આ જાણિતી અભિનેત્રીની ઘરમાં ઘૂસી આતંકીઓએ ગોળી મારી કરી દીધી હત્યા

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ એક હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપ્યો છે. કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે અને આ વખતે તેઓએ ટીવી અભિનેત્રીને નિશાન બનાવી હતી. આતંકવાદીઓ બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં ટીવી અભિનેત્રી અમરીન ભટના ઘરમાં ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં તેનો 10 વર્ષિય ભત્રીજો પણ ઘાયલ થયો હતો. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના ત્રણ આતંકવાદીઓ આ જઘન્ય અપરાધમાં સામેલ છે.

વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકવાદીઓને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 7.55 વાગ્યે આતંકવાદીઓએ અમરીન ભટના ઘર પર ગોળીબાર કર્યો હતો. આ પછી અમરીનને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘરમાં રહેલા 10 વર્ષના ભત્રીજાને હાથમાં ગોળી વાગી હતી. પોલીસે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના ત્રણ આતંકવાદીઓ આ જઘન્ય અપરાધમાં સામેલ છે.

વિસ્તારને કોર્ડન કરીને સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેસ નોંધ્યા બાદ તપાસ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ અમરીનની મોત પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે અમરીન ભટ કાશ્મીરની જાણીતી ટીવી કલાકાર હતી. અભિનયની સાથે લોકો તેને ગાયિકા તરીકે પણ ઓળખતા હતા. અમરીનની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થતી રહે છે. તેની દરેક તસવીરમાં તે એકદમ સાદા ડ્રેસમાં જોવા મળે છે. 35 વર્ષીય અમરીન તેના સિંગિંગ અને એક્ટિંગના વીડિયો સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સુધી પહોંચાડતી હતી.

તેના વીડિયોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને તેના કારણે તેને સારી લોકપ્રિયતા મળી. અમરીનની હત્યા બાદ તેના ચાહકો ગુસ્સે અને દુઃખી છે. અમરીનના ચાહકો સોશિયલ મીડિયા પર ગુનેગારોને જલ્દી પકડવાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 13 મેના રોજ પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદને આતંકવાદીઓએ પુલવામામાં ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. 12 મેના રોજ પણ સરકારી કર્મચારી રાહુલ ભટને આતંકવાદીઓએ બડગામમાં તેમની ઓફિસમાં ઘૂસીને મારી નાખ્યા હતા. આ બંને ઘટનાઓ બાદ અમરીનની હત્યાએ સામાન્ય નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે.

Shah Jina