે ત્રણ દિવસે આવવા લાગ્યા. હું અંદરના ભાગમાં હોવ અને મારા બાપાને એ લોકો જેમ તેમ બોલે. મારા બાપા એને ખાતરી આપે કે તમારા પૈસા હું આપી દઈશ. મજુરી વધારે કરીશ પણ એક દિવસ એ લોકો હદ છાંડી ગયા અને મારા પિતાજીને કહ્યું. તારી પાસે કીમતી ખજાનો છે. આ જમની હારે મને પરણાવી દે.. આમેય મારા ઘરે બે બાયું તો છે જ આ ત્રીજી બસ પછી તારે દાસ કોઈ જ માથાકૂટ નહિ!! એ ય ખાઈ પીને ટેસડા કર્ય. આપડી વાડીએ તારે ખાટલો નાંખીને સુઈ રહેવાનું. હું ભલે નાલાયક માણસ ગણાવ પણ હું મારા સસરાને તો બહુ જ સાચવું છું. માનવામાં નો આવતું હોય તો કાલે આપડી વાડીએ આવી જા મારી બે ય ઘરવાળીના બાપાઓ જલસા ઠોકે આપડી વાડીયે. તું ત્રીજો મને ભારે નહિ પડે. અને જો હું તને કહી દઉં કે જમની મને ગમી જ ગઈ છે એટલે આજે નહિ તો કાલે એ મારા પલંગની શોભા બનવાની જ બાકી આ કોલકી , ભાયાવદર ધોરાજી કે ઉપલેટા સુધીમાં તું ગમે ઈને પૂછી લે કે હું બોલું ઈ જ થાય!! અને હું અંદર સાંભળી ને ધ્રુજી જ ગઈ” જમના મા એ વાત કરી થોડી વાર રોકાયા થોડું પાણી પીધું આંખમાંથી આંસુ લુચ્યા અને વાત આગળ ચલાવી. સહુની આંખમાં પણ આંસુ હતા.

Image Source

“ પછી મારા બાપુજી એટલું બોલ્યા કે આ પરિક્રમા કરીને આવીએ પછી વાત. અને એ લોકો વળી બે ત્રણ ધમકીઓ મારીને ચાલ્યા ગયાં. પછી આવી પરિક્રમા. દર વરસના નિયમ મુજબ અમે પરકમ્મા કરવા આવ્યા હતા. દૂધેશ્વર મહાદેવના દર્શન કરતા હતા અમે અને તારા દાદાને મેં પેલી વાર જોયાં. મારા કરતા થોડા મોટા એ એના ભાઈ બંધો સાથે આવેલાં. અમારી સાથે એમણે પર રાતે પરકમ્મા શરુ કરી. રૂપાયતનથી થોડા આગળ હાલ્યા કે મારા પિતાનો પગ મચકોડાઈ ગયો એટલે તારા દાદાએ એની પાસેથી થેલો લઇ લીધો અને એનો હાથ પકડીને આગળ ચાલવા લાગ્યા. કોઈ ઓળખાણ નહિ કોઈ જાણકારી નહિ એના નામની અમને ખબર નહિ કે અમને એનું નામ પણ ખબર નહિ પણ એના ભાઈ બંધોને આગળ જાવા દઈને એ રોકાય ગયા અમારી સાથે. બે કિલોમીટર ચાલ્યા પછી દુઃખાવો અસહ્ય વધી ગયો. એ વળી બીજા જાત્રાળુ પાસેથી હળદર લઇ આવ્યા અને ગરમ કરીને મારા પિતાજીના પગે હળદર લગાવી અને રાહત કરી આપી. પછી તો દી ઉગ્યો. અમે ત્રણેયે સાથે નાસ્તો કર્યો. મારા બાપાએ તમારા દાદા ને પૂછ્યું કે આ હળદર થી સારું થઇ જાય એ જુવાન તને કેમ ખબર પડે ત્યારે તારા દાદા બોલ્યા કે મામાને ઘેર રહું છું. માં બાપ નથી. મામી જયારે બહુ મારે ને ત્યારે બાજુવાળા કાંતુ ડોશી કોઈને ખબર નો પડે એમ મને હળદર લગાડતા એટલી જ ખબર્ય છે. પછી મારા બાપાએ એની બધી વાતો જાણી લીધી. અમે ઝીણા બાવાની મઢીએ રાત રોકાયા અને બીજી રાત અહીંજ રોકવાના હતા. પણ રસ્તામાં જ મારા બાપા એ જોયું કે પેલા ઢાંક વાળા નરાધમો પાછળ પાછળ આવી રહ્યા હતા. પરિક્રમા પૂરી થશે કે મારા બાપ પાસેથી મને છીનવી લેશે એ ભયે એ થોડા મૂંઝવણમાં મૂકાઈ ગયાં. થોડા ઉતાવળે હાલીને અમે આ ટેકરી અને આ જ જગ્યાએ આવી ગયા અને પેલી વાર મારા બાપાએ તમારા દાદાને વાત કરી કે જુવાન મારું હવે નક્કી નથી એક ભાર સોંપું તને.. આ જમના ને લઈને અત્યારે ચાલ્યો જા.. આથમણી બાજુ મારે લેણું નથી. આ ઉગમણી બાજુ જતા રહો તમે. ભગવાન દતાત્રેય તમને માર્ગ ચીન્ધાડશે. જો આ માળવેલા છે ને એની આગળ એક ઘોડી આવશે. એ ઘોડી શરુ થાય એની પહેલા ડાબા હાથે એક કેડી છે બસ એ કેડીએ ચડી જશો. વિશ્વાસ રાખજો તમને કશું નહિ થાય. મારું મન હવે તમને બેયને મારી સાથે રાખવામાં રાજી નથી. અને પછી એણે મારી સામું જોઇને કહ્યું. દીકરી તને વળાવું છું. જે જગ્યાએથી તું મળી હતી ત્યાંથી તને બીજા હાથમાં સોંપું છું. મને આ જણ પર ભરોસો છે. પણ દીકરી અહીંથી ગયા પછી કોઈ દિવસ તું આ આથમણી દશ્ય બાજુ આવતી નહિ. પરકમ્મામાં પણ આવતી નહિ. જોકે તારા મનમાં આવવાની ઈચ્છા પણ નહીં થાય. હા બહુ મોટી ઉમરે તને ઈચ્છા થાય તો જીવનમાં છેલ્લી વાર આવી જજે અહી. બસ તને વળાવતી વખતે હું તને કશું આપી શકીશ નહિ પણ તું ઘોડિયામાં હતી ત્યારથી ભજન સાંભળતી આવી છો. જીવનમાં કયારે પણ મૂંઝાને બેટા ત્યારે એ વાણીઓ મનમાં ગાઈ લેવાની બેટા!! આકાશમાં જો બેટા પેલો ધ્રુવનો તારો દેખાય ને એ રાતે મારગ ચીંધે!! ભજન એ ધ્રુવના તારા જેવું છે એ મુશ્કેલીમાં માર્ગ ચીંધે છે. મારા શબ્દો પર ભરોસો રાખો અને હવે તમે ઉભા થાવ. છેલ્લી વાર તમે મને મળી લો બસ પછી કોઈ મારી સાર સંભાળ લેવા કે ખબર કાઢવા આવશો નહિ. બસ મારો અંતિમ સમય પાસે આવી ગયો છે. મારો હાથ તારા દાદાના હાથમાં આપ્યો અને અમને બેય ને ભેટીને અમને રાતે જ રવાના કરી દીધાં. અને એ આડું જોઈ ગયાં.” આટલું બોલીને જમના મા થોડું રડ્યા. બધા તેની અદ્ભુત આપવીતી સાંભળી રહ્યા હતા. થોડીવારે સ્વસ્થ થઈને જમના માં બોલ્યા.

Image Source

“ અમે હાલી તો નીકળ્યા સવાર સુધી ચાલ્યા. હાથ પકડીને જ એક બીજાની સામું જોયા વગર. ભળ ભાંખડુ થયું અને એ વખતે ઘોડીની ડાબી બાજુ આવતી કેડી પર અમે ચાલતા થઇ ગયા. સાવ ઉજ્જડ કેડી અને કોઈ જ ન મળે. ત્યારે પેલી વાર મેં તમારા દાદાને એનું નામ પૂછ્યું. આખો દિવસ અમે ચાલતા રહ્યા. એક આખો ડુંગર અમે ચડી ગયા હતા અને હવે નીચે ઉતરવાનું હતું. રસ્તામાં ત્રણ વાર અમે પાણી પીધું અને એકેક ટાઢો રોટલો ખાધો એટલું જ બાકી કશું નહિ. રાતે અમે પહાડની ટોચ પર સુઈ ગયા. તારા દાદા જાગતા બેઠા હતા. એના ખોળામાં હું માથું રાખીને સુઈ ગઈ!! વહેલી સવારે અમે ડુંગર ઉતર્યા. એક ગામ દેખાતું હતું, મેંદપરા કે એવું કોઈ ગામ હતું. બસ પછી તો ગીરનાર બહુ પાછળ રહી ગયો. ભેંસાણથી એક બસમાં બેઠાં. તારા દાદા પાસે પૈસા હતા એમાંથી ટિકિટ લીધી. એક બસ સ્ટેન્ડમાંથી પેંડા લઈને ખાધા વળી બીજી બસમાં બેઠા. ટીકીટના પૈસા ચૂકવ્યા પછી અમારી પાસે હવે કાઈ વધ્યું નહોતું. પછી અમે હાલી નીકળ્યા અને સાંજ પડ્યે આપણે રહીએ એ ગામ શિવાલય આવી પહોંચ્યા ત્યાં પાણી પીને સુઈ ગયા અને બીજા દિવસે ગગજી મુખી મળ્યા અને પછી ની વાતો તો તમને ખબર જ છે. બસ ગામમાં રહેવા આવ્યા પછી હું ઘર બહાર નોતી નીકળતી. ક્યારેક મૂંઝવણ થાય તો મારા બાપા ગાતા એ ભજનવાણીનું મનમાં ધ્યાન ધરી લઉં. અને આજે જુઓ આટલી મોટી લીલી વાડી મારા નાથે કરી દીધી છે. હું સુખી છું તમે બધા સુખી છો. અહીંથી વરસો પહેલા હું અને તમારા દાદા નીકળ્યા ત્યારે ખબરેય નહોતી કે એક સમયે હું મારા કુટુંબ સાથે અહી જ પાછી આવીશ. ભજનના કારણે મને મનમાં અમુક આગમ આપોઆપ જ ઉગી નીકળતા. તમારા દાદા દેવ થવાના છે એ મને ત્રણ દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી એટલા માટે જ મેં તમને બોલાવી લીધા હતા. આ કોઈ ચમત્કાર નો માનતા પણ અમુક સમયે તમને સતત ભજન અને વાણીમાં વિશ્વાસ વધતો જાયને તેમ તેમ પ્રકૃતિ તમારા કબજામાં આવતી જાય છે. આ બધું બધાને નથી સમજાતું. મારા ગયા પછી પણ કોઈએ મારા વખાણ નથી કરવાના પણ તમે વિશ્વાસ રાખજો અને એક બીજા સાથે સંપીને રહેજો મારા વાલાઓ ” કહીને જમના મા એ તેની વાત પૂરી કરી. જમના માની જીવનની પરિક્રમા વિષે વિચાર કરતા કરતાં સહુ સુઈ ગયા. બસ પછી તો સરકડિયા હનુમાન અને બોરદેવી થઈને બીજા બે દિવસમાં પરિક્રમા પૂરી કરીને આ સંઘ પોતાના ગામમાં આવી ગયો. અને બીજે દિવસે ગામમાં વાત ફેલાણી કે જમના મા સ્વધામ પામ્યાં છે.

આખું ગામ જમના માની સ્મશાન યાત્રામાં જોડાયા, એના દીકરા દીકરીઓના મનમાં કોઈ સંતાપ નહોતો. એ સહુ પોતપોતાની જાતને ભાગ્યશાળી માનતા હતા કે પવિત્ર આત્માના એ ઓ વંશજ હતા!!

જીવન એક પરિક્રમા જ છે ને જે માટીમાંથી જન્મ થયો એમાં જ છેલ્લે ભળી જવાનુંને સાથે આવે તો એ જીવનમાં સ્મરણ કરેલી આતમવાણી છે પણ બહુ ઓછાના નસીબમાં આવું હોય છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.